અમેરિકી ડૉલર અને ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ વધતાં સોના-ચાંદીમાં ઘટાડો

09 January, 2021 09:22 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકી ડૉલર અને ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ વધતાં સોના-ચાંદીમાં ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકી ડૉલર અને ટેન યર ટ્રેઝરી બૉન્ડ સુધરતાં સોના-ચાંદીમાં વેચવાલીનો દોર આવ્યો હતો જેને કારણે બન્ને કીમતી ધાતુના ભાવ ઘટ્યા હતા જેને પગલે મુંબઈ માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૨૬ થી ૬૨૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૨૧૮ રૂપિયા તૂટી હતી. ચાંદીના ભાવમાં છેલ્લા બે દિવસમાં ૨૮૫૪ રૂપિયા કડાકો બોલી ગયો હતો જ્યારે સોનાના ભાવમાં છેલ્લા બે દિવસમાં ૧૨૩૯ રૂપિયા ઘટયા.

વિદેશી પ્રવાહો

અમેરિકના નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ બાઇડન તા. ૨૦ જાન્યુઆરીએ સત્તારૂઢ થયા બાદ હવે મેગા રિલીફ પૅકેજ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સ્પેન્ડીંગ વધારવાનો માર્ગ મોકળો થઈ ચૂક્યો છે, જોકે સોનાના ભાવ પર આ સ્થિતિની અસર ઓલરેડી થઈ ચૂકી હોઈ હવે સોનામાં તેજી થવા માટે કોઈ નવું કારણ માર્કેટમાં નથી, વળી અમેરિકી ડૉલર અને ટેન યર ટ્રેઝરી બૉન્ડના યીલ્ડમાં પ્રત્યાઘાતી મોટો સુધારો જોવા મળ્યો હતો. આ તમામ અસરથી સોના-ચાંદીના ભાવમાં ગુરુવારે ઓવરનાઇટ અને શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ૧૮૮૫ ડૉલરથી ઉછળીને ૧૯૫૯ ડૉલર બહુ ટૂંકા ગાળામાં થયો હોઈ પ્રોફિટ બુકિંગ સ્વાભાવિક હતું. વિતેલા સપ્તાહમાં શુક્રવાર સુધીમાં સોનામાં ૦.૭ ટકાનો સાપ્તાહિક વધારો જોવા મળ્યો હતો જે સતત બીજે સપ્તાહે જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના સર્વિસ સૅકટરના ગ્રોથને બતાવતો નોન મૅન્યુફૅકચરિંગ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં વધીને ૫૭.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૫.૯ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૫૪.૬ પૉઇન્ટની હતી, સર્વિસ સૅકટરમાં બિઝનેસ એક્ટિવિટી અને ન્યુ ઓર્ડર્સમાં મોટો વધારો નોંધાયો હતો. જપાનના મૅન્યુફૅકચરિંગ ગ્રોથ, રિટેલ સેલ્સ અને એમ્પ્લોમેન્ટ જનરેશન ડેટાને બતાવતો કો-ઇન્સિડન્ટ ઇકૉનૉમિક ઇન્ડેકેસ નવેમ્બરમાં ઘટીને ૮૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૮૯.૪ પૉઇન્ટ હતો. જો આગામી સમયમાં જપાનમાં કન્ઝયુમર્સ સેન્ટિમેન્ટ અને જોબ સૅકટરમાં ગ્રોથ કેવો રહેશે તે દર્શાવતો લીડિંગ ઇકૉનૉમિક ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ ૯૬.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૯૪.૩ પૉઇન્ટ હતો. અમેરિકાના સર્વિસ સૅકટરના બુલિશ ડેટાને કારણે ડૉલર સુધરતાં સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો.

શોર્ટ ટર્મ-લોગ ટર્મ ભાવિ

જ્યૉર્જિયાની બે બેઠક પર ડેમોક્રેટિક ઉમેદવાર જીતતાં હવે સૅનેટ અને કૉન્ગ્રેસ બન્ને પર બાઇડનનો કબજો રહેશે જેને કારણે બાઇડન સત્તારૂઢ થયા બાદ મેગા ઇકૉનૉમિક પૅકેજ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સ્પેન્ડીંગમાં વધારો થવાના નિર્ણયો આવી શકે છે. મેગા ઇકૉનૉમિક પૅકેજથી ઇન્ફ્લેશનમાં ઝડપી ઉછાળો આવવાના સંજોગો ઊભા થશે. સોનું ઇન્ફ્લેશનના વધારા સામે બેસ્ટ હેજિંગ ટૂલ્સ મનાય છે. માત્ર અમેરિકા જ નહીં ભારત સહિત અનેક દેશોમાં આગામી મહિનાઓ દરમ્યાન શ્રેણીબંધ ઇકૉનૉમિક પૅકેજો જાહેર થવાની શક્યતા છે જેને કારણે ઇન્ફ્લેશનનો વધારો વિશ્વવ્યાપી બનશે જે સોનાના ભાવને લાંબા સમય સુધી ઊંચા રાખશે.

ગોલ્ડ ઇટીએફમાં ૨૦૨૦માં અત્યાર સુધીનું હાઈએસ્ટ રોકાણ આવ્યું

૨૦૨૦માં સતત ત્રીજે વર્ષે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં ગોલ્ડ ઇટીએફ (એક્સચેંજ ટ્રેડેડ ફંડ)માં ૨૦૨૦માં ૯૧૬ ટન સોનાનું રોકાણ આવ્યું હતું જેની કિંમત ૫૦.૩ અબજ ડૉલરની છે. ગોલ્ડ ઇટીએફમાં અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ આવ્યું છે. ભારતમાં ગોલ્ડ ઇટીએફ અને તેના જેવી પ્રોડક્ટમાં ૨૦૨૦માં ૬૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું જે પણ અત્યાર સુધીનું સૌથી વધુ હતું. વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ઓલટાઇમ હાઈ લેવલે પ્રતિ ઔસ ૨૦૬૩ ડૉલર થતાં ઇન્વેસ્ટરોનું આકર્ષણ સોના તરફ ૨૦૨૦માં સૌથી વધુ રહ્યું હતું.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૦,૪૨૧

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૦,૨૧૯

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૭,૩૭૪

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news