વૈશ્વિક ખાંડમાં મંદી : કાચી ખાંડનો વાયદો બે માસના તળિયે

19 June, 2021 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક ભાવ બહુ તૂટશે તો ભારતીય નિકાસને અસર પહોંચશે

વૈશ્વિક ખાંડમાં મંદી : કાચી ખાંડનો વાયદો બે માસના તળિયે

વૈશ્વિક ખાંડ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં વધારો કરવાના સંકેત આપતા ડૉલર ઈન્ડેક્સ સુધરતા તમામ કૉમોડિટીમાં ઘટાડો આવ્યો હતો, જેને પગલે ખાંડના ભાવ પણ ઘટીને બે મહિનાના તળિયે પહોંચી ગયા હતા.
આઇસીઈ ખાતે કાચી ખાંડનો જુલાઈ વાયદો ત્રણ ટકા તૂટીને ૧૬.૫૫ સેન્ટ પર પહોંચ્યો હતો, જે ૨૦ એપ્રિલ બાદની સૌથી નીચી સપાટી હતી. લંડન ખાતે સફેદ ખાંડનો વાયદો પણ ૧૨ ડૉલર ઘટીને ૪૨૫ ડૉલર પ્રતિ ટનની સપાટી પર પહોંચ્યો હતો, જે પણ બે માસની નીચી સપાટી બતાવે છે.
ખાંડનાં ભાવમાં આગળ ઉપર ભાવ હજી થોડા ઘટી શકે છે, પરંતુ તેનો મોટો આધાર ડૉલર ઇન્ડેક્સની મુવમેન્ટ પર છે. એનલિસ્ટો માને છે કે ફેડે વ્યાજદર વધારાની જાહેરાત કરી છે પરંતુ હજી તેને ૧૮ મહિનાની વાર છે, પરિણામે ટૂંકા ગાળામાં બજાર તેને કઈ રીતે જોવે છે તેના પર કૉમોડિટીની આગામી ચાલનો આધાર રહેલો છે.
વૈશ્વિક ખાંડના ભાવ જો વધુ ઘટશે તો ભારતીય નિકાસ વેપારને પણ અસર પહોંચી શકે છે. હાલના તબક્કે ભારતીય શુગર મિલોને સબસિડી વગર પણ નિકાસમાં પેરિટી બેસે છે, જો ખાંડના ભાવ બહુ ઘટી જાય તો નિકાસ વેપાર અટકી શકે છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશને હજી ગઈ કાલે જ દેશમાંથી ક્વૉટા ઉપરાંતની વધારાની ૧૦ લાખ ટન મળીને કુલ ૭૦ લાખ ટન ખાંડની નિકાસ થવાનો અંદાજ મૂક્યો છે.

business news