વૈશ્વિક ઘઉંના ભાવ છ મહિનાના તળિયેઃ ભારતમાં ભાવ ઘટશે

06 August, 2022 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૂડ સેક્રેટરી સુધાશું પાંડેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઘઉંની તેજીને રોકવા માટે અનેક પગલાંઓ લેવાઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ઘઉંની તેજીને રોકવા માટે સરકાર એક કરતાં વધુ પગલાં લેવાની તૈયારીમાં છે ત્યારે બીજી તરફ વૈશ્વિક ઘઉંના ભાવમાં પણ ઘટાડો થયો હતો અને ભાવ છ મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયા હતા. આગામી દિવસોમાં ભારતીય બજારમાં પણ ઝડપથી ઘટાડો આવે તેવી સંભાવના છે. દરમ્યાન કેન્દ્રીય ખાદ્ય સેક્રેટરીએ દેશના રોલર ફ્લોર મિલ ફેડરેશનના પ્રતિનિધિઓ સાથે આજે બેઠક કરી હતી, જેમાં સરકાર દ્વારા તેજીને રોકવા માટે એકથી વધુ પગલાં લેવાના સંકેત આપ્યા હતા.

ફૂડ સેક્રેટરી સુધાશું પાંડેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઘઉંની તેજીને રોકવા માટે અનેક પગલાંઓ લેવાઈ શકે છે. સરકાર દ્વારા સ્ટૉક લિમિટ પણ લાગુ કરી શેક છે અને અંતિમ વપરાશકારો માટે ક્વોટા આધારિત ઝીરો ટકા આયાત ડ્યુટી સાથે આયાત છૂટ પણ આપવામાં આવી શકે છે. સરકાર દ્વારા ઘઉંના ભાવ ઉપર બારીકાઈથી નજર રખાઈ રહી છે.

ફેડરેશનનાં પ્રમુખ અંજની અગ્રવાલે જણાવ્યું હતું કે મલ્ટિનૅશનલ કંપનીઓ અને મોટા સ્ટૉકિસ્ટોએ મોટા પાયે ઘઉંનો સ્ટૉક કર્યો છે અને ભાવ ઉપરની તરફ વધી રહ્યા છે. નવી સીઝનને હજી આઠ મહિનાની વાર હોવાથી સરકાર દ્વારા કોઈ પગલાંઓ લેવામાં આવે તે જરૂરી છે. સરકારી ગોડાઉનમાં હાલ ૨૬૦ લાખ ટનનો સ્ટૉક છે, જે બફર સ્ટૉક કરતાં વધારે હોવાથી સરકાર તેમાંથી રિલીઝ કરી શકે છે. દરમ્યાન વૈશ્વિક ઘઉંના ભાવ ઘટીને ૭.૫૨ ડૉલર પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્યા હતા, જે ફેબ્રુઆરી બાદના સૌથી નીચા ભાવ છે. યુક્રેનમાંથી યુદ્ધ બાદ વહેલી ઘઉંની વેસેલ્સ પોર્ટ ઉપરથી રવાના થઈ ગઈ છે અને તાઇવનમાં ટૂંક સમયમાં પહોંચશે, જે પણ બજારમાં  નરમાઈના સંકેત આપે છે.

business news