વૈશ્વિક ઘઉંમાં ફરી તેજી : મહિનામાં ૧૩ ટકાનો ઉછાળો

05 October, 2022 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિકાગો ઘઉં વાયદો સપ્તાહમાં ૯ ટકા જેવો વધી ગયો : ભારતીય ઘઉંની નિકાસબંધીની પણ વૈશ્વિક ભાવ પર અસર

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વૈશ્વિક ઘઉંના ભાવમાં ફરી તેજી આવી છે અને યુક્રેનમાંથી ઘઉંના નિકાસ શિપમેન્ટ શરૂ થાય એની ખાસ કોઈ અસર થઈ નહોતી અને ભાવ સતત વધી રહ્યા છે. ખાસ કરીને અમેરિકામાં ઘઉંના પાકની નબળી સ્થિતિને લઈને પણ તેજીવાળા જોરમાં આવી ગયા હોવાથી ભાવ વધવા લાગ્યા છે.

શિકાગો બોર્ડ ઑફ ટ્રેડ ખાતે ઘઉં વાયદો ૯.૪૬ ડૉલર પ્રતિ બુશેલ સુધી પહોંચ્યો હતો, જે સપ્તાહમાં નવ ટકા જેવા અને મહિનામાં ૧૩થી ૧૪ ટકા જેવા ભાવ વધી ગયા હતા. ઘઉંના ભાવ ગત વર્ષની તુલનાએ ૨૩ ટકા હજી પણ ઊંચા છે. ઘઉંના ભાવ ચાલુ વર્ષે યુક્રેન પર રશિયાના હુમલા બાદ વધીને ૧૨ ડૉલરની ઉપર પહોંચી ગયા હતા, જ્યારે ૨૫ ટકા જેવો ઘટાડો આવ્યા બાદ ભાવ હવે ફરી વધવા લાગ્યા છે.

યુક્રેનમાંથી નિકાસ ફરી શરૂ થવા છતાં વિશ્વ વર્ષોમાં સૌથી ચુસ્ત અનાજની ઇન્વેન્ટરી તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે શિપમેન્ટ ખૂબ ઓછાં છે અને અન્ય મુખ્ય પાક ઉત્પાદકો પાસેથી લણણી શરૂઆતમાં અપેક્ષા કરતાં ઓછી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શુક્રવારે ક્રેમલિન સમારોહમાં યુક્રેનના ભાગના જોડાણની ઘોષણા કરી હતી, જેને રશિયાએ કબજે કરેલા વિસ્તારોમાં લોકમત કહે છે. પશ્ચિમી સરકારો અને કિવે કહ્યું કે મતો આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે છે અને બળજબરીભર્યા અને બિન-પ્રતિનિધિ હતા. આમ રશિયામાં ફરી ટેન્શન ઊભું થયું હોવાથી સરેરાશ ઘઉં-મકાઈ સહિતના પાકમાં તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ ઊંચકાશે તો ભારતીય બજારમાં પણ સરેરાશ ટેકો મળી શકે છે. હાલમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ છે, પરંતુ સેન્ટિમેન્ટની અસર થઈ શકે છે. ભારતીય ઘઉંમાં સરકાર આયાત ડ્યુટીમાં ઘટાડો કરવા વિશે વિચારણા કરે છે, પરંતુ જો વૈશ્વિક ભાવ ઊંચકાય તો આયાત ડ્યુટી નાબૂદ કરવા છતાં ભારતીય મિલોને આયાતી ઘઉંની પડતર ન પડે એવી પૂરી સંભાવના છે. ભારતે મે મહિનામાં નિકાસ પ્રતિબંધ મૂક્યો ત્યારે અમુક દેશોની જરૂરિયાત મુજબ નિકાસ છૂટ આપી હતી, પરંતુ હાલ સરકારી ધોરણે પણ નિકાસ સંપૂર્ણપણે બંધ છે.

business news commodity market