વૈશ્વિક ખાંડના ભાવ અઢી માસની ટોચે : ભારતીય ખાંડની 43.76 લાખ ટનની નિકાસ

13 May, 2021 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાંથી સૌથી વધુ નિકાસ આ વર્ષે ઇન્ડોનેશિયામાં થઈ

ખાંડ

વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ અઢી મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. બીજી તરફ ભારતીય શુગર મિલોએ અત્યાર સુધીમાં કુલ ૪૪ લાખ ટન જેટલી ખાંડની શિપમેન્ટ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં બ્રાઝિલિયન કરન્સી રિયલ મજબૂત રહેતા અને બ્રાઝિલનો શેરડીનો ક્રોપ ઓછો આવવાની ધારણાએ વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ અઢી મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. આઇસીઈ ખાતે જુલાઈ કાચી ખાંડનો વાયદો ૩.૩ ટકા વધીને ૧૮.૦૭ સેન્ટની સપાટી પર પહોંચ્યા છે. જ્યારે સફેદ ખાંડનો ઓગસ્ટ વાયદો ૨.૯ ટકા વધીને ૪૭૯.૪૦ ડૉલર પ્રતિ ટન પહોંચ્યો છે.

દરમ્યાન ઑલ ઈન્ડિયા શુગર ટ્રેડ અસોસિએશનના આંકડાઓ પ્રમાણે દેશમાંથી પહેલી જાન્યુઆરીથી ૬ મે સુધીમાં ખાંડની કુલ ડિસ્પેચ ૪૩.૭૬ લાખ ટનની થઈ છે. શુગર મિલો દ્વારા કરવામાં આવેલી કુલ ડિસ્પેચ જથ્થામાંથી ૩૪.૭૮ લાખ ટનની શિપમેન્ટ થઈ ચૂકી છે જ્યારે ૪.૪૩ લાખ ટનનો જથ્થો લોડિંગમાં છે. જ્યારે પોર્ટ ઉપર કે ટ્રાન્ઝિટમાં હોય તેવો હજી ૪.૫૪ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે.  ખાંડની કુલ નિકાસમાંથી કાચી ખાંડની નિકાસ ૨૪.૩૪ લાખ ટન, સફેદ ખાંડની ૧૩.૯૪ લાખ ટન અને ભારતીય રિફાઇન્ડની ૯૩ હજાર ટનની નિકાસ થઈ ચૂકી છે.

ઑલ ઇન્ડિયા શુગર ટ્રેડ અસોસિએશનના ચૅરમૅન પ્રફુલ્લ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે ભારતે ચાલુ વર્ષે સૌથી વધુ ખાંડની નિકાસ ૧૨.૧૮ લાખ ટનની ઇન્ડોનેશિયામાં કરી છે, જ્યારે બીજા નંબરે અફઘાનિસ્તાનમાં ૪.૩૪ લાખ ટનની થઈ છે. યુએઈમાં ૩.૬૬ લાખ ટન, શ્રીલંકામાં ૨.૮૬ લાખ ટન, સોમાલિયામાં ૨.૪૦ લાખ ટન, બંગલા દેશમાં ૧.૭૮ લાખ ટનની નિકાસ થઈ છે. આ ઉપરાંત યમન, જીબુટી, સાઉદી અરેબિયા, ઇરાક, મલેશિયા, સુદાન સહિનના દેશોમાં પણ નિકાસ થઈ છે. આમ કુલ નિકાસનો ૩૫ ટકા હિસ્સો માત્ર ઇન્ડોનેશિયામાં જ થયો છે.

business news