સ્વિસ બૅન્કિંગ કંપની ક્રેડિટ સુસીના ઉઠમણાની શક્યતા વધતાં સોનામાં આગળ વધતી તેજી

17 March, 2023 01:09 PM IST  |  Mumbai | Mayur Mehta

વર્લ્ડની બૅન્કિંગ સિસ્ટમમાં એક પછી એક બૅન્કમાં ક્રાઇસિસ વધતાં સેફ હેવન સોનામાં ખરીદી વધી : મુંબઈમાં સોનાએ ૪૩૯ રૂપિયા વધીને ૫૮,૦૦૦નું લેવલ પાર કર્યું, ચાંદી ૪૫૦ રૂપિયા વધી

પ્રતીકાત્મક તસવીર

સ્વિસ બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની ક્રેડિટ સુસીના ઉઠમણાની શક્યતાઓ વધતાં સોનામાં તેજીની આગેકૂચ ચાલુ હતી અને સોનું દોઢ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૩૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૫૦ રૂપિયા વધી હતી. સોનાએ ૫૮,૦૦૦ રૂપિયા અને ચાંદીએ ૬૭,૦૦૦ રૂપિયાની સપાટી પાર કરી હતી.

વિદેશી પ્રવાહ 

સિલિકૉન વૅલી, સિગ્નેચર બૅન્ક બાદ હવે સ્વિસ બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની ક્રેડિટ સુસીના ઉઠમણાની શક્યતાઓ વધતાં વર્લ્ડની બૅન્કિંગ સિસ્ટમમાં ધરતીકંપ આવ્યો છે અને ઇન્વેસ્ટરો સલામત રોકાણ માટે દોડાદોડી કરી રહ્યા છે. હાલ તમામ ઇન્વેસ્ટરોને સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ત્યારે સોનું સૌથી વધુ સેફ હેવન ઍસેટ હોવાથી સોનામાં ખરીદી સતત વધી રહી છે, જેને કારણે સ્પોટ માર્કેટમાં સોનું બુધવારે એક તબક્કે વધીને ૧૯૩૮.૫૦ ડૉલર થયા બાદ ગુરુવારે ૧૯૧૯થી ૧૯૨૦ ડૉલર વચ્ચે સ્ટેડી રહ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકી ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ નીકળતાં સુધરીને ૧૦૪.૫ના લેવલે પહોંચ્યો હતો. સ્વિટ્ઝરલૅન્ડની ક્રેડિટ સુસી બૅન્કિંગ ફાઇનૅન્શિયલ સર્વિસમાં ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ સર્જાતાં તેમ જ સિલિકૉન વૅલી અને સિગ્નેચર બૅન્કના ઉઠમણાના પગલે ઇન્વેસ્ટરોને ડૉલર વધુ સલામત દેખાવા લાગતાં ડૉલરની ખરીદી વધી હતી. જોકે અમેરિકી ડૉલર પાછળથી ૦.૨ ટકા ઘટ્યો હતો. 
અમેરિકાનું રીટેલ સેલ્સ ફેબ્રુઆરીમાં ૦.૪ ટકા ઘટ્યું હતું, જે જાન્યુઆરીમાં ૩.૨ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૩ ટકા ઘટાડાની હતી. ફેબ્રુઆરીમાં ફર્નિચર સ્ટોર, ફૂડ સર્વિસ અને ડ્રિન્કિંગ પ્લૅસ, ક્લોધિંગ સ્ટોર, મોટરવેહિકલ-પાર્ટ્સ ડિલર્સ અને ગૅસોલીન સ્ટેશન પર સેલ્સ ઘટ્યું હતું, જ્યારે હેલ્થ અને ઇલેક્ટ્રૉનિક્સ અપ્લાયન્સિસનું સેલ્સ વધ્યું હતું. અમેરિકાનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ૦.૧ ટકા ઘટ્યું હતું, જે જાન્યુઆરીમાં ૦.૩ ટકા વધ્યું હતું.

અમેરિકામાં ફૉરેન પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધતાં કૅપિટલ અને ફાઇનૅન્શિયલ અકાઉન્ટ સરપ્લસ જાન્યુઆરીમાં વધીને એક વર્ષની ઊંચાઈએ ૧૮૩.૧ અબજ ડૉલરે પહોંચી હતી જે ડિસેમ્બરમાં ૨૬.૭ અબજ ડૉલર હતી. જાન્યુઆરીમાં અમેરિકામાં ૧૭૧.૨૪૦ અબજ ડૉલરનું ફૉરેન પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું, જેમાંથી ૫૩.૩ અબજ ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ ફૉરેન ઑફિશ્યલ્સ ઇન્સ્ટિટ્યૂટનું હતું.

અમેરિકામાં મૅન્યુફૅક્ચરિંગ અને ટ્રેડ ઇન્વેન્ટરી જાન્યુઆરીમાં ૦.૧ ટકા ઘટી હતી, જેના વિશે માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી. છેલ્લા આઠ મહિનામાં મૅન્યુફૅક્ચરિંગ અને ટ્રેડ ઇન્વેન્ટરીમાં આ પહેલો ઘટાડો હતો. જોકે છેલ્લા એક વર્ષમાં મૅન્યુફૅક્ચરિંગ અને ટ્રેડ ઇન્વેન્ટરી ૧૧.૧ ટકા વધી હતી.

અમેરિકાનો હોમ બિલ્ડર્સ સેન્ટિમેન્ટ માર્ચમાં સતત ત્રીજે મહિને વધીને ૪૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્કેટની ૪૦ પૉઇન્ટની ધારણાથી ઊંચો હતો અને છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. હોમ બિલ્ડિંગના સેલ્સની કરન્ટ કન્ડિશનને બતાવતો ઇન્ડેક્સ વધીને ૪૯ પૉઇન્ટે પહોંચ્યો હતો તેમ જ આગામી છ મહિનાની કન્ડિશનને બતાવતો ઇન્ડેક્સ ત્રણ પૉઇન્ટ વધીને ૩૧ પૉઇન્ટે પહોંચ્યો હતો.

