ફેડ દ્વારા જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતા વધતાં સોનું માત્ર બે સપ્તાહમાં ૧૨૦ ડૉલર તૂટ્યું

20 May, 2023 03:36 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન સરકારનો ડિફૉલ્ટ થવાનો ખતરો હળવો થતાં ડૉલરની મજબૂતીથી સોનામાં વેચવાલી વધી

પ્રતીકાત્મક તસવીર

ફેડ દ્વારા જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતા ૧૨ ટકાથી વધીને ૪૦ ટકાએ પહોંચતાં સોનું માત્ર બે સપ્તાહમાં ૧૨૦ ડૉલર તૂટ્યું હતું. સોનું ચાલુ સપ્તાહે સતત ઘટતું રહ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૯૯ રૂપિયા ઘટ્યું હતું અને ચાંદી પ્રતિ કિલો ૨૮૮ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહ

ફેડના એક પછી એક ઑફિશ્યલ્સ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની તરફેણ કરતી કમેન્ટોનો મારો ચલાવી રહ્યા છે. ફેડના વધુ એક ઑફિશ્યલ્સે જણાવ્યું હતું કે અમેરિકાનું ઇન્ફ્લેશનનું લેવલ જોતાં ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારામાં બ્રેક લગાવવાનું જોખમ લેવું યોગ્ય નથી. અમેરિકન ગવર્મેન્ટ પર તોળાઈ રહેલું ડિફૉલ્ટ થવાનું જોખમ પણ હળવું થયું છે. બૅ​ન્કિંગ ક્રાઇસિસ ભુલાઈ ચૂકી છે જેને કારણે અમેરિકન ડૉલર વધીને બે મહિનાની ઊંચાઈએ અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધ્યાં હતાં. ડૉલરની તેજીથી સોનું ઘટીને ૧૯૫૧.૫૦ ડૉલર થયું હતું. સોનું શુક્રવાર સુધીમાં ચાલુ સપ્તાહે ૨.૩ ટકા ઘટ્યું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ બન્ને ઘટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ગવર્મેન્ટનો ડેબ્ટ સિલિંગ વધારવાનો ગૂંચાવયેલો મામલો હવે ઉકેલની નજીક પહોંચી ગયો છે અને બીજી તરફ ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવો માહોલ ફેડના દરેક મેમ્બર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. આ બે ડેવલપમેન્ટને કારણે ડૉલર છેલ્લા પાંચ સેશનથી સતત વધી રહ્યો છે. શુક્રવારે ડૉલર ઇન્ડેક્સ વધીને બે મહિનાની ઊંચાઈએ ૧૦૩.૫ના લેવલે પહોંચ્યો હતો. ચાલુ સપ્તાહમાં શુક્રવાર સુધીમાં ડૉલર ઇન્ડેક્સ ૦.૮ ટકા વધ્યો હતો. જૂનમાં ફેડ પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે એના ચાન્સ વધીને ૪૦ ટકાએ પહોંચ્યા હતા જે સપ્તાહના આરંભે માત્ર ૧૨ ટકા હતા.

અમેરિકાનું એ​​ક્ઝિ​​​સ્ટિંગ હોમસેલ્સ એપ્રિલમાં ૩.૪ ટકા ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૪૨.૮ લાખે પહોંચ્યું હતું. માર્કેટની ધારણા એ​​ક્ઝિ​​​સ્ટિંગ હોમસેલ્સ ૪૩ લાખે પહોંચવાની હતી. અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ સતત વધી રહ્યા હોવાથી મૉર્ગેજ રેટ વધતાં રહેણાક ખરીદનારાઓની સંખ્યા ઘટી રહી છે. ફેડ દ્વારા હજી પણ ઇન્ટરેસ્ટ રેટ વધારો ચાલુ હોવાથી આગામી દિવસોમાં હાઉસિંગ સેક્ટરમાં ડિમાન્ડ ઘટવાની ધારણા છે.

