જાપાનના સ્ટીમ્યુલસની આશાએ સોનું અને ચાંદી ખૂલતા સપ્તાહે નરમ

26 May, 2020 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાપાનના સ્ટીમ્યુલસની આશાએ સોનું અને ચાંદી ખૂલતા સપ્તાહે નરમ

ગોલ્ડ અને સિલ્વર

જાપાન સરકાર દ્વારા કોરોના વાઇરસના કારણે લાદવામાં આવેલી ઇમર્જન્સી ઉઠાવી લીધી હતી અને બજારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે એબે સરકાર દેશના અર્થતંત્ર માટે એક નવા પૅકેજ ઉપર કામ કરી રહી છે. પૅકેજની ચર્ચાના કારણે જોખમ લઈ રોકાણ કરતા લોકોએ ફરી શૅરબજારમાં ખરીદી કરતા શૅર ઊછળ્યા હતા અને સોનું ઘટ્યું હતું.

આજે સોનું ઑગસ્ટ વાયદો કૉમેકસ ઉપર ૦.૫૨ ટકા કે ૯.૨૦ ડૉલર ઘટી ૧૭૪૪.૩ ડૉલર અને હાજરમાં ૦.૩૯ ટકા કે ૬.૮૩ ડૉલર ઘટી ૧૭૨૭.૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીનો જુલાઈ વાયદો ૧.૦૩ ટકા કે ૧૮ સેન્ટ ઘટી ૧૭.૫૧ ડૉલર અને હાજરમાં ૦.૫૬ ટકા કે ૧૦ સેન્ટ ઘટી ૧૭.૧૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ગત સપ્તાહે ચાંદીનો વાયદો ૬ સેન્ટ જેટલો ઘટીને બંધ આવ્યો હતો. સોનું વાયદો ૨૬ ડૉલર ઘટી ગયો હતો. ગત સપ્તાહે એક તબક્કે સોનાના ભાવ સાત વર્ષની ઊંચી સપાટીએ અને ચાંદી પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી સતત ઘટી રહ્યા છે. ભારતમાં હાજર અને વાયદા બજારો રમઝાન ઈદની રજાને કારણે બંધ હતાં.

માગ અને પુરવઠાની દૃષ્ટિએ સોનાના ભાવને સૅફ હેવન ડિમાન્ડનો ટેકો છે, જ્યારે આર્થિક પ્રવૃત્તિ અટકી પડ્યા પછી ઔદ્યોગિક રીતે વપરાશમાં આવતી ચાંદીમાં માગ કરતાં પુરવઠો ઓછો હોય એવી ધારણા પણ તેજીને ટેકો આપી રહ્યા છે. જો કે બજારમાં હજુ પણ સોનાની તેજી કે દરેક નીચા મથાળે ટેકો આપે એવાં પરિબળો જોવા મળી રહ્યાં છે. સોનાના ભાવ રાજકીય કે આર્થિક અનિશ્ચિત વાતાવરણમાં વધે છે. કોરોના વાઇરસના કારણે આર્થિક પરિબળો નબળાં પડી રહ્યાં છે અને વૈશ્વિક અર્થતંત્ર મંદીના આરે ઊભું છે. રાજકીય રીતે અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીથી પણ બજારને ટેકો મળી શકે છે. એટલે રોકાણકારોએ ભલે જોખમ ઉઠાવી શૅર તરફ નજર દોડાવી હોય પણ લાંબેગાળે હજુ પણ સોનું તેજીમય રહે એવી શક્યતા છે.

મે મહિનામાં ભારતમાં ગોલ્ડ બૉન્ડનું વેચાણ ઐતિહાસિક ઊંચી સપાટીએ

રિઝર્વ બૅન્કના આંકડા અનુસાર મે મહિનાના ગોલ્ડ બૉન્ડ ઇશ્યુમાં ૨૫ લાખ યુનિટ કે ૧૧૬૮ કરોડ રૂપિયા મૂલ્યના ગોલ્ડ બૉન્ડનું વેચાણ થયું છે જે સરકારે ગોલ્ડ બૉન્ડની સ્કીમ શરૂ કરી પછીનું સૌથી વધુ વેચાણ છે.

કેન્દ્ર સરકારે મે મહિનાના ભરણા સહિત કુલ ૩૯ બૉન્ડ ઇશ્યુ બહાર પાડ્યા છે અને તેમાં અત્યાર સુધીમાં ઑક્ટોબર ૨૦૧૬માં ૧૦૮૨ કરોડ રૂપિયાનું સૌથી વધુ વેચાણ થયું હોવાનો વિક્રમ હતો. એપ્રિલ મહિનામાં ૧૭.૭૩ લાખ યુનિટ અને ૮૨૨ કરોડના બૉન્ડનું વેચાણ થયું હતું.

વર્તમાન કટોકટી જેવા સમયમાં સોના તરફ રોકાણનું આકર્ષણ વધે છે. સોનું એક સલમાત રોકાણ માનવામાં આવે છે અને એટલે મે મહિનામાં વધુ રોકાણ થયું હોવાનું માનવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવ ૪૦ ટકા જેટલા વધ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર જાન્યુઆરીથી એપ્રિલના પ્રથમ ક્વૉર્ટરમાં સોનાની કુલ માગમાં રોકાણમાગ વધી છે, પણ ઘરેણાની માગ ઘટી છે. આ રિપોર્ટ અનુસાર આ ત્રણ મહિનામાં રોકાણની માગ ૮૦ ટકા વધી ૫૩૯.૬ ટન રહી હતી.

કોરોના વાઇરસના કારણે ફરજિયાત લૉકડાઉન અમલમાં આવ્યા હોવાથી વૈશ્વિક અર્થતંત્રમાં માગ અને પુરવઠો ખોરવાઈ ગયો છે. અમેરિકા, ચીન, જર્મની અને જાપાન જેવા દેશો પ્રથમ ક્વૉર્ટરમાં મંદીમાં સારી પડ્યા છે. ભારતમાં પણ આર્થિક વિકાસ દર ઘટશે એવો અંદાજ છે. આર્થિક મંદી, ઘટી રહેલા વ્યાજના દર અને પુષ્કળ નાણાપ્રવાહિતા પણ સોનાના ભાવની વૃદ્ધિનો નિર્દેશ આપી રહ્યા છે.

ગોલ્ડ બૉન્ડ હેઠળ, લાંબાગાળે રોકાણ કરનાર વર્ગ આકર્ષક વળતરનો વિકલ્પ આપી શકે છે. સોનાના ભાવમાં વૃદ્ધિ ઉપરાંત, રોકાણ ઉપર વાર્ષિક ૨.૫ ટકા વ્યાજ પણ ચૂકવવામાં આવે છે.

business news