05 March, 2025 07:06 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
BSEમાં કુલ ૪૨૩૪ શૅરમાં સોદા પડ્યા એમાંથી ૧૧૩૩ જાતોમાં નવાં નીચાં બૉટમ બન્યાં : અદાણી એન્ટરપ્રાઇઝ ૨૧ મહિનાના તળિયે જઈ સવા ટકો વધી, તાતા મોટર્સ સળંગ ૧૦મા દિવસની નબળાઈમાં ૧૭ મહિનાનો નીચો ભાવ દેખાડી લગભગ ફ્લૅટ બંધ : ખરાબ બજારમાંય થાણેની RRP સેમિકન્ડક્ટર ઉપલી સર્કિટની હારમાળા સાથે નવા શિખરે : મુકેશ અંબાણીના નવ અને તાતા ગ્રુપના દસ શૅર નવી નીચી સપાટીએ ગયા : ગુજરાતના ગાંધીનગરની બિઝાસણ એક્સ્પ્લોટેકમાં સાડાબાર ટકાની લિસ્ટિંગ લૉસ : ક્રિપ્ટોકરન્સીમાં ટ્રમ્પે નવી હૂંફ આપી, બિટકૉઇનમાં ૯૦૦૦ ડૉલરની તેજી આવી : ન્યુક્લિયસ ઑફિસનું આજે લિસ્ટિંગ
ટૅરિફ-વૉરને લઈ અમેરિકા અને કૅનેડા, ચાઇના, મેક્સિકો તથા યુરોપ સામસામે ખાંડાં ખખડાવી રહ્યાં છે. ટ્રમ્પ ચાઇનીઝ ઇમ્પોર્ટ પર વધુ ૧૦ ટકા ટૅરિફ લાદવાની તૈયારીમાં કહેવાય છે. સામે ચાઇના પણ અમેરિકન ઍગ્રીપ્રોડક્ટ્સ પર જકાત વધારવા વિચારી રહ્યું હોવાના અહેવાલ છે. આપણે ત્યાં કૅબિનેટ મિનિસ્ટર પીયૂષ ગોયેલ અમેરિકા જવાના છે. ટ્રમ્પને રૂબરૂ મળી શું કરવું એની ટિપ્સ ત્યાંથી લેતા આવશે એમ મનાય છે. યુક્રેનના મામલે લગભગ આખું યુરોપ ઝેલેન્સ્કી સાથે જોડાયું છે. ટ્રમ્પને આ હરગિજ નહીં ગમે. યુરોપ-અમેરિકા વચ્ચે નવો તનાવ પેદા થશે. સોમવારે એશિયા-યુરોપનાં મોટા ભાગનાં અગ્રણી શૅરબજાર સારા મૂડમાં જોવાયાં છે. ઇન્ડોનેશિયા પોણાચાર ટકા, જપાન પોણાબે ટકા, સિંગાપોર અને હૉન્ગકૉન્ગ સાધારણ તો ઑસ્ટ્રેલિયન માર્કેટ એક ટકા નજીક પ્લસ થયું છે. સાઉથ કોરિયા રજામાં હતું. ચાઇના નહીંવત્ અને તાઇવાન તેમ જ થાઇલૅન્ડ સવા ટકો નરમ હતાં. યુક્રેન ફૅક્ટરની આડઅસરમાં યુરોપનાં બજાર રનિંગમાં ડિફેન્સ સેક્ટરની આગેવાની હેઠળ પોણાથી દોઢ ટકો મજબૂત હતાં. ટ્રમ્પ તરફથી ક્રિપ્ટોકરન્સીમાં સ્ટ્રૅટેજીક રિઝર્વ ઊભી કરવાની જાહેરાત આવતાં અત્રે ક્રિપ્ટો સેગમેન્ટમાં માનસ પલટાયું છે. આ જાહેરાતની સાથે જ બિટકૉઇન ૮૪,૦૦૦ ડૉલરથી ઊછળી ૯૪,૦૦૦ ડૉલર વટાવી ગયા બાદ રનિંગમાં ૧૦ ટકા કે ૮૫૨૮ ડૉલરની તેજીમાં ૯૨,૬૭૦ ડૉલર દેખાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ ૭ ટકા ઊંચકાઈ ૩.૦૪ લાખ કરોડ ડૉલર થઈ ગયું છે. રિપ્પલ ૧૭ ટકા, સોલાના ૧૪ ટકા, કાર્ડાનો ૫૧ ટકા, ઑફિશ્યલ ટ્રમ્પ ૧૦ ટકા, કોનોસ ૧૪ ટકા, ઈઓટા ૧૨ ટકા, ઓનિક્સ કૉઇન ૨૫ ટકા, ડોજી કૉઇન ૭ ટકા વધી ગયા છે.
