વૈશ્વિક ખાંડમાં મંદી યથાવત્ : ભાવ છ મહિનાના તળિયા નજીક

12 January, 2022 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રાઝિલમાં તાજેતરમાં પડેલા વરસાદથી શેરડીના ઊભા પાકની સ્થિતિ સુધરી હોવાથી સરેરાશ ખાંડ બજારમાં વેચવાલી આવી છે.

ફાઇલ તસવીર

વૈશ્વિક ખાંડ બજારમાં મંદીનો દોર યથાવત્ છે અને ભાવ ઘટીને છ મહિનાના તળિયા નજીક પહોંચી ગયો છે. બ્રાઝિલમાં તાજેતરમાં પડેલા વરસાદથી શેરડીના ઊભા પાકની સ્થિતિ સુધરી હોવાથી સરેરાશ ખાંડ બજારમાં વેચવાલી આવી છે.
આઇસીઈ ખાતે બેન્મચાર્ક માર્ચ કાચી ખાંડનો વાયદો ૨.૩ ટકા તૂટીને ૧૭.૬૧ ડૉલરની નીચી સપાટી પર પહોંચ્યો હતો, જે જુલાઈ બાદની સૌથી નીચી સપાટી હતી. સફેદ ખાંડનો વાયદો ૪૭૮ ડૉલર પ્રતિ ટનની સપાટી પર પહોંચ્યો છે.
વૈશ્વિક ખાંડના ડિલરો કહે છે કે બ્રાઝિલમાં આગામી દિવસોમાં વધુ વરસાદ પડે એવી આગાહી ત્યાંના રાષ્ટ્રીય હવામાન ખાતા વિભાગે કરી છે. આગામી ૧૦ દિવસ શેરડીના
પાક માટે અતિ મહત્ત્વના છે અને એવા સમયે પાક પર વરસાદ પડશે, જે ઉતારો વધારે એવી સંભાવના છે. આ ઉપરાંત ભારત અને થાઇલૅન્ડમાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ સરેરાશ વધ્યું છે.
ખાંડમાં બહુ મોટો ઘટાડો ન થાય એવી ધારણા પણ બ્રોકરો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે બ્રાઝિલમાં ખાંડના ભાવ ઇથેનૉલની પેરિટી કરતાં પણ નીચે આવી ગયા છે, જેને પગલે ખાંડ બનાવતા કેટલાક પ્લાન્ટો ફરી ઇથેનૉલ તરફ પણ વળી શકે છે. ઇથેનૉલમાં હાલ પેરિટી ખાંડ કરતાં ઊંચી છે. પરિણામે ટેકો મળશે.

business news