અમેરિકામાં નવું બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧૩મી માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૨ હજાર ઘટીને ૨.૪૨ લાખે પહોંચી હતી જે અગાઉના સપ્તાહે ૧૮ મહિનાની ઊંચાઈએ ૨.૬૪ લાખ હતી અને માર્કેટની ધારણા ૨.૫૪ લાખની હતી. એ​​ક્ઝિ​​​સ્ટિંગ બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧૮ હજાર ઘટીને ૨.૧૫ લાખે પહોંચી હતી.

જપાનનું ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૩.૫ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં છ મહિનાની નીચી સપાટીએ ૩.૨ ટકા હતું. જપાનનું ફૂડ ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૪૭ વર્ષની ઊંચી સપાટીએ ૮.૪ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૭.૮ ટકા હતું. ફૂડ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, ક્લોથ, ફર્નિચર, મેડિકલ કૅર, એજ્યુકેશનનો ખર્ચ વધ્યો હતો. જપાનનું ઇન્ફ્લેશન સતત ૧૩મા મહિને બૅન્ક ઑફ જપાનના બે ટકાના ટાર્ગેટ કરતાં ઊંચું રહ્યું હતું. કોર ઇન્ફ્લેશન એપ્રિલમાં ત્રણ મહિનાની ઊંચાઈએ ૩.૪ ટકા રહ્યું હતું. બૅન્ક ઑફ જપાને વર્ષના અંત સુધીમાં ઇન્ફ્લેશન બે ટકા સુધી પહોંચવાનું પ્રોજેક્શન રજૂ કર્યું હતું, પણ એપ્રિલમાં ઇન્ફ્લેશન વધતાં હવે પ્રોજેક્શન પ્રમાણે ઇન્ફ્લેશન ઘટવાનું મુશ્કેલ બન્યું છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

સોનાની માર્કેટમાં તેજી-મંદીનો ખેલ હાલ ‘જો અને તો’ ને આધારે ચાલે છે. ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એ શક્યતાએ સોનું મે મહિનાના આરંભે વધીને ૨૦૭૨.૪૯ ડૉલર થયું હતું. માત્ર ગણતરીના દિવસો બાદ હવે ફેડ જૂનમાં પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતાને પગલે સોનું ઘટીને ૧૯૫૧.૫૦ ડૉલર થયું છે. ફેડ ઇન્ટરેસ્ટ રેટ અંગે શું નિર્ણય લેશે એ બાબતે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે. આવતી કાલે કદાચ ફેડનો કોઈ ઑફિશ્યલ્સ એવું બોલે કે ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે તો સોનામાં ફટાફટ ૫૦ ડૉલરની તેજી થવાની શક્યતા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હાલ સોનાના ભાવની આવડી મોટી વધ-ઘટ માત્ર ધારણાઓને આધારે થઈ રહી છે. વાસ્તવિકતા એ છે કે ફેડને જૂનમાં નહીં તો જુલાઈમાં કે એ પછીના મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ વધારો રોકવો પડશે એ નક્કી છે. ઇન્ટરેસ્ટ રેટ વધારો રોકાશે ત્યારે ડૉલર તૂટશે એ પણ નક્કી છે અને ડૉલર તૂટશે ત્યારે સોનામાં તેજી થશે એ પણ નક્કી છે, પણ હાલ અનિશ્ચિતતાનો માહોલ છે. આ સ્થિતિમાં હાલ સોનું ખરીદીને છ-બાર મહિના ભૂલી જવામાં આવે તો સોનામાં લાંબા ગાળે તગડું રિટર્ન મળવાના ચાન્સ છે. આમ સોનામાં માત્ર શૉર્ટ ટર્મ ઘટાડાનો ચાન્સ છે, પણ મિડિયમથી લૉન્ગ ટર્મ સારી એવી તેજી થવાનું ચિત્ર દીવાની જેમ સ્પષ્ટ દેખાય છે. હાલ શૉર્ટ ટર્મ ઇન્વેસ્ટ કરનારાઓને મોટી કમાણી થવાની પણ શક્યતા છે અને ઢગલામોઢે નાણાં ગુમાવવાની પણ શક્યતા છે.

business news