ઘરઆંગણે સેન્સેક્સ ૨૩૦ પૉઇન્ટ જેવો પ્લસ, ૭૩,૪૨૮ નજીક ખૂલી ઉપરમાં ૭૩,૬૫૦ નજીક ગયો હતો. આગલા બંધથી ૪૫૧ પૉઇન્ટનો આ પ્રારંભિક સુધારો છેતરામણો હતો. માર્કેટ નોઝડાઇવમાં નીચામાં ૭૨,૭૮૪ થયું હતું. છેલ્લે બજાર ૧૧૨ પૉઇન્ટના નહીંવત્ ઘટાડે ૭૩,૦૮૬ બંધ રહ્યું છે. નિફ્ટી નીચામાં ૨૨,૦૦૫ની અંદર જઈ અંતે પાંચેક પૉઇન્ટની કમજોરીમાં ૨૨,૧૧૯ જોવાયો છે. આ સળંગ ૮મા દિવસની નરમાઈ છે. સેન્સેક્સ નિફ્ટીની પરચૂરણ નરમાઈ સામે સ્મોલકૅપ પોણો ટકો, એનર્જી ઇન્ડેક્સ એક ટકો, ઑઇલ-ગૅસ અડધો ટકો માઇનસ હતા. સામે કૅપિટલ ગુડ્સ અને પાવર ઇન્ડેક્સ દોઢ ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સવા ટકો, રિયલ્ટી એક ટકો, આઇટી ટેલિકૉમ, યુટિલિટીઝ, મેટલ બેન્ચમાર્ક અડધો-પોણો ટકો અપ હતા. માર્કેટ બ્રેડ્થ રાબેતા મુજબ ઘણી નબળી રહી છે. NSEમાં વધેલા ૮૭૯ શૅરની સામે ૨૦૭૧ જાતો ઘટી છે. ગઈ કાલે BSEમાં કુલ ૪૨૩૪ શૅરમાં સોદા પડ્યા હતા. એમાંથી ૧૧૩૩ જાતોમાં નવા નીચા ભાવ નોંધાયા છે. બજારનું માર્કેટકૅપ ૩૮૪.૦૧ લાખ કરોડના આગલા લેવલે યથાવત્ હતું.
ગુજરાતના ગાંધીનગરની બિઝાસણ એક્સ્પ્લોટેક શૅરદીઠ ૧૭૫ના ભાવથી લગભગ ૬૦ કરોડનો SME ઇશ્યુ લાવી હતી. ભાવ ગઈ કાલે ૧૪૬ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૫૩ બંધ થતાં અત્રે સાડાબાર ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. ન્યુક્લિયસ ઑફિસનો શૅરદીઠ ૨૩૪ના ભાવનો SME IPO આજે લિસ્ટિંગમાં જવાનો છે.
રિલાયન્સ ૧૬ મહિનાના તળિયે, જિયો ફાઇનૅશ્યલમાં ઑલટાઇમ બૉટમ
હેવીવેઇટ્સ રિલાયન્સ નબળાઈ જારી રાખતાં ૧૧૫૬ની ૧૬ મહિનાની બૉટમ બનાવી ૨.૪ ટકાની ખરાબી સાથે ૧૧૭૧ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બની બજારને ૧૬૬ પૉઇન્ટ નડ્યો છે. ભાવ મહિનામાં છ ટકા, ત્રણ મહિનામાં સાડાઅગિયાર ટકા તથા એક વર્ષમાં ૨૧.૫ ટકા નીચે ગયો છે. ૮ જુલાઈએ ગત વર્ષે અહીં ૧૬૦૯ની ઑલટાઇમ હાઈ બની હતી. F&Oમાં એન્ટ્રીની સાથે જ છ ટકાના ગાબડા સાથે ટૉપ લૂઝર બનેલી જિયો ફાઇનૅશ્યલ ગઈ કાલે પણ ૧૯૮ની નવી સૌથી નીચી સપાટી બનાવી ૩.૩ ટકા બગડી ૨૦૧ બંધ થયો છે. સતત નવ દિવસ ઘટેલી તાતા મોટર્સ સોમવારે ૬૦૬ની ૧૭ મહિનાની બૉટમ નોંધાવી નજીવા સુધારે ૬૨૧ હતો. સ્ટેટ બૅન્ક ૬૮૯ની વર્ષની બૉટમ બાદ એક ટકો વધી ૬૯૫, બજાજ ઑટો ૭૬૮૩ના વર્ષના નવા તળિયે જઈ અઢી ટકા તૂટી ૭૭૧૧, એશિયન પેઇન્ટ્સ ૨૧૨૮ની સવાચાર વર્ષની બૉટમ દેખાડી અડધો ટકો ઘટી ૨૧૬૮, હીરો મોટોકૉર્પ ૩૬૧૭નું સવા વર્ષનું તળિયું બતાવી દોઢ ટકો ઘટીને ૩૬૨૯ તથા ટીસીએસ ૩૪૭૫ની સવા વર્ષની નીચી સપાટી દેખાડી સાધારણ સુધારામાં ૩૪૯૬ રહ્યા છે.
