ચીનની ઇકૉનૉમિક રિકવરી ઝડપી બનતાં ડૉલરની મજબૂતીથી સોનું-ચાંદી ઘટ્યાં

04 September, 2020 07:50 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનની ઇકૉનૉમિક રિકવરી ઝડપી બનતાં ડૉલરની મજબૂતીથી સોનું-ચાંદી ઘટ્યાં

પ્રતીકાત્મક તસવીર

ચીનની ઇકૉનૉમિક રિકવરી ઝડપી બનતાં અમેરિકી ડૉલરની મજબૂતીથી વિશ્વબજારમાં સોનું-ચાંદી સતત બીજે દિવસે ઘટ્યાં હતાં, જેને પગલે મુંબઈ સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૫૬થી ૨૫૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૫૨૮ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહો
અમેરિકાના બિઝનેસ ઍક્ટિવિટી અને જૉબ ડેટા કોરોના વાઇરસને કારણે નબળા આવવાની ધારણા છતાં ઇકૉનૉમીની મજબૂત રિકવરીની આશાએ અમેરિકન ડૉલર સતત ત્રીજે દિવસે સુધરતાં વિશ્વબજારમાં સોનું અને ચાંદી ઘટી હતી. ખાસ કરીને ચીનના ઇકૉનૉમિક ડેટા સતત પ્રોત્સાહક આવી રહ્યા છે. ચીનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં છેલ્લાં ૧૦ વર્ષનો સૌથી મોટો સુધારો નોંધાયા બાદ સર્વિસ સેક્ટરના ડેટા પણ સ્ટ્રૉન્ગ આવતાં ઇકૉનૉમિક રિકવરીની આશા વધુ મજબૂત બની હતી. ચીનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે યુરોપિયન સ્ટૉક માર્કેટ સુધરીને એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. અમેરિકી ડૉલર અને યુરોપિયન સ્ટૉક માર્કેટની તેજીને પગલે સોનું વિશ્વબજારમાં સ્પોટમાં ૦.૪ ટકા અને ફયુચર માર્કેટમાં ૦.૨ ટકા ઘટ્યું હતું. ચાંદી ૧.૫ ટકા ઘટી હતી જે સતત બીજે દિવસે ઘટી હતી. ચીનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે પેટ્રોલ વાહનોમાં ઑટો કેટાલિસ્ટ તરીકે વપરાતા પેલેડિયમના ભાવમાં ૩.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
ઇકૉનૉમિક ફૅક્ટર
ચીનનો સર્વિસ સૅક્ટરનો ગ્રોથ ઑગસ્ટમાં વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સતત ચોથા મહિને વધ્યો હતો, પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઇન્ડેક્સ વધીને ૫૫.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે અગાઉના મહિને ૫૪.૫ પૉઇન્ટ હતો. ચીનમાં પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લૉઈમેન્ટમાં છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત વધારો થયો હતો. ભારતીય સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑગસ્ટમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૪૧.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૩૪.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૩૯.૨ પૉઇન્ટની હતી. યુરો એરિયાના રીટેલ સેલ્સમાં જુલાઈમાં ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેમાં જૂનમાં ૫.૩ ટકાનો વધારો થયો હતો. જોકે યુરો એરિયાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑગસ્ટમાં વધીને ૫૦.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૦.૧ પૉઇન્ટ હતો. આમ, વર્લ્ડના ઇકૉનૉમિક ઇન્ડિકેટર મજબૂત બનતાં સોનું-ચાંદીનું સેઇફ હેવન સ્ટે્ટસ નબળું પડ્યું હતું અને બન્નેના ભાવ ઘટ્યા હતા.

રૂપિયાની મજબૂતીથી ભારતીય માર્કેટમાં સોનું ઑગસ્ટમાં આઠ મહિના બાદ ઘટ્યું

ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં ૨૮ ટકાનો વધારો થયો છે જે ઑગસ્ટ મહિનામાં પણ ચાલુ રહ્યો હતો, પણ ભારતીય રૂપિયો ઑગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં સુધરીને છ મહિનાની ઊંચાઈએ પહોંચતાં એમસીએક્સ (મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ)માં સોનાનો ભાવ ઑગસ્ટમાં ૩.૨૬ ટકા ઘટ્યો હતો, જ્યારે ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઑગસ્ટમાં સાત ટકા વધ્યો હતો. ઑગસ્ટ મહિનામાં ભારતીય રૂપિયો ૨.૦૯ ટકા સુધર્યો હતો. 

મસૂરની આયાતમાં રાહતો પૂરી : હવે ૩૦ ટકા ડ્યુટી લાગશે

કેન્દ્ર સરકારે મસૂરની અછતને ધ્યાનમાં રાખીને ગયા જૂન મહિનામાં ડ્યુટી ઘટાડીને આયાતકારોને રાહત આપી હતી, પરંતુ આ રાહતની મુદત ૩૧ ઑગસ્ટે પૂરી થઈ ગઈ છે અને સરકારે નવું નોટિફિકેશન બહાર ન પાડ્યું હોવાથી હવે ડ્યુટી ફરી પહેલાં જેટલી જ રહેશે.
કેન્દ્ર સરકારે જૂન મહિનાની શરૂઆતમાં મસૂરની આયાત પર ડ્યુટી ૩૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા ત્રણ મહિના માટે કરી હતી, જેની મુદત પૂરી થઈ ગઈ છે, જેને પગલે હવેથી મસૂરની આયાત પર ૩૦ ટકા ડ્યુટી અને સરચાર્જ મળીને કુલ ૩૩ ટકા જેટલી ડ્યુટી લાગે છે.
આ ઉપરાંત અડદની ચાર લાખ ટનના આયાત ક્વોટા માટેની મુદત પણ ૩૧ ઑગસ્ટના રોજ પૂરી થઈ ગઈ છે. આયાતકારોની અડદની આયાત માટેની મુદત વધારવાની માગણી છે, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
દેશમાં કઠોળના વિક્રમી ખરીફ વાવેતર છતાં હાલમાં ભાવ ટેકાના ભાવથી નજીક પહોંચ્યા છે, જેને પગલે સરકાર હવે વધુ આયાત થાય એવા કોઈ નિર્ણય લેવાના મૂડમાં નથી. હાલની તેજી ખરીફ સીઝનમાં મગ અને અડદના પાકને તાજેતરના ભારે વરસાદને કારણે આવી છે, જે હજી લાંબી ચાલશે, પંરતુ નવી આવકો શરૂ થશે ત્યારે ભાવ પર પ્રેશર આવે એવી સંભાવના છે.

business news