અમેરિકી ડૉલરની એકધારી મજબૂતીથી સોનું ઘટીને સવાત્રણ મહિનાના તળિયે

14 May, 2022 09:34 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન કન્ઝ્યુમર્સ અને પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ઘટતાં સોનામાં મોટા પાયે વેચવાલી જોવા મળી

પ્રતીકાત્મક તસવીર

ઇન્ફ્લેશન સામે બેસ્ટ હેજિંગ ટૂલ્સ ગણાતા સોનામાં અમેરિકન કન્ઝ્યુમર્સ અને પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ઘટતાં મોટા પાયે વેચવાલી જોવા મળી હતી, જેને કારણે સોનાના ભાવ ઘટીને સવાત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૫૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૯૦ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહ 
અમેરિકી ડૉલરની સતત વધતી મજબૂતીથી વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને સવાત્રણ મહિનાના તળિયે પહોંચ્યું હતું જે ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં ત્રણ ટકા ઘટ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૧૮૧૦.૮૬ ડૉલર થયું હતું. અમેરિકન કન્ઝ્યુમર્સ અને પ્રોડ્યુસર્સ બન્ને ઇન્ફ્લેશન ઘટતાં ડૉલરને વધુ મજબૂતી મળી હતી. અમેરિકી ડૉલર સતત છઠ્ઠા સપ્તાહે વધ્યો હતો. સોનું ઘટ્યું હતું પણ ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ સુધર્યા હતા. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૭ મેએ પૂરા થતા સપ્તાહના અંતે ૧૦૦૦ વધીને ૨.૦૩ લાખે પહોંચી હતી જે માર્કેટની ૧.૯૫ લાખની ધારણા કરતાં વધુ હતી. બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા મિડ-ફેબ્રુઆરી પછીના ઊંચા લેવલે પહોંચી હતી. અમેરિકાનું કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન એપ્રિલમાં ઘટ્યું હતું તેની સાથે-સાથે પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન પણ એપ્રિલમાં માત્ર ૦.૫ ટકા જ વધ્યું હતું જે માર્ચમાં ૧.૬ ટકા વધ્યું હતું. ભારતનું ઇન્ફ્લેશન એપ્રિલમાં આઠ વર્ષની ઊંચાઈએ ૭.૭૯ ટકાએ પહોંચ્યું હતું જે માર્કેટની ૭.૫૦ ટકાની ધારણા કરતાં ઊંચું હતું. ફૂડ ઇન્ફ્લેશન સતત સાતમા મહિને વધીને અઢી વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. જોકે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માર્ચમાં ૧.૯ ટકા વધ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૧.૫ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૧.૭ ટકા વધારાની હતી તેના કરતાં પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધુ વધ્યું હતું. યુરો એરિયાનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માર્ચમાં ૧.૮ ટકા ઘટ્યું હતું જે છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. જોકે માર્કેટની બે ટકા ઘટાડાની ધારણા કરતાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓછું ઘટ્યું હતું. ફ્રાન્સનું ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને સાડાછત્રીસ વર્ષની ઊંચાઈએ ૪.૮ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૪.૫ ટકા હતું જ્યારે સ્પેનનું ઇન્ફ્લેશન એપ્રિલમાં ઘટીને ૮.૩ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૪૦ વર્ષની ઊંચાઈએ ૯.૮ ટકા હતું. અમેરિકાનું કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશનની સાથે પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન પણ ઘટતાં ડૉલરની મજબૂતીથી સોનું ઘટ્યું હતું. 
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
વર્લ્ડમાં અનેક વિપરીત પરિબળોને કારણે અમેરિકન ઇકૉનૉમી વધુ સ્ટ્રૉન્ગ બની રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૭૯ દિવસથી ચાલી રહેલા યુદ્ધને કારણે યુરોપિયન ઇકૉનૉમી સતત નબળી પડી રહી છે, કારણ કે યુરોપિયન દેશોની નેચરલ ગૅસ અને ક્રૂડ તેલની મોટા ભાગની જરૂરિયાત રશિયા દ્વારા પૂરી થતી હતી, હવે યુદ્ધને કારણે યુરોપિયન દેશોએ રશિયન નેચરલ ગૅસ અને ક્રૂડ તેલની આયાત પર પ્રતિબંધ મૂકવાની નોબત આવી હોઈ યુરોપિયન દેશોમાં એનર્જી ક્રાઇસીસ સર્જાઈ છે જેને કારણે યુરો નબળો પડતાં ડૉલરને મજબૂતી મળી રહી છે. બ્રેક્ઝિટ બાદ બ્રિટનની ઇકૉનૉમી સતત નબળી પડી રહી છે. ચીનની સ્થિતિ કોરોનાને કારણે નબળી પડી રહી છે. આમ અમેરિકા હાલ તમામ હરીફો સામે મજબૂત બની રહ્યું હોઈ ડૉલરની કિંમત સતત વધી રહી છે જે સોનાની મંદીનું સૌથી મોટું કારણ બન્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં યુરોપિયન દેશો વધુને વધુ નબળા પડતાં જશે અને અમેરિકી ડૉલર મજબૂત બનશે. હાલ કરન્સી બાસ્કેટમાં અમેરિકી ડૉલરનું મૂલ્ય ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું છે જે સતત મજબૂત બની રહ્યું છે. ડૉલર જ્યાં સુધી મજબૂત બનતો જશે ત્યાં સુધી સોનું તૂટતું જશે. આમ સોનાની માર્કેટના શૉર્ટથી મીડિયમ ટર્મ પ્રોસ્પેક્ટ દિવસે-દિવસે વધુ મંદીના સંકેત આપી રહ્યા છે જેને કારણે હવે નવાં કારણો નહીં આવે તો સોનું સતત ઘટતું રહેશે.  

business news