ભારત ઇલેક્ટ્રિક ૪.૫ ટકાની તેજીમાં નિફ્ટી ખાતે તથા અસ્ટ્રાટેક સવાબે ટકા ઊચકાઈ સેન્સેક્સમાં ટૉપ ગેઇનર હતા. અન્યમાં ગ્રાસિમ ત્રણ ટકા, આઇશર પોણાત્રણ ટકા, JSW સ્ટીલ ૨.૭ ટકા, ભારત પેટ્રો ૨.૨ ટકા, વિપ્રો બે ટકા, અપોલો હૉસ્પિટલ્સ બે ટકા, ટ્રેન્ટ બે ટકા, ભારતી ઍરટેલ પોણાબે ટકા, HDFC લાઇફ દોઢ ટકો પ્લસ હતા. ઇન્ફોસિસ, બજાજ ફાઇનૅન્સ, તાતા સ્ટીલ, લાર્સન, NTPC, મહિન્દ્ર એકથી સવા ટકો વધ્યા છે. નિફ્ટીમાં કોલ ઇન્ડિયા અઢી ટકા બગડી ૩૬૦ બંધ હતો. અન્યમાં બજાજ ફીનસર્વ, SBI લાઇફ, અદાણી પોર્ટ્સ, મારુતિ સુઝુકી દોઢથી પોણાબે ટકા ઘટ્યા હતા. HDFC બૅન્ક પોણાબે ટકાના ઘટાડે ૧૭૦૧ના બંધમાં બજારને સર્વાધિક ૧૯૪ પૉઇન્ટ નડ્યો છે. હિન્દુસ્તાન યુનિલીવર ૨૧૫૮ની વર્ષની નીચી સપાટી બાદ પોણો ટકો ઘટી ૨૧૭૭ રહ્યો છે.
પીએસયુ બૅન્ક નિફ્ટી નવા તળિયે, ૧૮ બૅન્કોના શૅરોમાં નવાં બૉટમ
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના ઘટાડે ૨૩૦ પૉઇન્ટ કે અડધો ટકો ઘટ્યો છે. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૫૫૩૦ના વર્ષના નવા તળિયે જઈ ૦.૪ ટકા નરમ હતો, પણ એના ૧૨માંથી ૯ શૅર ઘટ્યા છે. બૅન્કિંગ ઉદ્યોગની ૪૧માંથી ૩૩ જાતો માઇનસ થઈ છે. જના સ્મૉલ બૅન્ક ૧.૮ ટકા, સ્ટેટ બૅન્ક એક ટકો, ફેડરલ બૅન્ક તથા સિટી યુનિયન બૅન્ક એકાદ ટકો પ્લસ હતા. દિવસ દરમ્યાન સ્ટેટ બૅન્ક, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, સેન્ટ્રલ બૅન્ક, ડીસીબી બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, આઇઓબી, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, પીએનબી, પંજાબ સિંઘ બૅન્ક, આરબીએલ બૅન્ક, સૂર્યોદય બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક, યુકો બૅન્ક, તામિલનાડુ બૅન્ક, યસ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, કર્ણાટકા બૅન્ક જેવા ૧૮ જેટલા બૅન્ક શૅર ઐતિહાસિક તળિયે ગયા હતા.
અદાણીની ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ જે ૩ જૂને ૩૭૪૩ની ઐતિહાસિક ટોચે ગઈ હતી એ ગઈ કાલે ૨૦૨૭ની ૨૧ મહિનાની બૉટમ બતાવી સવા ટકો સુધરી ૨૧૧૮ વટાવી ગઈ છે. અદાણી ગ્રીન ૭૫૮નું નવું બૉટમ બનાવ્યા બાદ ચારેક ટકાના બાઉન્સબૅકમાં ૮૦૪ હતો. અદાણી ટોટલ અડધો ટકો અને NDTV અઢી ટકા ઘટી નવા નીચા ભાવે બંધ થયા છે. સાંધી ઇન્ડસ્ટ્રીઝ નવી બૉટમ બનાવી પોણો ટકો, એસીસી નવા તળિયે જઈ નહીંવત્, અંબુજા સિમેન્ટ દોઢ ટકો, અદાણી પાવર પોણો ટકો, અદાણી એનર્જી અડધો ટકો પ્લસ હતા. અદાણી વિલ્મર બે ટકા બગડ્યો છે.
