ઇન્ફ્લેશન વર્સસ ઇન્ટરેસ્ટ રેટની લડાઈની કશમકશ વધતાં સોના અને ચાંદીમાં સતત ઊથલપાથલ

22 June, 2022 05:52 PM IST  |  Mumbai | Mayur Mehta

રશિયન એનર્જી પ્રોડક્ટ્સ પર નિયંત્રણો લાદવા અમેરિકાએ નવેસરથી પ્રયત્ન શરૂ કરતાં ઇન્ફ્લેશન વધશે

પ્રતીકાત્મક તસવીર

ઇન્ફ્લેશન વર્સસ ઇન્ટરેસ્ટ રેટની લડાઈની કશમકશ જેમ-જેમ વધે છે એમ-એમ સોના-ચાંદીમાં ઊથલપાથલ પણ વધી રહી છે. રશિયન એનર્જી પ્રોડક્ટ્સ પર નિયંત્રણો લાદવા અમેરિકાએ નવેસરથી પ્રયાસ શરૂ કરતાં મંગળવારે દિવસની શરૂઆતે સોના-ચાંદી વધ્યાં હતાં, પણ ત્યાર બાદ ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯૧ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૯૮ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ 
સોના-ચાંદીમાં ઊથલપાથલ સતત વધી રહી છે, કારણ કે સતત ઊંચે જઈ રહેલી મોંઘવારીને કાબૂમાં લેવાના સેન્ટ્રલ બૅન્કોના પ્રયાસો સતત નિષ્ફળ જઈ રહ્યા હોવાથી હવે શું? એ પ્રશ્નની મૂંઝવણ સતત વધી રહી છે. અમેરિકા દ્વારા રશિયન એનર્જી પ્રોડક્ટ્સ પર નિયંત્રણ લાદવા નવસેરથી પ્રયત્નો શરૂ થયા છે એની અસરે ક્રૂડ તેલના ભાવમાં નવેસરથી તેજી શરૂ થઈ છે. ઇન્ફ્લેશન વર્સિસ ઇન્ટરેસ્ટ રેટની લડાઈને કારણે મંગળવારે સોના-ચાંદીમાં સતત વધ-ઘટ રહી હતી. સોનું હાલ ૧૮૩૫થી ૧૮૫૦ ડૉલરની વધ-ઘટના ઝોનમાં અથડાઈ રહ્યું છે, જેને પગલે ચાંદીમાં પણ ૨૧.૫૦થી ૨૨.૦૦ ડૉલર સુધીની વધ-ઘટ જોવા મળી હતી. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ બેન્ચમાર્ક લૅન્ડિંગ રેટ યથાવત્ રાખ્યા હોવા છતાં ઇકૉનૉમિસ્ટોને દૃઢ વિશ્વાસ છે કે ચાઇનીઝ ગવર્નમેન્ટ કોરોનાગ્રસ્ત ઇકૉનૉમીને બેઠી કરવા ટૂંક સમયમાં મોટું સ્ટિમ્યુલસ પૅકેજ લઈને આવશે. આ વિશ્વાસને આધારે ચાઇનીઝ બેન્ચમાર્ક સ્ટૉક ઇન્ડેક્સ મંગળવારે વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ખાસ કરીને એનર્જી અને સિક્યૉરિટી સેક્ટરના શૅરમાં મોટો વધારો જોવા મળ્યો હતો. ચાઇનીઝ શૅરો વધતાં સમગ્ર એશિયાઈ બજારોના શૅર વધ્યા હતા. અમેરિકન ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વાલરે જુલાઈમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ વધારાને સમર્થન આપવાની કમેન્ટ કરતાં ડૉલર સતત વધી રહ્યો છે. વળી જૅપનીઝ સેન્ટ્રલ બૅન્કે ઇઝી મૉનિટરી પૉલિસી ચાલુ રાખવાની જાહેરાત કરતાં યેન સતત ગગડી રહ્યો છે, હાલ જૅપનીઝ યેનનું મૂલ્ય ડૉલર સામે ૨૪ વર્ષની નીચી સપાટી નજીક પહોંચ્યું હોવાથી ડૉલરને સતત સપોર્ટ મળી રહ્યો છે. અમેરિકન ડૉલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં નવેસરથી ૨૦ વર્ષની ઊંચાઈ નજીક પહોંચ્યું હતું. