રશિયાએ જર્મની-ફ્રાન્સની દરમ્યાનગીરી બાદ બિનશરતી યુદ્ધવિરામ કરતાં સોનું ગગડ્યું 

28 January, 2022 04:37 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડે માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની જાહેરાત કરતાં સોનામાં ખરીદીનું આકર્ષણ સાવ તળિયે પહોંચ્યું 

પ્રતીકાત્મક તસવીર

રશિયા દ્વારા યુક્રેન પર ચડાઈ કરવાની તમામ તૈયારીઓ વચ્ચે જર્મની અને ફ્રાન્સે દરમ્યાનગીરી કરતાં રશિયાએ બિનશરતી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી એને કારણે સોનું ગગડ્યું હતું. અગાઉ ફેડે માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરતાં સોનું ઑલરેડી સારું એવું ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૩૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૫ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ
ફેડે માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તેમ જ માર્ચમાં જ બૉન્ડબાઇંગ પૂરું કરીને બૅલૅન્સશીટ ઘટાડવાનું કાર્ય શરૂ થશે એવી જાહેરાત કરતાં સોનામાં તેજીની પીછેહઠ જોવા મળી હતી. ફેડની જાહેરાત બાદ અમેરિકી ડૉલરની મજબૂતી અને બે વર્ષનાં બૉન્ડ ૨૩ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનામાં નવી ખરીદીનું આકર્ષણ ઘટ્યું હતું. રશિયા-યુક્રેન વચ્ચે ટેન્શન હજી યથાવત્ હોવાથી સોનું વધુ ઘટ્યું નહોતું પણ મોડેથી જર્મની અને ફ્રાન્સે દરમ્યાનગીરી કરતાં રશિયાએ બિનશરતી યુદ્ધવિરામની જાહેરાત કરતાં સોનું વધુ ઘટ્યું હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૨૦૨૧ના આખા વર્ષ દરમ્યાન ૩૪.૩ ટકા વધીને ૮.૭૧ ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆન રહ્યો હતો, જે જાન્યુઆરીથી નવેમ્બર દરમ્યાન ૩૮ ટકા વધ્યો હતો, ડિસેમ્બરમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૪.૨ ટકા વધ્યો હતો જે નવેમ્બરમાં ૯ ટકા વધ્યો હતો. અમેરિકામાં નવાં મકાનોનું વેચાણ ડિસેમ્બરમાં ૧૧.૯ ટકા વધીને ૯ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં પણ ૧૨ ટકા આસપાસ વધ્યું હતું  અને માર્કેટની ધારણા કરતાં ડિસેમ્બરમાં નવાં મકાનોનું વેચાણ વધ્યું હતું. અમેરિકાની વેરહાઉસ ઇન્વેન્ટરી ડિસેમ્બરમાં ૨.૧ ટકા વધી હતી જે નવેમ્બરમાં ૧.૭ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૧.૩ ટકા વધવાની હતી. અમેરિકાની ગુડ્સ ટ્રેડ ડેફિસિટ ડિસેમ્બરમાં ઑલ ટાઇમ હાઈ સપાટીએ ૧૦૧ અબજ ડૉલરે પહોંચી હતી, જે નવેમ્બરમાં ૯૮ અબજ ડૉલર હતી. અમેરિકાની ઇમ્પોર્ટ ડિસેમ્બરમાં બે ટકા વધી હતી, જ્યારે એક્સપોર્ટ ડિસેમ્બરમાં ૧.૪ ટકા જ વધી હતી. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન ૨૧મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન ૭.૧ ટકા ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. જર્મનીનો કન્ઝ્‍યુમર્સ ક્લાઇમેટ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં સુધરીને માઇનસ ૬.૭ પૉઇન્ટ રહ્યો હતો જે જાન્યુઆરીમાં ૬.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા માઇનસ ૭.૮ પૉઇન્ટ હતી. અમેરિકા અને ચીનના ઇકૉનૉમિક ઇન્ડિકેટર સોનાની માર્કેટ માટે મિશ્ર રહ્યા હતા. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગના અંતે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં ચૅરમૅન જેરોમ પૉવેલે જણાવ્યું હતું કે અમારું પહેલું લક્ષ્ય ઇન્ફ્લેશનને કાબૂમાં લેવાનું છે. અમેરિકન ઇન્ફ્લેશન હાલમાં ૪૦ વર્ષની ઊંચાઈએ ૭ ટકાએ પહોંચ્યું છે જે ફેડના બે ટકાના ટાર્ગેટ કરતાં સાડાત્રણ ગણું વધારે છે. ફેડ માર્ચ મહિનામાં ઇન્ટરેસ્ટ રેટનો વધારો કરશે અને માર્ચમાં બૉન્ડ બાઇંગ ખતમ કરીને વહેલામાં વહેલી તકે ફેડની ૮.૯ ટ્રિલ્યનની બૅલૅન્સશીટમાં ઘટાડો કરવાના લક્ષ્ય સાથે કામ કરશે. જેરોમ પૉવેલે માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટમાં કેટલો વધારો થશે કે ૨૦૨૨માં કેટલી વખત ઇન્ટરેસ્ટ રેટ વધશે એ વિશે કોઈ સ્પષ્ટતા કરી નહોતી, પણ માર્કેટ એક્સપર્ટ માની રહ્યા છે કે ફેડ ચૅરમૅને હવે પછીની દરેક મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધી શકવાની બાબતનો પણ ઇનકાર કર્યો નથી. એ ઉપરાંત માર્ચમાં ફેડ ૫૦ બેઝિસ પૉઇન્ટ પણ ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે છે. ફેડની ૨૦૨૨માં ૮ મીટિંગમાંથી એક જ મીટિંગ યોજાઈ ચૂકી હોવાથી હજી ૭ મીટિંગ યોજાશે. ફેડનું સ્ટૅન્ડ અને ઇન્ફ્લેશનની સ્થિતિ જોતાં સોનાના ભાવનું પ્રોજેક્શન એકદમ અનિશ્ચિત છે. ‘જો અને તો’ની સ્થિતિ વચ્ચે સોનાના ભાવ ઉપર-નીચે થયા કરશે. 

દેશમાં પાંચ વર્ષમાં ૧૬૫૫૫ ગોલ્ડ સ્મગલિંગના કેસ પકડાયા હોવાથી ડ્યુટી ઘટાડવાની માગ
૨૦૧૩માં સોનાની આયાત ડ્યુટી ચાર ટકા હતી એ વધારીને એક વર્ષમાં ૧૨ ટકા કરવામાં આવી હતી તેમ જ ત્રણ ટકા જીએસટી લાગુ પડતાં વિદેશ કરતાં અહીં સોનાનો ભાવ ઘણો ઊંચો બોલાતો હોવાથી ગોલ્ડ સ્મગલિંગને સતત પ્રોત્સાહન મળી રહ્યું હતું. ૨૦૧૫થી ૨૦૨૦ દરમ્યાન ભારતમાં દર વર્ષે ૨૦૦ ટન સોનું સ્મગલિંગથી આવતું હોવાનું અનુમાન વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે મૂક્યું હતું. ગવર્નમેન્ટના ડેટા અનુસાર ૨૦૧૫થી ૨૦૨૦ દરમ્યાન ગોલ્ડ સ્મગલિંગના કુલ ૧૬૫૫૫ કિસ્સા પકડાયા હતા, જેમાં ૧૧૦૦૦ કિલોગ્રામ સોનું પકડાયું હતું ,જેની કિંમત ૩૧૦૦ કરોડ રૂપિયાની થતી હતી. 

business news