તાતા ગ્રુપમાં તાતા મોટર્સ ઉપરાંત તાતા કેમિકલ્સ, તાતા કમ્યુનિકેશન્સ, તાતા ટેક્નૉલૉજીઝ, ટાઇટન, તાતા ટેલી, ટીઆરએફ, રાલિસ ઇન્ડિયા, ઑટો મોબાઇલ કૉર્પો. ઑફ ગોવા, ટીસીએસ જેવા કુલ ૧૦ શૅરમાં નવાં બૉટમ બન્યાં છે. મુકેશ અંબાણી ગ્રુપમાં રિલાયન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા, નેટવર્ક-૧૮, આલોક ઇન્ડસ્ટ્રી, જિયો ફાઇનૅશ્યલ ડેન નેટવર્ક, સ્ટર્લિંગ-વિલ્સન, હૅથવે કેબલ નવા તળિયે પહોંજ્યા છે. મુકેશ-મિત્ર આનંદ જૈનની જયકૉર્પ ૯૦ની મલ્ટિયર બૉટમ બાદ ૩ ટકા તૂટી ૯૨ હતો. ૭ મહિના પૂર્વે શૅર ૪૩૮ના શિખરે હતો.
ગોલ્ડમૅન સાક્સે ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી, બીએસઈનો શૅર વધુ ખરડાયો
કૉફી ડે એન્ટરપ્રાઇઝ ખરાબ બજારમાં ૧૪ ગણા વૉલ્યુમે ૨૦ ટકા ઊછળી ૨૫.૬૫ બંધ થયો એની નવાઈ છે. અનુપમ રસાયણ સવાબાર ટકા ઊચકાઈ ‘એ’ ગ્રુપમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર હતો. નારાયણ હૃદયાલય તેજીની આગેકૂચમાં ૧૬૫૮ની ટોચે જઈ પોણાબાર ટકાના જમ્પમાં ૧૬૧૫ હતો. ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ પણ વૉલ્યુમ સાથે ૧૧.૨ ટકા કે ૧૫૭ રૂપિયા મજબૂત થયો છે, સામે એંજલવન ૧૯૫૧ની વર્ષની બૉટમ બતાવી પોણાનવ ટકા લથડી ૧૯૭૭ રહ્યો છે. ઈ-કલેરેક્સ ૨૨૦ રૂપિયા કે પોણાઆઠ ટકા ગગડી ‘એ’ ગ્રુપમાં સેકન્ડ વર્સ્ટ પર્ફોર્મર બની છે.
BSE લિમિટેડમાં ગોલ્ડમૅન સાક્સે ટાર્ગેટ પ્રાઇસ ૫૬૫૦થી ઘટાડી ૪૮૮૦ કરી છે જેમાં શૅર વધુ છ ટકા કે ૨૭૪ના કડાકામાં ૪૩૫૯ થયો છે. આ કાઉન્ટર એક વીકમાં સવાબાવીસ ટકા તૂટ્યું છે. ઓલા ઇલેક્ટ્રિક ખર્ચ ઘટાડવા ૧૦૦૦ કર્મચારી છુટા કરી રહી છે. એમાં શૅર ૫૪ની અંદર ઑલટાઇમ તળિયે જઈ અઢી ગણા વૉલ્યુમે ત્રણ ટકા ખરડાઈ પંચાવન પર બંધ રહ્યો છે. સાડાપાંચ મહિના પૂર્વે, ૨૦ ઑગસ્ટે ભાવ ૧૫૭ પ્લસના શિખરે હતો. જ્યારે એલઆઇસી છ મહિનામાં ૧૨૨૧ની ટૉપથી ૭૧૫ની ઐતિહાસિક બૉટમ બતાવી દોઢ ટકો ઘટી ૭૨૯ ગઈ કાલે બંધ હતો. ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ લિસ્ટિંગ બાદ ૯ જાન્યુઆરીએ ૬૪૨ના બેસ્ટ લેવલે જોવાયો હતો. ભાવ ગગડતો રહી ગઈ કાલે ૩૬૬ના વર્સ્ટ લેવલે જઈ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ત્યાં જ બંધ આવ્યો છે.
કોઈ પણ જાતના ટકાઉ ધંધા વગરની, સતત ખોટ કરતી થાણેની RRP સેમિકન્ડક્ટર કેવળ સટ્ટાકીય પકડને લઈ ખરાબ બજારમાં બે ટકાની ઉપલી સર્કિટની હારમાળામાં ૪૩૩ના બેસ્ટ લેવલે બંધ રહી છે. ૧૧ મહિના પહેલાં, બીજી એપ્રિલે ભાવ માત્ર ૧૫ રૂપિયાના તળિયે હતો. ઑપરેટર્સના ખેલ અને બજાર સત્તાવાળાઓની રહેમ નજર વિના આવી તેજી શક્ય જ નથી. સેબી ક્યારે જાગે છે એ જોવું રહ્યું.