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જૅનેટ યેલેને કૅનેડા અને અન્ય દેશોને રશિયન એનર્જી આઇટમો પર નિયંત્રણ લાદવા અપીલ કરતાં જણાવ્યું હતું કે અમેરિકા લો ઇન્કમ દેશોની એનર્જી જરૂરિયાતને અસર ન પહોંચે એ રીતે રશિયન એનર્જી આઇટમો પર નિયંત્રણ લાદવા નવી પૉલિસી તૈયાર કરી રહ્યું છે, જેના દ્વારા અમેરિકા રશિયા પર વધુ નિયંત્રણ લાદશે. જૅનેટ યેલેનના નિવેદનને પગલે ક્રૂડ તેલ અને બ્રેન્ટના ભાવમાં નવેસરથી તેજી જોવા મળી હતી. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાની જૂન મહિનામાં યોજાયેલી પૉલિસી મીટિંગની મિનિટ્સમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ૨૦૨૨ના અંત સુધીમાં સાત ટકાની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાની ધારણાને પગલે ઇન્ટરેસ્ટમાં રેટમાં સતત વધારા માટે તૈયાર રહેવાનું મિનિટ્સમાં કહેવામાં આવ્યું છે. ઇકૉનૉમિક ઇન્ડિકેટર ઇન્ફ્લેશનમાં વધુ વધારો થવાનો સંકેત આપતાં હોવાથી સોનામાં નવેસરથી ઊથલપાથલ જોવા મળી હતી. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકાના ક્લીવલૅન્ડના ફેડ પ્રેસિડન્ટ લોરેટ્ટા મેસ્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ફેડની આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારવાની પૉલિસીથી રિસેશન (મહામંદી)નું જોખમ સતત વધી રહ્યું છે. જો અમેરિકન ઇકૉનૉમી મહામંદીના વમળમાં ફસાઈ જશે તો બહાર નીકળવામાં વર્ષો લાગી જશે. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ સેમી ઍન્યુઅલ મૉનિટરી પૉલિસી અંગેનું વક્તવ્ય અમેરિકાના પાર્લામેન્ટ સમક્ષ બુધવાર અને ગુરુવારે આપશે. હવે તમામ ઇન્વેસ્ટર્સની નજર જેરોમ પૉવેલના વક્તવ્ય પર છે. ફેડના બે-ત્રણ મેમ્બર્સને બાદ કરતાં તમામ મેમ્બર્સ જુલાઈમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તરફેણમાં છે, પણ રિસેશનનો ભય બધાને સતાવી રહ્યો હોવાથી દબાતા સ્વરે બધા સાવચેતી રાખવાની સૂફિયાણી સલાહ પણ આપી રહ્યા છે. કેટલાક ફેડ મેમ્બર્સ અમેરિકન પબ્લિકની મોંઘવારી અંગેની મુશ્કેલીઓની સહાનુભૂતિ જીતવા જુલાઈમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારાને સમર્થન આપી રહ્યા છે. અમેરિકન પ્રેસિડન્ટ બાઇડને પણ ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલને મોંઘવારીને કાબૂમાં લેવા શક્ય તમામ પગલાં લેવા સૂચના આપી હતી. બીજી તરફ અમેરિકા ડિપ્લોમૅટિક ફ્રન્ટ પણ રશિયા પર વધુ દબાણ લાવવા પ્રયત્નશીલ છે અને તમામ દેશોને રશિયન એનર્જી પ્રોડક્ટ્સ પર નિયંત્રણો લાદવા સમજાવી રહ્યું છે. જોકે એની બહુ અસર હજી સુધી થઈ નથી, કારણ કે યુરોપિયન દેશોની પબ્લિક રશિયન એનર્જી પ્રોડક્ટ્સ વગર જીવી શકે એમ નથી. અમેરિકાના પ્રયત્નોથી ક્રૂડ તેલ, નૅચરલ ગૅસ તથા તમામ એનર્જી પ્રોડક્ટ્સ વધુ મોંઘી થશે એની અસર પણ ચાલુ રહેશે. વિશ્વની સેન્ટ્રલ બૅન્કો દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારા છતાં ઇન્ફ્લેશન કાબૂમાં નહીં આવે અને રિસેાનનો ભય વધશે તો સોનાના ભાવમાં સ્પ્રિંગ જેવો ઉછાળો આજે નહીં તો કાલે નિશ્ચિત જોવા મળશે.

business news