અમેરિકાના જૉબડેટા નબળા આવવાની ધારણાથી ડૉલર ઘટતાં સોના-ચાંદીમાં મજબૂતીની આગેકૂચ

04 October, 2022 03:38 PM IST  |  Mumbai | Mayur Mehta

ડૉલર છેલ્લા એક સપ્તાહથી સતત ઘટતો હોવાથી સોનામાં વધતું ખરીદીનું આકર્ષણ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના જૉબડેટા ધારણાથી નબળા આવવાની ધારણાથી ડૉલર સુધરતાં સોના-ચાંદીની મજબૂતી વર્લ્ડ માર્કેટમાં વધી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૭૯ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહ 

અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના શુક્રવારે જાહેર થનારા ડેટા અગાઉના બે મહિના કરતાં નબળા આવવાની ધારણાને પગલે અમેરિકી ડૉલર નબળો પડતાં સોનું સુધર્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં ડૉલર ઇન્ડેક્સ ૧૧૪.૬૭થી ઘટીને ૧૧૨ના લેવલે પહોંચતાં હવે સોનામાં ખરીદીનું આકર્ષણ સતત વધી રહ્યું છે. સોનું સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને ૨૦ મહિનાની નીચી સપાટીએ ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૧.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ખાસ કરીને ચીન, દક્ષિણ કોરિયા, યુરોપ અને અમેરિકાની ડિમાન્ડ ઘટતાં જપાનના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરને મોટો ધક્કો પહોંચ્યો હતો. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ સેન્ટમેન્ટ ઇન્ડેક્સ ત્રીજા ક્વૉર્ટરમાં ઘટીને આઠ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે બીજા ક્વૉર્ટરમાં નવ પૉઇન્ટ હતો. 

અમેરિકાનું કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ સપ્ટેમ્બરમાં ઘટીને ૫૮.૬ પૉઇન્ટે પહોંચ્યું હતું જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૯.૫ પૉઇન્ટ હતું. જોકે ઑગસ્ટમાં ૫૮.૨ પૉઇન્ટ હતું. અમેરિકન પબ્લિકની પર્સનલ ઇન્કમ ઑગસ્ટમાં ૦.૩ ટકા વધી હતી જે જુલાઈમાં પણ ૦.૩ ટકા વધી હતી અને માર્કેટની ધારણા પણ ૦.૩ ટકા વધારાની હતી, જ્યારે પ્રોપરાઇટરીની ઇન્કમ ઑગસ્ટમાં ૧.૨ ટકા વધી હતી, જે જુલાઈમાં ૦.૨ ટકા ઘટી હતી. ખાસ કરીને ગવર્નમેન્ટના સોશ્યલ બેનિફિટ લાભો વધતાં પબ્લિકની પર્સનલ ઇન્કમ વધી હતી. અમેરિકન ગવર્નમેન્ટનું પર્સનલ સ્પેન્ડિંગ ઑગસ્ટમાં ૦.૪ ટકા વધ્યું હતું, જે જુલાઈમાં ૦.૨ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. ઑગસ્ટમાં ગૅસોલિનના ભાવ ૧૧.૮ ટકા ઘટ્યા હતા. અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર ઇન્ડેક્સ યર ટુ યર ઑગસ્ટમાં ૦.૩ ટકા વધ્યો હતો જે જુલાઈમાં ૦.૧ ટકા ઘટ્યો હતો. 

યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને ૪૮.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑગસ્ટમાં ૪૯.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૮.૫ પૉઇન્ટની હતી. યુરો એરિયાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં છેલ્લા ૨૮ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને આઉટપુટ અને ન્યુ ઑર્ડરમાં એનર્જી પ્રાઇસની હાઈ ઇન્ફ્લેશનને કારણે મોટો ઘટાડો નોંધાયો હતો. હાલ મોટા ભાગની ફૅક્ટરીઓ એનર્જીના ઊંચા ભાવને કારણે બંધ થઈ રહી છે. યુરો એરિયાની સૌથી મોટી ઇકૉનૉમી જર્મનીનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને ૪૭.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઘટાડો સતત ત્રીજે મહિને અને છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. ફ્રાન્સ અને સ્વિટ્ઝરલૅન્ડની મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટી પણ ઘટી હતી. 

ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ગ્રોથનો ઇન્ડેક્સ ઑગસ્ટમાં ઘટીને ૩.૩ ટકાએ પહોંચ્યો હતો જે જુલાઈમાં ૪.૫ ટકા હતો. ઑગસ્ટમાં ભારતમાં ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો, જેની સામે કોલસો, સ્ટીલ અને ઇલેક્ટ્રિસિટીનાં ઉત્પાદનમાં નાનો વધારો નોંધાયો હતો. ભારતની ફિઝિકલ ડેફિસિટ એપ્રિલથી ઑગસ્ટના સમયગાળામાં વધીને ૫.૪૨ ટ્રિલ્યન ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૪.૬૮ ટ્રિલ્યન ડૉલર હતી. એપ્રિલથી ઑગસ્ટની ફિઝિકલ ડેફિસિટ સરકારના ચાલુ નાણાકીય વર્ષના લક્ષ્યાંકની ૩૨.૬ ટકા રહી હતી, જે ગત વર્ષે આ સમયગાળામાં ૩૧.૧ ટકા હતી. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા શુક્રવારે જાહેર થશે જે અનુસાર સપ્ટેમ્બરમાં ૨.૫૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા છે. ઑગસ્ટમાં ૩.૧૫ લાખ અને જુલાઈમાં ૫.૨૬ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની છે. આમ, હાલ નૉન ફાર્મ પે-રોલ ડેટા અગાઉના મહિના કરતાં નબળા આવવાની ધારણાને પગલે ડૉલરમાં સુધારો આગળ વધ્યો હતો. 
ડૉલર સતત વધ્યા બાદ હવે વધુ મજબૂતીની શક્યતા ઓછી છે, પણ ઘટાડાની શક્યતા વધુ હોવાથી જ્યારે પણ નવું કારણ આવશે ત્યારે ડૉલર ઘટશે અને સોનું વધશે. 

ઓપેક પ્લસ દ્વારા ઉત્પાદનમાં મોટો કાપ મુકાવાની શક્યતાથી ક્રૂડમાં ઉછાળો  

ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) અને રશિયા દ્વારા બનેલું ઓપેક પ્લસ સંગઠન દ્વારા આગામી પાંચમી ઑક્ટોબરની મીટિંગમાં રોજનું ૧૦ લાખ બૅરલ ક્રૂડ તેલનું ઉત્પાદન ઘટાડવાનો પ્રસ્તાવ મંજૂર થવાની શક્યતાએ યુરોપિયન બ્રેન્ટ માર્કેટમાં સોમવારે પ્રારંભિક તબક્કામાં ત્રણ ડૉલરનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળાને પગલે બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ ચાર ટકા વધીને સોમવારે ૮૯ ડૉલર પ્રતિ બૅરલ થયા હતા. અમેરિકન સ્વીટ ક્રૂડ તેલ વાયદો પણ ચાર ટકા વધીને ૮૩ ડૉલરે પહોંચ્યો હતો.

ક્રૂડ તેલ અને બ્રેન્ટના ભાવ સપ્ટેમ્બર મહિનામાં સતત ચોથા મહિને વધ્યા હતા. વિશ્વમાં સતત વધી રહેલા રિસેશનના ભયને કારણે ચીન સહિત તમામ દેશોની ક્રૂડ તેલની ડિમાન્ડ ઘટી જશે એ શક્યતાએ ક્રૂડ તેલના ભાવ સતત ઘટી રહ્યા છે. બ્રેન્ટના ભાવ ૮ જૂને વધીને પ્રતિ બૅરલ ૧૨૧.૯૭ ડૉલર થયા હતા જે ઘટીને ૨૬ સપ્ટેમ્બરે પ્રતિ બૅરલ ૮૪.૧૭ ડૉલર થયા બાદ હાલમાં પ્રતિ બૅરલ ૮૮ ડૉલર છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૦,૩૮૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૦,૧૮૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૫૭,૩૧૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news indian rupee commodity market