વૈશ્વિક ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં આયાત ટેરિફ વૅલ્યુમાં ૧૦૦ ડૉલરનો વધારો

18 September, 2021 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારે ટેરિફ વૅલ્યુ ત્રણ પખવાડિયાં સ્ટેબલ રાખ્યા બાદ હવે એકસાથે વધારો કર્યો

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ત્રણ પખવાડિયા સુધી ખાદ્યતેલની આયાત માટેની ટેરિફ વૅલ્યુના દર સ્થિર રાખ્યા બાદ હવે ચાલુ પખવાડિયા માટે તેના ૧૦૦ ડૉલરનો વધારો કરી દીધો છે. છેલ્લા એક-દોઢ મહિના દરમ્યાન વૈશ્વિક ખાદ્યતેલના ભાવમાં તેજીને પગલે સરકારે આ પગલું લીધું છે. આમ તાજેતરમાં સરકારે આયાત ડ્યૂટી ઘટાડી હતી, પરંતુ હવે ટેરિફ વૅલ્યુમાં વધારો કરી દીધો છે.

કેન્દ્રીય કસ્ટમ વિભાગના નોટિફિકેશન મુજબ ક્રૂડ પામતેલની ટેરિફ વૅલ્યુમાં પ્રતિ ટન ૧૦૧ ડૉલરનો વધારો કરીને ૧૧૩૦ ડૉલર પ્રતિ ટન કરી છે, જેને પગલે અસકારક ડ્યૂટી ૨૦૬૮૧.૯૭ રૂપિયા પ્રતિ ટનની થઈ છે. સરકારે રિફાઇન્ડ પામતેલની ટેરિફ વૅલ્યુમાં ૯૮ ડૉલરનો વધારો કર્યો છે.

કેન્દ્ર સરકારે ક્રૂડ પામોલિન અને રિફાઇન્ડ પામોલિનની ટેરિફ વૅલ્યુમાં ૯૯ ડૉલરનો પ્રતિ ટન વધારો કર્યો છે. ક્રૂડ પામોલિનની નવી ટેરિફ ૧૧૬૦ ડૉલર પ્રતિ ટન છે.

સરકારે સોયાતેલની ટેરિફ વૅલ્યુમાં ૧૦૦ ડૉલરનો વધારો કરીને ૧૩૨૮ ડૉલર પ્રતિ ટન કરી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ડ્યૂટીમાં અનેકવાર ફેરફાર કર્યા બાદ ટેરિફ વૅલ્યુ જાળવી રાખી હતી, પરંતુ હવે ડ્યૂટી ઘટી ગયા બાદ તેની ટેરિફમાં ફરી ફેરફાર કરવાની શરૂઆત કરી છે.

business news