ટ્રેડ-વૉરની નિવેદનબાજ અને ફેડની મિનિટ્સ પહેલાં સોનાના સાંકડી વધઘટ

21 November, 2019 11:10 AM IST  |  Mumbai

ટ્રેડ-વૉરની નિવેદનબાજ અને ફેડની મિનિટ્સ પહેલાં સોનાના સાંકડી વધઘટ

ગોલ્ડ

વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં સતત સાંકડી વધઘટ જોવા મળી રહી છે. એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સમજૂતી અંગે રોજ નવા અહેવાલ આવે છે અને બીજી તરફ માગણી અને પુરવઠાને સીધી અસર કરે એવા સમાચારો જોવા મળી રહ્યા નથી. આ સ્થિતિમાં બજાર એકદમ સાંકડી વધઘટ વચ્ચે અથડાઈ રહ્યાં છે. 

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ મંગળવારે ૧૪૭૪.૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યા હતા જે ગઈ કાલે વધીને ૧૪૭૮.૩ થયા બાદ ફરી ઘટી ૧૪૭૦.૧ ડૉલર પ્રતિ ઔંસ છે. ન્યુ યૉર્ક કોમેક્સ વાયદો સામાન્ય ૦.૨૭ ટકા ઘટી ૧૪૭૦.૩૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદીના વાયદા ૦.૩૫ ટકા ઘટી ૧૭.૦૫૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

ભારતમાં ટ્રેડિંગ દરમિયાન સોનાના વૈશ્વિક ભાવ ઊંચા હતા અને ડૉલર સામે રૂપિયો પણ નબળો પડ્યો હોવાથી ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. હાજરમાં સોનું મુંબઈ ખાતે ૧૬૦ વધી ૩૯,૫૪૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૮૦ વધી ૩૯,૫૦૦ રૂપિયાની સપાટી પર હતું. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮,૨૨૦ ખૂલી ઉપરમાં ૩૮,૩૩૦ અને નીચામાં ૩૮,૧૨૩ રૂપિયા‍ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૪૯ વધીને ૩૮,૨૫૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૯૧ વધીને ૮ ગ્રામદીઠ ૩૦,૭૦૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૯૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦ વધીને બંધમાં ૩૮,૨૫૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુબઈ ચાંદી ૧૦૫ વધી ૪૬,૧૫૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૦૦ વધી ૪૬,૨૬૦ રૂપિયાની સપાટીએ હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪,૮૩૬ ખૂલી ઉપરમાં ૪૫,૦૧૮ અને નીચામાં ૪૪,૬૮૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩ વધીને ૪૪,૮૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૭ વધીને ૪૪,૮૭૯ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૪ વધીને ૪૪,૮૭૫ રૂપિયા બંધ રહ્યા હતા.

આજે બજારની નજર ફેડરલ રિઝર્વની છેલ્લી મીટિંગની વિગતો અને મિનિટસ જાહેર થાય એના ઉપર છે. આના આધારે જો વ્યાજદર ઘટવા અંગે કોઈ નિર્દેશ મળે તો બજારમાં ભાવ વધી શકે છે. અગાઉની આવી મિનિટસ બાદ સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી એટલે અત્યારે પણ બજારની નજર એના ઉપર છે.

અમેરિકા અને ચીન વચ્ચે અત્યારે ટ્રેડ-વૉર અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એક તરફ બન્ને પક્ષ પ્રથમ સમજૂતીની વાત કરી રહ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વધારાના ટૅરિફ લાદવાનું નિવેદન કરી રહ્યા છે. જો કોઈ સમજૂતી થાય નહીં તો નવા ટૅરિફ ચોક્કસ આવશે એવી બજારની ધારણા છે. ચીન બીજી તરફ વર્તમાન બધા ટૅરિફ હટે એવી માગણી કરી રહ્યું છે.

રૂપિયો નબળો પડ્યો

વૈશ્વિક બજારમાં ડૉલર મજબૂત હતો અને એશિયાઈ ચલણો નબળાં હોવાથી ભારતીય રૂપિયો પણ ડૉલર સામે ૭૧.૮૦ની નબળી સપાટીએ ખુલ્યો હતો અને વધુ ઘટી ૭૧.૯૨ થયો હતો. આ પછી શૅરબજારમાં જોવા મળેલી તેજી અને વિદેશી સંસ્થાઓની ખરીદીના કારણે એમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. દિવસના અંતે રૂપિયો ડૉલર સામે ૧૦ પૈસા ઘટી ૭૧.૮૧ની સપાટીએ બંધ આવ્યો હતો.

business news