04 March, 2025 06:52 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
કૅનેડા અને મેક્સિકો પર લાદેલો ટૅરિફવધારો બીજી વખત મુલતવી રહેતાં ટૅરિફવધારાની અસર નબળી પડતાં ડૉલર નીચા મથાળેથી વધતાં સોના-ચાંદીમાં તેજીનું મોમેન્ટમ ઢીલું પડતાં બન્નેમાં ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૮૭૫.૨૦ ડૉલરે પહોંચ્યું હતું. સપ્તાહના આરંભે સોનું ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું એમાં ત્રણ દિવસમાં ૮૦ ડૉલરનો ઘટાડો થયો હતો.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૧૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૨૧ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં ચાંદીનો ભાવ સતત ચોથે દિવસે ઘટ્યો હતો અને છેલ્લા ચાર દિવસમાં ચાંદી ૨૭૪૧ રૂપિયા ઘટી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ડોનલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશોમાંથી આયાત થતી ઑટોમોબાઇલ્સ સહિતની ચીજો પર પચીસ ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી હતી તેમ જ કૅનેડા અને મેક્સિકોથી આયાત થતી ચીજો પર પચીસ ટકા ટૅરિફ હવે ૨ એપ્રિલથી લાગુ કરવાની જાહેરાત કરી હતી જે અગાઉ ૪ માર્ચથી લાગુ થવાની હતી. ટ્રમ્પ દ્વારા ટૅરિફ લાગુ કર્યા બાદ ફેરફારો થતા હોવાથી ડૉલર ઇન્ડેક્સ ગુરુવારે ૦.૨૫ ટકા વધીને ૧૦૬.૭૨ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકામાં બિલ્ડિંગ પરમિટ જાન્યુઆરીમાં ૦.૬ ટકા ઘટીને ૧૪.૭૩ લાખે પહોંચી હતી જેના વિશે ૦.૧ ટકા વધારાની ધારણા હતી. બિલ્ડિંગ પરમિટના ઘટાડા સાથે નવાં રહેણાક મકાનોનું વેચાણ પણ જાન્યુઆરીમાં ૧૦.૫ ટકા ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૬.૫૭ લાખે પહોંચ્યું હતું જે માર્કેટની ૬.૮૦ લાખની ધારણા કરતાં ઘણું નીચું રહ્યું હતું. હાલ અમેરિકામાં રહેણાક અનસોલ્ડ મકાનોની ઉપલબ્ધ આગામી નવ મહિનાની જરૂરિયાત જેટલી છે. આમ અમેરિકાનું હાઉસિંગ સેક્ટર ઇન્ફ્લેશનના વધારાથી સતત નબળું પડી રહ્યું છે. જોકે ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ ૨૧ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે પાંચ બેસિસ પૉઇન્ટ ઘટીને ૬.૮૮ ટકાએ પહોંચ્યા હતા જે એક વર્ષ અગાઉ ૭.૦૩ ટકા હતું. મૉર્ગેજ રેટ ઘટ્યા છતાં હાઉસિંગ સેક્ટરની નબળાઈને કારણે મૉર્ગેજ ઍપ્લિકેશનની સંખ્યામાં ૧.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ચીનની નબળી પડતી ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ કરવા ૪૦૦ અબજ યુઆનનું સ્ટીમ્યુલસ પૅકેજ જાહેર થયું હતું. પીપલ્સ બૅન્ક ચીનની ઍગ્રિકલ્ચર બૅન્ક ઑફ ચાઇના, બૅન્ક ઑફ કમ્યુનિકેશન અને પોસ્ટલ સેવિંગ્સ બૅન્કને ફાળવવામાં આવશે. ૪૦૦ અબજ યુઆનના ફન્ડ સાથે કુલ એક ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆનનું ફન્ડ ફાળવાયું છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરવા એડીચોટીનું જોર લગાવીને યુક્રેન સાથે કેટલાંક મેટલ અને રેર અર્થના ટ્રેડ-ઍગ્રીમેન્ટ કર્યાં હતાં. આ ઍગ્રીમેન્ટની સામે ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવાની શરત મૂકી હતી. રશિયા સાથે પણ અગાઉ ટ્રમ્પે ક્રૂડ તેલની નિકાસ પર પ્રતિબંધ ન મૂકવાની શરતે યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજૂતી કરી લીધી હતી. આથી હવે યુદ્ધ સમાપ્ત થવાનું પ્લૅટફૉર્મ તૈયાર થઈ ચૂક્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની સમાપ્તિ માટે થયેલી સમજૂતી અનુસાર કાર્યવાહી ચાલુ છે. ટ્રમ્પે કૅનેડા અને મેક્સિકો પર લગાડેલી પચીસ ટકાની ટૅરિફનો અમલ ફરી એક મહિનો લંબાવ્યો હોવાથી ટૅરિફવધારાની જાહેરાતની અસર ઓછી થઈ હતી. ભારત અને ચીનની સોનાની ફિઝિકલ ડિમાન્ડ સતત ઘટી રહી છે. આમ, સોનાની તેજીનાં કારણો હવે નબળાં પડી રહ્યાં છે જેની અસર પણ માર્કેટ પર દેખાવાની ચાલુ થઈ હોવાથી હવે ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ કરીને સાવચેતીભર્યો અભિગમ રાખવો વધુ હિતાવહ બની શકે છે.