અમેરિકાના અર્થતંત્ર વચ્ચેની વેચવાલીમાં સોના-ચાંદીમાં આ સપ્તાહે કડાકા

26 September, 2020 01:22 PM IST  |  Mumbai | Bullion Watch

અમેરિકાના અર્થતંત્ર વચ્ચેની વેચવાલીમાં સોના-ચાંદીમાં આ સપ્તાહે કડાકા

ગોલ્ડ

ગુરુવારે ડૉલરના ભાવમાં આંશિક ઘટાડો, શૅરબજારમાં વૃદ્ધિની સાથે સોનું અને ચાંદી પણ બે મહિનાની નીચી સપાટીથી ઊછળ્યા હતા, પણ આજે ફરી એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડૉલર વધ્યો છે, જ્યારે સોનું અને ચાંદી ઘટેલાં છે. જોકે ભાવ અગાઉની નચી સપાટી કરતાં થોડા ઉપર છે. આ સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવ ૫.૦૫ ટકા અને ચાંદી ૧૫ ટકા ઘટેલા છે.

અમેરિકામાં જૉબલેસ ક્લેમ પછી ફરી વધારે આંકડા નરમ આવ્યા છે જે સંકેત આપે છે કે અર્થતંત્ર ધારણા કરતાં વધારે નરમ છે અને અને એમાં વૃદ્ધિ માટે સમય લાગશે. કૉમર્સ ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર ઑગસ્ટમાં ડ્યુરેબલ ગુડ્સના ઑર્ડર ૦.૪ ટકા વધ્યા હતા જે ૧.૧ ટકાની ધારણા કરતાં ઘણા નરમ છે. આ આંકડાને કારણે શૅરબજારમાં ફરી થોડો ઘટાડો આવે એવી શક્યતા છે અને રોકડના આકર્ષણ તરીકે ડૉલર વધી રહ્યો છે.

અમેરિકન ડૉલરનું અન્ય ૬ ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ૦.૨૫ ટકા વધીને ૯૪.૬૩૫ની સપાટીએ છે જે લગભગ બે મહિનાની ઊંચી સપાટીએ છે. ડૉલરના ભાવમાં વૃદ્ધિ આવે તો અન્ય ચલણમાં એની પડતર મોંધી થાય છે અને એને કારણે સોનાની માગ ઘટે અથવા તો એનો સંગ્રહ મોંઘો બને એટલે સોનું ઘટે છે.

સત્ર ખૂલતાની સાથે અમેરિકામાં ગુરુવારે સોના-ચાંદીના ભાવ ઘટેલા હતા, પણ પછી ડૉલર નરમ પડતાં અને શૅરબજારમાં તેજી આવતાં સોનું ૦.૪૫ ટકા અને ચાંદી ૦.૩૯ ટકા વધીને બંધ આવી હતી. શુક્રવારે અમેરિકન સત્ર ખૂલતાની સાથે સોનાનો ડિસેમ્બર વાયદો ૦.૭૩ ટકા કે ૧૩.૭ ડૉલર ઘટી ૧૮૬૩.૨ અને હાજરમાં ૦.૫૦ ટકા કે ૯.૪૨ ડૉલર ઘટી ૧૮૫૮.૬૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૧.૪૩ ટકા કે ૩૩ સેન્ટ ઘટી ૨૨.૮૭ ડૉલર અને હાજરમાં ૧.૭૦ ટકા કે ૩૯ સેન્ટ ઘટી ૨૨.૭૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

સોનું પાંચમા દિવસે પણ નરમ, ચાંદીમાં આંશિક વૃદ્ધિ

સતત પાંચમા દિવસે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે મુંબઈ હાજર સોનું ૧૫૦ ઘટી ૫૧૫૦૦ અને અમદાવાદમાં ૧૦૫ ઘટી ૫૧૪૭૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯૮૨૬ ખૂલી, ઉપરમાં ૪૯૯૦૦ અને નીચામાં ૪૯૩૮૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૪૨૦ ઘટીને ૪૯૪૮૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬૫ વધીને ૮ ગ્રામદીઠ ૪૦૦૪૦ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૪ વધીને ૧ ગ્રામદીઠ ૫૦૫૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧૬ ઘટીને બંધમાં ૪૯૪૪૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાર દિવસના ઘટાડા પછી ચાંદીમાં આજે આંશિક ભાવવધારો જોવા મળ્યો હતો. હાજરમાં ભાવ વધ્યા હતા, પણ વાયદો ઘટ્યો હતો. મુંબઈ હાજર ચાંદી ૪૬૦ વધી ૫૯૧૮૦ અને અમદાવાદમાં ૪૨૫ વધી ૫૯૧૨૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૫૯૩૨૦ ખૂલી, ઉપરમાં ૫૯૭૨૦ અને નીચામાં ૫૭૫૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૬૮૬ ઘટીને ૫૭૯૪૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૬૪૨ ઘટીને ૫૭૯૪૯ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૬૪૯ ઘટીને ૫૭૯૩૮ રૂપિયા બંધ રહ્યા હતા.

શૅરબજારમાં વૃદ્ધિ સાથે રૂપિયો પણ વધ્યો

શૅરબજારમાં વૃદ્ધિ સાથે ડૉલર સામે ચલણોમાં પણ સુધારો જોવા મળ્યો હતો અને એના પડખે ભારતીય રૂપિયો પણ ઊછળ્યો હતો. ભારતીય શૅરબજારમાં તેજીની અસર જોવા મળી હતી. ગુરુવારે ડૉલર સામે ૭૩.૮૯ બંધ રહેલો રૂપિયો આજે વધીને ૭૩.૭૬ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ૭૩.૫૬ થયો હતો, પણ દિવસના અંતે ડૉલર સામે રૂપિયો ૨૮ પૈસા વધી ૭૩.૬૧ બંધ રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે ડૉલર સામે રૂપિયો ૧૬ પૈસા વધ્યો છે.

business news