અમેરિકાના જૉબડેટા ધારણાથી સારા આવતાં સોનામાં આગળ વધતો ઘટાડાનો દોર

10 May, 2022 05:28 PM IST  |  Mumbai | Mayur Mehta

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધથી ડૉલરનું સેફ હેવન સ્ટેટસ મજબૂત બનતું હોવાથી સોનામાં સતત વેચવાલી

ફાઇલ તસવીર

અમેરિકન એપ્રિલ મહિનાના જૉબડેટા ધારણાથી ઘણા સારા આવતાં ડૉલર અને ટ્રૅઝરી યીલ્ડ નવેસરથી વધતાં સોનું વૈશ્વિક માર્કેટમાં ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૧૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૬૯ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહ 
અમેરિકાના જૉબડેટા ધારણાથી સારા આવતાં અમેરિકી ડૉલર ૨૦ વર્ષની ઊંચાઈએ અને ટ્રૅઝરી બૉન્ડના યીલ્ડ નવેસરથી ૪૩ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા, જેને કારણે સોનું એક ટકો ઘટીને ૧૮૬૪.૪૩ ડૉલર સુધી ઘટ્યું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનની એક્સપોર્ટ એપ્રિલમાં ૩.૯ ટકા વધી હતી, પણ એક્સપોર્ટનો વધારો છેલ્લાં બે વર્ષનો સૌથી ઓછો હતો. માર્ચમાં એક્સપોર્ટ ૧૪.૭ ટકા વધી હતી અને માર્કેટની ધારણા એપ્રિલમાં ૩.૨ ટકા જ એક્સપોર્ટ વધવાની હતી. ચીનમાં કોરોનાના કેસ વધતાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સતત ઘટતું રહ્યું હોવાથી એની સીધી અસર એક્સપોર્ટ પર જોવા મળી હતી, જ્યારે ચીનની ઇમ્પોર્ટ એપ્રિલમાં જળવાયેલી રહી હતી જે માર્ચમાં ૦.૧ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ત્રણ ટકા ઘટવાની હતી. ચીનની ઇમ્પોર્ટ જળવાઈ રહેતાં ટ્રેડ સરપ્લસ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૧.૧૨ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૪૦.૮૯ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૫૦.૬૫ અબજ ડૉલર રહેવાની હતી. ચીનની ફૉરેન એક્સચેન્જ રિઝર્વ એપ્રિલમાં ૬૮ અબજ ડૉલર ઘટીને ૩.૧૨૦ ટ્રિલ્યન ડૉલરે પહોંચી હતી જે સતત ચોથા મહિને ઘટી હતી અને ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. અમેરિકામાં કન્ઝ્યુમર્સ ક્રેડિટ માર્ચમાં વધીને ૧૨ વર્ષની ઊંચાઈએ ૫૨.૪૩ અબજ ડૉલરે પહોંચી હતી, જે ફેબ્રુઆરીમાં ૩૭.૭ અબજ ડૉલર હતી. અમેરિકાના એપ્રિલ મહિનાના જૉબડેટા પણ ધારણાથી સ્ટ્રૉન્ગ રહ્યા હતા. અમેરિકામાં એપ્રિલ મહિનામાં ૪.૨૮ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હોવાનો રિપોર્ટ જાહેર થયો હતો, જેના વિશે ધારણા ૩.૯૧ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. અમેરિકામાં સતત બારમા મહિને ચાર લાખ કરતાં વધુ નવી નોકરીઓ ઉમેરાઈ છે. જોકે ફેબ્રુઆરીમાં ૭.૧૪ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, ત્યાર બાદ સતત ઘટાડો થઈ રહ્યો છે. માર્ચમાં પણ ૪.૨૮ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. અમેરિકાનો અનએમ્પ્લોઈમેન્ટ ઇન્ડેક્સ ૩.૬ ટકા જળવાયેલો હતો. જોકે અમેરિકામાં કર્મચારીઓને મળતા પ્રતિ કલાકના વેતનમાં ધારણાથી ઓછો ૧૦ સેન્ટ એટલે કે ૦.૩ ટકાનો જ વધારો થયો હતો જેમાં માર્ચમાં ૦.૫ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૦.૪ ટકાની હતી. હવે અમેરિકામાં કર્મચારીઓને પ્રતિ કલાક ૩૧.૮૫ ડૉલર વેતન મળશે. જપાનમાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં વધીને ૫૧.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૦.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૯ પૉઇન્ટની હતી. ચીલી ઇન્ફ્લેશન માર્ચમાં વધીને ૨૮ વર્ષની ઊંચાઈએ ૧૦.૫ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૯.૪ ટકા હતું. અમેરિકાના જૉબડેટા ધારણાથી સારા આવતાં તેમ જ ચીનની ટ્રેડ સરપ્લસ વધતાં સોનાને ઘટવા માટેનું કારણ મળી ગયું હતું જેને કારણે સોનું ઘટ્યું હતું. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા ધારણાથી ઘણા સારા આવતાં ફેડરલ રિઝર્વને હવે જૂનમાં ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવા માટેનું મોકળું મેદાન મળ્યું છે. ફેડની જૂન મીટિંગમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધશે એવા ૯૦ ટકા કરતાં વધુ ચાન્સ હોવાનું માર્કેટ માની રહી છે. આવી ધારણાને પગલે અમેરિકી ડૉલર અને ટ્રૅઝરી બૉન્ડના યીલ્ડ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. અત્યારે સૌથી નવાઈની વાત એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૭૬ દિવસથી ચાલી રહેલા યુદ્ધની અસરે યુરોપિયન દેશો તથા અન્ય કેટલાય દેશોની ઇકૉનૉમી નબળી પડી રહી છે એનો ફાયદો અમેરિકન ડૉલરને થઈ રહ્યો છે, જેને કારણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના પ્રારંભિક તબક્કામાં સોનું સેફ હેવન ઍસેટ હતું જેનું સ્થાન હાલ અમેરિકી ડૉલરે લીધું છે. આથી જ અમેરિકી ડૉલર ૨૦૦૨ પછીની સૌથી ઊંચી એટલે કે ૨૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. એએનઝેડ (ઑસ્ટ્રેલિયા ન્યુ ઝીલૅન્ડ બૅન્કિંગ સર્વિસ)ના બુલિયન ઍનલિસ્ટે જણાવ્યું હતું કે વૈશ્વિક માર્કેટમાં સોનું ઘટીને ૧૮૫૦ ડૉલર સુધી જઈ શકે છે. ટેક્નિકલી આ લેવલ બહુ જ મહત્ત્વનું હોવાથી અહીં સોનાની મંદી અટકીને ભાવ વધશે અને ૧૯૫૦ ડૉલર સુધી વધતા રહેશે, પણ જો ૧૮૫૦ ડૉલરનું લેવલ સોનું તોડશે તો મોટી મંદી થવાની શક્યતા છે. આમ, સોનામાં લૉન્ગ ટર્મ તેજી થવાના ચાન્સિસ હજી પણ બરકરાર છે, પણ હવે શૉર્ટથી મીડિયમ ટર્મ સોનું ઘટવાનાં કારણો દિવસે-દિવસે વધી રહ્યાં હોવાનું પણ દેખાય છે.

business news