વૈશ્વિક નરમ હવામાન-સંસ્થાકીય રોકાણકારોના વેચાણ વચ્ચે શૅરબજારમાં ઘટાડો

18 September, 2020 11:26 AM IST  |  Mumbai | Mumbai correspondent

વૈશ્વિક નરમ હવામાન-સંસ્થાકીય રોકાણકારોના વેચાણ વચ્ચે શૅરબજારમાં ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

બે દિવસની વૃદ્ધિ પછી વૈશ્વિક નરમ બજારો અને ફેડરલ રિઝર્વના વ્યાજના દર ૨૦૨૩ સુધી શૂન્ય નજીક રહેવાની આગાહી સાથે ભારતીય શૅરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બે દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટી ૧.૪ ટકા અને ત્રણ સત્રમાં સ્મૉલ કૅપમાં ૫.૯૯ ટકાની વૃદ્ધિ પછી આજે ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ફેડરલ રિઝર્વની વ્યાજદર નરમ રહેવાની આગાહી સાથે આર્થિક વિકાસદર ધીમે-ધીમે વધશે એવી આગાહીથી પણ બજારના માનસ ઉપર અસર જોવા મળી હતી.
નરમ સેન્ટિમેન્ટ સાથે રોકડ બજારમાં સંસ્થાકીય રોકાણકારોએ હાથ ધરેલી ભારે વેચવાલીના કારણે પણ ગઈ કાલે શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાઓએ પાંચ દિવસની સતત ખરીદી પછી ગઈ કાલે ૨૫૦ કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાઓએ સતત સાતમા દિવસે પણ પોતાની વેચવાલી ચાલુ રાખી છે. ગઈ કાલે સ્થાનિક સંસ્થાઓએ ૧૦૬૮ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા, જે છેલ્લાં ૧૭ સત્રમાં સૌથી મોટી વેચવાલી છે.
સત્રના અંતે સેન્સેક્સ ૩૨૩ પૉઇન્ટ કે ૦.૮૨ ટકા ઘટી ૩૮,૯૭૯.૮૫ અને નિફ્ટી ૮૮.૪૫ પૉઇન્ટ કે ૦.૭૬ ટકા ઘટી ૧૧,૫૧૬.૧૦ની સપાટીએ બંધ આવ્યા હતા. બજારમાં ઘટાડા માટે રિલાયન્સ, ટીસીએસ, એચડીએફસી બૅન્ક, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બૅન્કનો ફાળો મુખ્ય હતો. સામે ઇન્ફોસીસ, એચસીએલ ટેક અને મારુતિએ બજારને ટેકો આપ્યો હતો.
ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ ક્ષેત્રોમાંથી આઇટી, મીડિયા અને ફાર્મા સિવાય બધામાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઘટાડો બૅન્કિંગ, રીઅલ એસ્ટેટ અને મેટલ્સમાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ  પર ૭૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ત્રણ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૧૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૧૯ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી
બીએસઈ પર ૧૪૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૫૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૮૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૪૬માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૫૩ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૨૪ ટકા ઘટ્યા હતા. ગુરુવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧,૦૩,૨૪૮ કરોડ રૂપિયા ઘટી  ૧૫૯.૦૪ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
બૅન્કિંગમાં બે દિવસની ખરીદી પછી પ્રૉફિટ બુકિંગ
બે દિવસમાં બૅન્કિંગ શૅરોમાં જોવા મળેલી ખરીદી પછી નિફ્ટી બૅન્ક ૨.૧૪ ટકા વધ્યો હતો. આ વધારાની સાથે ગઈ કાલે પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ગઈ કાલે નિફ્ટી બૅન્ક ૧.૦૯ ટકા ઘટ્યો હતો. નિફ્ટી પીએસયુ બૅન્કિંગ ઇન્ડેક્સ આજે ૧.૨૩ ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૧.૦૩ ટકા ઘટ્યા હતા.
