ઝડપી વૅક્સિનેશન કરતા દેશોમાં કોરોનાનો મૃત્યુદર ઘટતો જતો હોવાથી સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો

22 July, 2021 01:57 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકી ડૉલર, ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ અને સ્ટૉક માર્કેટ સુધરતાં સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, ચીન સહિતના જે દેશોમાં વૅક્સિનેશન ઝડપથી આગળ વધી રહ્યું છે એ દેશોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે, પણ એની સામે મૃત્યુદર ઝડપથી ઘટી રહ્યો હોવાથી કોરોના પર વૅક્સિનેશનથી કાબૂ મેળવવાની આશા વધુ મજબૂત બનતાં સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. વળી ડૉલર, બૉન્ડ યીલ્ડ અને સ્ટૉક માર્કેટ સુધરતાં સોનામાં નવી ખરીદીનું આકર્ષણ ઘટતાં એની પણ અસર જોવા મળી હતી.

વિદેશી પ્રવાહો

ફાઇનૅન્શિયલ પૅકેજોને કારણે કેટલીક કંપનીઓના કૉર્પોરેટ રિઝલ્ટ સ્ટ્રોન્ગ આવી રહ્યા હોવાથી સ્ટૉક માર્કેટમાં ઘટાડે ફરી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે ઓવરનાઇટ સ્ટૉક ઇન્ડેક્સ તૂટ્યા બાદ મંગળવારે લગભગ તમામ સ્ટૉક ઇન્ડેક્સ બમણા વેગથી રિબાઉન્ડ થયા હતા, જેને કારણે અમેરિકન ડૉલર સતત બીજે દિવસે સુધરીને એક વર્ષની ઊંચાઈ નજીક પહોંચ્યો હતો, ડૉલર સુધરતાં અમેરિકાના ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ પાંચ મહિનાની નીચી સપાટીએથી સુધર્યા હતા. ડૉલર અને બૉન્ડ યીલ્ડ સુધરતાં તેમ જ સ્ટૉક માર્કેટની તેજીને કારણે સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના ડેલ્ટા વેરિઅન્ટનો સતત વધતો ભય છતાં ડૉલરની મજબૂતીથી સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટ્યું હતું. સોનું ઘટ્યું હોવા છતાં ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમ સુધર્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં પ્રિલિમિનરી ડેટામાં જુલાઈમાં ૧.૮ ટકાનો ઘટાડો બતાવાયો છે જેમાં જૂનમાં ૦.૪ ટકાનો ઘટાડો હતો અને માર્કેટની ધારણા પણ ૦.૪ ટકાની હતી. જપાનની એક્સપોર્ટ જૂનમાં ૪૮.૬ ટકા વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી, જ્યારે જપાનની ઇમ્પોર્ટ ૩૨.૭ ટકા વધીને માર્કેટની ૨૯ ટકા વધારાની ધારણા કરતાં વધુ વધી હતી. જપાનની એક્સપોર્ટ વધતાં જૂનને અંતે ટ્રેડ સરપ્લસ ૩૮૩.૧૮ અબજ યેન થઈ હતી, જે ગત વર્ષે આ સમયે ૪૬૦ અબજ યેન હતી. અમેરિકાની બિલ્ડિંગ પરમિટ જૂનમાં ૫.૧ ટકા ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી જે સતત ત્રીજે સપ્તાહે ઘટી હતી. અમેરિકાનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ૬.૩ ટકા વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. જપાનના એક્સપોર્ટ ડેટા અને અમેરિકાના હાઉસિંગ સ્ટાર્ટ ડેટા બુલિશ આવ્યા હતા એની સામે ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સ અને અમેરિકાના બિલ્ડિંગ પરમિટના ડેટા નબળા આવ્યા હતા. આમ, ઇકૉનૉમિક રિકવરી વિશે હજી સ્ટ્રોન્ગ પિકચર દેખાતું નથી. આથી સોનામાં વધ-ઘટ ચાલુ રહી હતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

કોરોના ડેલ્ટા વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યા છે, પણ વૅક્સિનેશનની અસરે અનેક દેશોમાં કોરોનાના નવા કેસ વધવાની સામે મૃત્યુદર ઘટી રહ્યો છે જે બતાવે છે કે વૅક્સિનેશન જેમ આગળ વધશે એમ કોરોનાનું સંક્રમણ પણ ધીમે-ધીમે ઘટવા લાગશે. ખાસ કરીને અમેરિકા, યુરોપિયન દેશો અને ચીનમાં વૅક્સિનેશનની મોટી અસર જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં નવા કેસ બાવન ટકા વધ્યા હતા, પણ મૃત્યુદર છ ટકા ઘટ્યો હતો. એ જ રીતે ચીનની રાજધાની બીજિંગમાં ૧.૭૬ કરોડ લોકો એટલે કે બીજિંગની કુલ ઍડલ્ટ વસ્તીના ૯૦.૬ ટકાને વૅક્સિનેશન થઈ જતાં નવા કેસ એકદમ નહીંવત નીકળી રહ્યા છે. યુરોપિયન દેશોમાં પણ છેલ્લા એક સપ્તાહના ડેટા ચકાસતાં ફ્રાન્સમાં નવા કેસ ૧૨૯ ટકા વધ્યા હતા, પણ મૃત્યુદર ૩૩ ટકા ઘટ્યો હતો. ઇટલીમાં નવા કેસ ૧૧૮ ટકા વધ્યા હતા, પણ મૃત્યુદર ૨૭ ટકા ઘટ્યો હતો. જર્મનીમાં નવા કેસ ૬૬ ટકા વધ્યા હતા, પણ મૃત્યુદર ૧૮ ટકા ઘટ્યો હતો. આયરલૅન્ડમાં નવા કેસ ૯૦ ટકા વધ્યા હતા, પણ મૃત્યુદર ૮૨ ટકા ઘટ્યો હતો. સ્વીટ્ઝરલૅન્ડમાં નવા કેસ ૪૦ ટકા વધ્યા હતા, પણ મૃત્યુદર ૪૦ ટકા ઘટ્યો હતો. બ્રિટન અને સ્પેનમાં નવા કેસ અને મૃત્યુદર બન્ને વધી રહ્યા છે. એ જ રીતે એશિયન દેશોમાં પણ નવા કેસ અને મૃત્યુદર બન્ને વધી રહ્યા છે. અમેરિકામાં ૪૮.૩ ટકા પ્રજાને, જર્મનીમાં ૪૬.૪ ટકા અને ફ્રાન્સની ૪૨.૧ ટકા પ્રજાને ફુલ્લી વૅક્સિનેશન થઈ ચૂક્યું છે. કોરોનાના છેલ્લા એક સપ્તાહના ડેટા બતાવે છે કે વૅક્સિનેશન જે દેશોમાં ઝડપથી વધી રહ્યું છે ત્યાં મૃત્યુદર ઘટી રહ્યો છે. આમ, કોરોના પર વૅક્સિનેશનથી કાબૂ મેળવવાની આશા મજબૂત બનતાં સોનાના મીડિયમ અને લૉન્ગ ટર્મ પ્રોસ્પેક્ટ મંદીતરફી બની રહ્યા છે. જોકે શૉર્ટ ટર્મ પ્રોસ્પેક્ટ હજી મંદીના બની રહ્યા નથી.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૮,૨૨૨

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૮,૦૨૯

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૬,૯૮૦

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news