વૈશ્વિક શિપિંગ ભાડા અઢી વર્ષના તળિયે

19 January, 2023 04:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બા​લ્ટિક ડ્રાય ઇન્ડેક્સ ઘટીને ૯૪૬ પૉઇન્ટની નીચી સપાટીએ પહોંચ્યો

પ્રતિકાત્મક તસવીર સૌજન્ય આઇ-સ્ટૉક

વૈશ્વિક શિપિંગ ભાડા માટે બેન્ચમાર્ક ગણાતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ ઘટીને ચાલુ સપ્તાહે અઢી વર્ષના તળિયે પહોંચી ગયો હતો. શિપિંગ ભાડામાં ઘટાડો મુખ્યત્વે વિશ્વમાં આયાત-નિકાસ વેપારો ઘટતાં અને વૈશ્વિક આર્થિક મંદીની અસરે થયો હતો એમ ઍનૅલિસ્ટો માને છે.

વિશ્વ બજાર માટે બેન્ચમાર્ક ગણાતો બા​લ્ટિક એક્સચેન્જનો ઇન્ડેક્સ ઘટીને ૯૪૬ પૉઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો. કૅપેસાઇઝ ઇન્ડેક્સ ૧૨ પૉઇન્ટ અથવા લગભગ એક ટકા વધીને ૧૩૧૧ થયો હતો.

સામાન્ય રીતે આયર્ન ઓર અને કોલસા જેવા ૧.૫૦ લાખ ટન કાર્ગોનું પરિવહન કરતાં કૅપેસાઇઝ જહાજોની સરેરાશ દૈનિક કમાણી ૧૦૪ ડૉલર વધીને ૧૦૮૭૪ ડૉલર પ્રતિ ટન હતી.

આ પણ વાંચો: દેશની ડિસેમ્બરની નિકાસ ૧૨.૨ ટકા ઘટી, વેપારખાધ સ્થિર

પૅનામૅક્સ ઇન્ડેક્સ સતત ૧૫ સેશનમાં ઘટ્યા બાદ આજે સ્ટેબલ હતા અને બે પૉઇન્ટ અથવા લગભગ ૦.૨ ટકા વધીને ૧૦૭૧ થયો હતો. સામાન્ય રીતે લગભગ ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ ટન કોલસા અથવા અનાજના કાર્ગો વહન કરતાં પૅનામૅક્સની સરેરાશ દૈનિક કમાણી ૧૮ ડૉલર વધીને ૯૬૩૬ ડૉલર થઈ છે.

આમ બા​લ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં સમાવેશ અમુક વેસેલ્સના ભાવ ઘટતા અટક્યા છે, પંરતુ સરેરાશ શિપિંગ ભાડાં બહુ ઘટી ગયાં હોવાથી બા​લ્ટિક ડ્રાય ઇન્ડેક્સ ઘટ્યો છે. આગામી દિવસોમાં ઇન્ડેક્સ વધુ ઘટશે તો બજારમાં કેટલીક મેટલ અને અનાજની નિકાસ કે આયાત પડતરમાં ઘટાડો આવી શકે છે.

ઍનૅલિસ્ટો કહે છે કે ચીનમાં કોરોનાને કારણે પણ એની મેટલ અને સ્ટીલ સહિતની આયાતમાં મોટો ઘટાડો થયો હોવાથી શિપિંગ ભાડામાં ઘટાડો જોવા મળ્યો હતો. ચીનમાં કોરોના ઘટશે નહીં તો આયાત-નિકાસ વેપારને અસર પહોંચી શકે છે. ચીન સૌથી મોટો મેટલ સહિતની કેટલીક પ્રોડક્ટનો વપરાશકાર કે ઉત્પાદક દેશ છે.

business news commodity market