ખાનગી બૅન્કોમાં આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૬૩ ટકા, ફેડરલ બૅન્ક ૧.૪૯ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૪૩ ટકા, આરબીએલ બૅન્ક ૧.૧ ટકા, ઍક્સિસ બૅન્ક ૦.૯૨ ટકા, સિટી યુનિયન બૅન્ક ૦.૮ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૦.૭૧ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૭ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૦.૪૭ ટકા અને બંધન બૅન્ક ૦.૦૫ ટકા ઘટ્યા હતા. સરકારી બૅન્કોમાં બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨.૩૫ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૯૪ ટકા, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક ૧.૭૩ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૬૩ ટકા, યુનિયન બૅન્ક ૧.૪૩ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૨૬ ટકા, યુકો બૅન્ક ૧.૧૧ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૦૪ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ ૦.૯૮ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૦.૯૧ ટકા અને કૅનેરા બૅન્ક ૦.૪ ટકા ઘટ્યા હતા.
મેટલ્સ શૅરોમાં ઘટાડો
આર્થિક વિકાસદર ધારણા કરતાં ધીમે-ધીમે વધશે અને કોરોનાની અસરથી અર્થતંત્રમાં કોઈ ઝડપી સુધારો નહીં આવી એવી દહેશતે ગઈ કાલે મેટલ્સ શૅરોમાં વેચવાલી હતી. ગઈ કાલે નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૧.૩૭ ટકા ઘટ્યો હતો. હિન્દાલ્કો ૪.૩૩ ટકા, દૅશનલ મિનરલ્સ ૨.૬૪ ટકા, હિન્દુસ્તાન ઝીંક ૧.૪૮ ટકા, મિશ્ર ધાતુ નિગમ ૧.૪૮ ટકા, તાતા સ્ટીલ ૧.૧૪ ટકા, જિન્દાલ સ્ટીલ ૧.૦૫ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૦૨ ટકા, નાલ્કો ૦.૨૯ ટકા ઘટ્યા હતા. સામે હિન્દુસ્તાન કોપર ૨.૨ ટકા, વૅલસ્પન ૧.૮૯ ટકા, કૉલ ઇન્ડિયા ૦.૫૨ ટકા અને સ્ટીલ ઓથોરીટી ૦.૩૯ ટકા
વધ્યા હતા.
હૅપીએસ્ટ માઇન્ડનું
શાનદાર ‌લિસ્ટિંગ
તાજેતરમાં આઇટી સેવાઓ આપતી કંપની અને માઇન્ડટ્રીના સ્થાપક દ્વારા ચાલુ કરવામાં આવેલી હૅપીએસ્ટ માઇન્ડના શૅરના પબ્લિક ઇશ્યુ પછી શૅરનું શાનદાર લિસ્ટિંગ થયું હતું. ૭૦૨ કરોડ રૂપિયાના પબ્લિક ઇશ્યુ સામે ૫૮,૦૦૦ કરોડ રૂપિયાની અરજીઓ આવી હતી. ૧૬૬ રૂપિયાના ભાવે ઑફ થયેલા આ શૅરનાં ઇશ્યુ નાણાં રોકાણકારો માટે ૩૫૧ ગણો અને ઇન્સ્ટિટયુશનલ રોકાણકારો માટે ૭૭ ગણો ભરાયો હતો. ગઈ કાલે લિસ્ટિંગમાં શૅરનો ભાવ ઇશ્યુ ભાવ સામે ૩૫૧ રૂપિયા ઉપર લિસ્ટ થયો હતો, જે વધીને ૩૯૫ રૂપિયા અને ઘટીને ૩૫૧ રૂપિયા થયો હતો. સત્રના અંતે શૅરનો ભાવ ઇશ્યુ સામે ૧૨૩ ટકા વધી ૩૭૧ રૂપિયા બંધ આવ્યો હતો.
અન્ય શૅરોમાં વધઘટ
અમેરિકામાં આંખની એક દવાના વેચાણ માટે પરવાનગી મળતાં ડૉ. રેડ્ડીઝના શૅર ૪.૨૧ ટકા વધ્યા હતા. ગઈ કાલે બહુ મોટો ઑર્ડર મળ્યા પછી પણ લાર્સન ઍન્ડ ટૂબ્રોના શૅર ૧.૭૦ ટકા ઘટ્યા હતા. ૧૪૦૦ વાહનોનો ઑર્ડર મળ્યા પછી પણ અશોક લેલૅન્ડના શૅર ૦.૭૦ ટકા ઘટ્યા હતા. ૧૯૦૦ કરોડ રૂપિયાનો નવો ઑર્ડર મળતાં ઇર્કોનના શૅર ૪.૩૮ ટકા વધ્યા હતા. નવો ઑર્ડર મળતાં રામકો સિસ્ટમના શૅર પાંચ ટકાની તેજીની સર્કિટ સાથે બંધ રહ્યા હતા. ૧૧૫ કરોડ રૂપિયાનું ઇન્કમ ટૅક્સ રિફંડ મળતાં પીટીસી ઇન્ડિયાના શૅર ૩.૭૧ ટકા વધ્યા હતા. બાયબૅક માટે બોર્ડની બેઠક મળવાની છે એવી જાહેરાત સાથે એચએસઆઇએલના શૅર ૭.૫૨ ટકા વધ્યા હતા.

અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટની રાહત
રિલાયન્સ કમ્યુનિકેશનના ચૅરમૅન અનિલ અંબાણી સામે વ્યક્તિગત રીતે નાદારીનો કેસ દાખલ કરવા માટે દિલ્હી હાઈ કોર્ટે આપેલા સ્ટે સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ અરજી કરી હતી. આ અરજી આજે સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.
અનિલ અંબાણીએ પોતાની બે કંપનીઓને આપેલી ૧૨૦૦ કરોડ રૂપિયાની એક લોનમાં ૫૬૫ કરોડ રૂપિયા અને ૬૩૫ કરોડ રૂપિયાની પર્સનલ ગૅરન્ટી આપી હતી. આ લોન વસૂલવી શક્ય ન હોવાથી પર્સનલ ગૅરન્ટી આપનાર અનિલ અંબાણી સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવા માટે અરજી કરી હતી. આઇબીસીના કાયદામાં ફેરફાર કરતાં હવે ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધારાની લોનમાં પર્સનલ ગૅરન્ટી આપનાર ડિરેક્ટર કે પ્રમોટર સામે પણ કાર્યવાહી કરવાની છૂટ મળી હતી. આ ફેરફારના આધારે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ અરજી કરી હતી. 

business news