સોનું તૂટી ૧૯૦૦ અને ચાંદી ૨૪ ડૉલરની સપાટીથી નીચે

29 October, 2020 12:41 PM IST  |  Mumbai | Mumbai correspondent

સોનું તૂટી ૧૯૦૦ અને ચાંદી ૨૪ ડૉલરની સપાટીથી નીચે

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

વૈશ્વિક બજારમાં અચાનક જ જોખમ છોડી રોકડ કે ડૉલર તરફની દોટ શરૂ થઈ છે. અમેરિકામાં સ્ટિમ્યુલસ પૅકેજ હવે ચૂંટણી પછી જ આવશે એ નક્કી થઈ ગયું છે. યુરોપમાં વાઇરસના કેસ વધી રહ્યા છે એટલે ધારણાથી વિપરીત નિયંત્રણ મૂકવામાં આવી રહ્યા હોવાથી શૅરબજારમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાની સાથે ડૉલર એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો અને સોનું ૧૯૦૦ ડૉલરની નીચે અને ચાંદી ૨૪ ડૉલરની નીચે પટકાઈ છે. ફરી એક વખત મધ્ય સપ્તાહથી સોનાના ભાવમાં મક્કમતા સામે પડકાર ઊભો થયો છે. વૈશ્વિક ભાવની પાછળ ભારતમાં પણ ભાવ તૂટ્યા હતા. યુરોપિયન શૅરબજાર પાંચ મહિનાની નીચી સપાટી પર પટકાયાં હતાં. અમેરિકન શૅરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. રોકાણકારો જોખમી એસેટ છોડી ડૉલર અને રોકડ તરફ દોટ લગાવી રહ્યા છે. જોખમના સમયમાં સોનું પણ રોકાણનું સ્વર્ગ હોય છે, પણ ૨૦૨૦માં શૅરની સાથે સોનામાં પણ ઘટાડો જોવા મળે છે. સોના અને ચાંદીમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ થકી રોકાણ વધી રહ્યું હોવાથી એનો વ્યવહાર હવે નાણાકીય અસ્કયામત જેવો લાગી રહ્યો છે.વૈશ્વિક બજારમાં કોમેકસ ખાતે સોનું ડિસેમ્બર વાયદો ૧.૫૪ ટકા કે ૨૯.૫૦ ડૉલર ઘટી ૧૮૮૨.૪૦ અને હાજરમાં ૧.૬૦ ટકા કે ૩૦.૪૫ ડૉલર ઘટી ૧૮૭૭.૫૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.
સલામતી માટે દોટ, ડૉલરમાં ઉછાળો
વૈશ્વિક બજારમાં ફરી એક વખત સલામતી માટેની દોટ જોવા મળી રહી છે. કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા હતા ત્યારે બજારની એવી ધારણા હતી કે કેસ ભલે વધે, પણ હવે લોકોની અવરજવર અને બિઝનેસ પર નિયંત્રણ આવશે નહી. ફ્રાંસ બાદ ઇટલી અને જર્મનીએ પણ સતત વધી રહેલા કેસના કારણે નિયંત્રણ મૂકવાની જાહેરાત કરતાં ગઈ કાલે ચલણ બજારમાં ડૉલરની ખરીદી ઉગ્ર બની હતી.
ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો
વૈશ્વિક બજારમાં ઘટાડાની સાથે ભારતમાં પણ સોનું અને ચાંદી ઘટ્યાં હતાં. જોકે ડૉલર સામે રૂપિયાના વધી રહેલા મૂલ્યના કારણે પડતર ઊંચી રહેતી હોવાથી ભાવઘટાડા પર બ્રેક લાગેલી હતી. હાજરમાં મુંબઈ સોનું ૧૭૦ ઘટી ૫૨,૬૪૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૮૦ ઘટી ૫૨,૫૪૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૦૬૫ ખૂલી, ઉપરમાં ૫૧,૦૬૫ અને નીચામાં ૫૦,૬૨૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૬૮ ઘટીને ૫૦,૬૯૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૨ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૧,૦૧૦ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૩ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૧૨૭ રૂપિયા થયા હતા, મુંબઈ હાજર ચાંદી ૧૦૨૦ ઘટી ૬૨,૭૩૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૦૧૦ ઘટી ૬૨,૬૫૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૨,૦૬૦ ખૂલી, ઉપરમાં ૬૨,૫૦૦ અને નીચામાં ૬૧,૩૧૩ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૮૨૩ ઘટીને ૬૧,૪૫૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૭૯૨ ઘટીને ૬૧,૪૮૮ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૭૭૭ ઘટીને ૬૧,૪૯૩ રૂપિયા બંધ રહ્યા હતા.

business news