અમેરિકાના ટ્રેડ ડેફિસિટના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં સોનું ઘટીને બે સપ્તાહના તળિયે ગયા બાદ સુધર્યું

30 June, 2022 03:55 PM IST  |  Mumbai | Mayur Mehta

ઈસીબીની જુલાઈમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાતથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના એક્સપોર્ટ અને ટ્રેડ ડેફિસિટના મે મહિનાના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં રિસેશનનો ભય ઓછો થતાં ડૉલર સુધર્યો હતો અને સોનું ઘટીને બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું, પણ ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)એ જુલાઈમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરતાં ડૉલરની મજબૂતી અટકવાની ધારણા હોવાથી સોનામાં બુધવારે બપોર બાદ સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૩૦ રૂપિયા સુધર્યું હતું, પણ ચાંદી પ્રતિ કિલો ૬૬૫ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 
અમેરિકાની એક્સપોર્ટ મે મહિનામાં વધતાં ટ્રેડ ડેફિસિટના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર સુધર્યો હતો, જેને પગલે સોનું ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકા દ્વારા રશિયન સોના સહિત ૧૦૦ ચીજોની આયાત પર  પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ એના કારણે ઇન્ફ્લેશન વધવાની શક્યતા ઓછી હોવાથી સોના-ચાંદીના ભાવ પર આ નિર્ણયની કોઈ અસર થઈ નહોતી. મંગળવારે આખો દિવસ સોનું ૧૮૧૮થી ૧૮૨૭ ડૉલરની રેન્જમાં રહ્યું હતું, પણ અમેરિકાના ટ્રેડ ડેફિસિટના ડેટા સ્ટ્રૉન્ગ આવ્યા બાદ સોનું બુધવારે ૧૮૧૫ ડૉલર સુધી ઘટ્યું હતું. સોનું ઘટતાં ચાંદી પણ ઘટી હતી, પણ પ્લૅટિનમ અને પૅલેડિયમ બુધવારે સતત વધતાં રહ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં સિંગલ ફૅમિલી હોમ પ્રાઇસને ઇન્ડિકેટ કરતો ફીની મે ઍન્ડ ફ્રીડલ મેક ઇન્ડેક્સ એપ્રિલમાં ૧.૬ ટકા વધ્યો હતો, જ્યારે અમેરિકાના ટૉપ લેવલનાં ૨૦ શહેરોના હોમ પ્રાઇસને ઇન્ડિકેટ કરતો સીઝ-સિલર ઇન્ડેક્સ એપ્રિલમાં ૨૧.૨ ટકા વધીને રેકૉર્ડબ્રેક ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકામાં મૉર્ગેજ રેટ સતત વધી રહ્યા હોવાથી એની સીધી અસર હોમ પ્રાઇસ પર પડી રહી છે. અમેરિકાની એક્સપોર્ટ મે મહિનામાં ૧.૨ ટકા વધી હતી એની સામે ઇમ્પોર્ટ ૦.૧ ટકા ઘટી હોવાથી ટ્રેડ ડેફિસિટ મે મહિનામાં ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૧૦૪.૩ અબજ ડૉલરે પહોંચી હતી જે એપ્રિલમાં ૧૦૬.૭ અબજ ડૉલર હતી. અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી મે મહિનામાં બે ટકા વધી હતી જે એપ્રિલમાં ૨.૩ ટકા વધી હતી. જોકે યર-ટુ-યર લેવલે હોલસેલ ઇન્વેન્ટરી મે મહિનામાં ૨૫ ટકા વધી હતી. જપાનનું કન્ઝ્યુમર્સ મોરલ જૂનમાં ઘટીને ૧૮ મહિનાની નીચી સપાટીએ ૩૨.૧ પૉઇન્ટે પહોંચ્યું હતું જે મે મહિનામાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ૩૪.૧ પૉઇન્ટ હતું. જપાનના રીટેલ સેલ્સમાં મે મહિનામાં ૩.૬ ટકાનો વધારો થયો હતો જે સતત ત્રીજે મહિને વધારો અને છેલ્લા એક વર્ષનો સૌથી મોટો વધારો થયો હતો. ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં મે મહિનામાં ૦.૯ ટકાનો વધારો નોંધાયો હતો જે સતત પાંચમા મહિને વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૦.૪ ટકા જ વધારાની હતી. હંગેરીની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૧૮૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૭.૭૫ ટકાએ પહોંચાડ્યા હતા. ઝડપથી વધી રહેલા ઇન્ફ્લેશનને રોકવા હંગેરીની સેન્ટ્રલ બૅન્કે સતત ૧૨મી વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
પોર્ટુગલ ખાતે યોજાઈ રહેલી ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ની ઍન્યુઅલ ફોરમ બેઠકમાં ઈસીબીના ચૅરવુમન ક્રિષ્ટન લગાર્ડેએ જાહેરાત કરી હતી કે આગામી ૨૧ જુલાઈએ મળનારી ઈસીબીની પૉલિસી મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં આવશે જે ૧૧ વર્ષ પછીનો પ્રથમ ઇન્ટરેસ્ટ રેટ વધારો હશે. તેણીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં પણ ઈસીબી ઇન્ટરેસ્ટ રેટ વધારશે, પણ ઈસીબી કોઈ આક્રમક વ્યૂહને બદલે પ્રૅક્ટિકલ વ્યૂહ અપનાવશે. ઈસીબીએ ૧ જુલાઈથી બૉન્ડ બાઇંગ પૂરું કરી નાખ્યું છે, પણ સ્પેન અને ઇટલીમાં બૉન્ડ યીલ્ડ આકર્ષક હોવાથી ઈસીબી આ બન્ને દેશો પૂરતી બૉન્ડ ખરીદી ચાલુ પણ રાખી શકે છે. ઈસીબી દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં આવશે ત્યારે યુરોનું મૂલ્ય ડૉલર સામે સુધરશે. આથી અત્યાર સુધી અમેરિકી ડૉલર નૉન-સ્ટૉપ મજબૂત બની રહ્યો હતો એ હવે કદાચ નહીં બને. વળી અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથ રેટ પહેલા ક્વૉર્ટરની જેમ જ નેગેટિવ કે ઝીરો આવશે તો ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિને ધીમી કરવી પડે અથવા ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક પણ મારવી પડે. અનેક ઍનલિસ્ટોએ અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથ રેટ ઝીરો આવવાની આગાહી કરી છે. જોકે ઇકૉનૉમિક ઇન્ડિકેટર હજી અમેરિકન ઇકૉનૉમી વધુ પડતી નબળી પડી હોવાનો સંકેત આપતાં નથી. આથી જૂન મહિનાનું ઇન્ફ્લેશન અને સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથ રેટ, બન્ને સોનાની ભાવિ દિશા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૧,૧૫૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૦,૯૫૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૫૯,૮૫૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news