જપાનના મશીનરી ઑર્ડરમાં જાન્યુઆરીમાં ૯.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જેમાં ડિસેમ્બરમાં માત્ર ૦.૩ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૧.૮ ટકા વધારાની હતી એના કરતાં મશીનરી ઑર્ડરનો ઉછાળો ચાર ગણો વધુ હતો. ખાસ કરીને નૉન-મૅન્યુફૅક્ચરિંગ ઑર્ડરમાં ૧૯.૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જોકે મૅન્યુફૅક્ચરિંગ ઑર્ડર ઘટ્યા હતા. પ્રાઇવેટ સેક્ટરના મશીનરી ઑર્ડર જાન્યુઆરીમાં ૪.૫ ટકા વધ્યા હતા જે ડિસેમ્બરમાં ૬.૬ ટકા ઘટ્યા હતા.

જપાનની એક્સપોર્ટ ફેબ્રુઆરીમાં વાર્ષિક ૬.૫ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૩.૫ ટકા વધી હતી અને માર્કેટની ધારણા એક્સપોર્ટ ૭.૧ ટકા વધવાની હતી. જપાનની એક્સપોર્ટમાં સતત ૨૪મા મહિને વધારો થયો હતો. ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટની એક્સપોર્ટ સૌથી વધુ ૧૬.૧ ટકા વધી હતી. જપાનની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૮.૩ ટકા વધી હતી, જે જાન્યુઆરીમાં ૧૭.૫ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૧૨.૨ ટકા વધારાની હતી. જપાનની ઇમ્પોર્ટ સતત ૨૫મા મહિને વધી હતી. જપાનની એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધુ થઈ હોવાથી ટ્રેડ ડેફિસિટ વધીને ૮૯૭.૭ અબજ યેન રહી હતી, જે એક વર્ષ અગાઉ ૭૧૧.૫ અબજ યેન હતી અને માર્કેટની ધારણા ૧૦૬૯ અબજ યેનની હતી. જપાનમાં સતત ૧૯ મહિનાથી ટ્રેડ ડેફિસિટ વધી રહી છે.

બ્રિટનના ઍન્યુઅલ બજેટમાં સરકારે દરેક હાઉસહોલ્ડને ૩૩૦૦ પાઉન્ડની સહાય આગામી બે વર્ષ માટે કરવાની જાહેરાત કરી હતી. બ્રિટનનું ઇન્ફ્લેશન ૪૦ વર્ષની ઊંચાઈએ હોવાથી સરકારે દરેક હાઉસહોલ્ડને ઇન્ફ્લેશનના વધારા સામે રક્ષણ આપવા રાહત આપી હતી તેમ જ એનર્જી પ્રાઇસ ગૅરન્ટી સ્કીમ આગામી ત્રણ મહિના માટે લંબાવી હતી. ડિફેન્સ અને નૅશનલ સિક્યૉરિટીને પણ સહાય જાહેર કરી હતી. બ્રિટનનો ગ્રોથ રેટ ચાલુ વર્ષે નેગેટિવ ૦.૨ ટકા રહ્યો હતો, જે ૨૦૨૪માં ૧.૮ ટકા, ૨૦૨૫માં ૨.૫ ટકા અને ૨૦૨૬માં ૧.૯ ટકા રહેવાનું પ્રોજેકશન રજૂ કરાયું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 
છેલ્લાં બે વર્ષથી ફેડ અને અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને દરેક નિર્ણયમાં ધોબીપછાડ મળી છે. અમેરિકન ઇન્ફ્લેશન બાબતે બે વર્ષ પહેલાં ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ અને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલન સતત એવું કહેતા હતા કે ઇન્ફ્લેશન કાબૂમાં છે અને ફેડને કશું કરવાની જરૂરત નથી. ફેડની આવી કમેન્ટના થોડા જ મહિનામાં ઇન્ફ્લેશન ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું અને ફેડને ધડાધડ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ફરજ પડી હતી. ઇન્ટરેસ્ટ રેટમાં આક્રમક વધારાના નિર્ણય બાબતે વર્લ્ડના ટોચના ઇકૉનૉમિસ્ટો સતત ચેતવણી આપી રહ્યા હતા, પણ ફેડ કે ટ્રેઝરી સેક્રેટરીએ આવી કોઈ ચેતવણીને વજૂદ આપ્યું નહોતું. આજે સ્થિતિ એવી આવીને ઊભી છે કે માત્ર અમેરિકન બૅન્ક જ નહીં, પણ આખા વર્લ્ડની બૅન્કિંગ સિસ્ટમ ઊંચા ઇન્ટરેસ્ટ રેટના કારણે પત્તાના મહેલીની જેમ કડડભૂસ થવાના આરે આવી ચૂકી છે. બૅન્કિંગ સિસ્ટમની ક્રાઇસિસને રિપેર કરવા હવે ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં પીછેહઠ કરવી પડશે, જેને કારણે ડૉલર સતત નબળો પડશે અને સોનું સતત વધતું રહેશે. સિલિકૉન વૅલી, સિગ્નેચર બૅન્ક, ક્રેડિટ સુસી આ નામમાં જો કોઈ નવું નામ ઉમેરાશે તો ૨૦૨૩માં સોનું વધીને ૨૧૦૦ ડૉલર થશે એવી આગાહી કરનારાઓ સાચા પડશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૮,૧૦૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૭,૩૧૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news