વૈશ્વિક આયર્નઓરના ભાવ ઘટીને બે મહિનાના તળિયે

12 May, 2022 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક ભાવ ઘટશે તો સ્ટીલની બજારમાં પણ મંદી આવશે

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારમાં આયર્નઓરની બજારમાં મંદીનો દોર શરૂ થયો છે અને ભાવ મંગળવારે ઘટીને બે મહિનાના તળિયે પહોંચી ગયા હતા. આયર્નઓરની માગમાં ઘટાડો અને સપ્લાય વધે એવી સંભાવનાએ સરેરાશ આયર્નઓરની બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. ઍનલિસ્ટો કહે છે કે વિશ્વમાં ઊંચા વ્યાજદરની સાઇકલ શરૂ થઈ હોવાથી નવાં ઘરોની માગ પર અસર પહોંચી છે, જેને પગલે સ્ટીલની માગ પણ ઘટશે. આવી સ્થિતિમાં સ્ટીલના ભાવ પણ નીચા આવે એવી સંભાવના દેખાઈ રહી છે.

અમેરિકન ફેડરલ રિઝર્વે ગયા અઠવાડિયે અડધા-પૉઇન્ટના વ્યાજદરમાં વધારો કર્યો હતો અને કહ્યું હતું કે તે આગામી બેથી ત્રણ મીટિંગ માટે એને વળગી રહેશે અને પછી વધુ વધારો જરૂરી છે કે કેમ એ નક્કી કરતાં પહેલાં અર્થતંત્ર અને ફુગાવો કેવો પ્રતિસાદ આપે છે એનું મૂલ્યાંકન કરી શકે છે.

દરમિયાન, સ્ટીલ ઉત્પાદકો પર નફાનું માર્જિન અને એકંદરે સ્ટીલ આઉટપુટ નિયંત્રણોએ ઉત્પાદનમાં ઘટાડાની સાથે માગમાં પણ ઘટાડો થયો છે. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચીનના ડેલિયન કૉમોડિટી એક્સચેન્જ પર સૌથી વધુ સક્રિય આયર્નઓર વાયદો સાત ટકા જેટલો ઘટીને ૭૫૬ યુઆન (૧૧૨.૭૧ ડૉલર) પ્રતિ ટન થયો હતો, જે ૧૬ માર્ચ બાદની સૌથી નીચી સપાટી છે. સિંગાપોર એક્સચેન્જ ખાતે જૂન આયર્નઓરનો વાયદો ૩.૧ ટકા ઘટીને ૧૨૩.૪૫ ડૉલર પ્રતિ ટનની સપાટી પર પહોંચ્યો હતો. ડાલિયન એક્સચેન્જમાં કાચા કોલસાનો ભાવ ૨.૧ ટકા ઘટીને ૨૬૧૦ યુઆન પ્રતિ ટન રહ્યો હતો, જ્યારે તૈયાર કોલસાના ભાવ ૧.૯ ટકા ઘટીને ૩૩૪૩ યુઆનની સપાટી પર બંધ રહ્યા હતા. આયર્નઓરના ભાવ વધુ ઘટશે તો સ્ટીલમાં પણ ઘટાડો આવશે.

business news