જીડીપી ૨૦૧૯-૨૦ : કોરોનાના લૉકડાઉન પહેલાં જ દેશમાં મંદીનું આગમન

01 June, 2020 01:48 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

જીડીપી ૨૦૧૯-૨૦ : કોરોનાના લૉકડાઉન પહેલાં જ દેશમાં મંદીનું આગમન

GDP

જીડીપીના જાહેર આંકડામાં માર્ચ ક્વૉર્ટરની ખોટ સમગ્ર વર્ષમાં વહેંચી? કેન્દ્રની કંગાળ નાણાકીય સ્થિતિ અને અપૂરતાં પગલાંના કારણે લૉકડાઉન ભલે ખૂલે માગ પ્રોત્સાહનના અભાવે વૃદ્ધિ કપરી બનશે

દેશના આર્થિક વિકાસ દરના આંકડાઓ શુક્રવારે સાંજે જાહેર થયા છે. જાન્યુઆરીથી માર્ચના ક્વૉર્ટરમાં (નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટરમાં) દેશનો જીડીપી વૃદ્ધિદર ૪૦ ક્વૉર્ટરના નીચા સ્તરે અને સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ની ૪.૨ ટકાની જીડીપી વૃદ્ધિ ૧૧ વર્ષમાં સૌથી નીચી છે.
જીડીપીના આંકડા દર્શાવે છે કે ભારતમાં આર્થિક રીતે મંદી કોરોના વાઇરસ પહેલાં જ આવી ગઈ હતી. કેન્દ્ર સરકારે દેશને મંદીમાંથી કે ધીમા પડી રહેલા અર્થતંત્રને બેઠું કરવા માટે ૨૦૧૯માં શ્રેણીબંધ પગલાં લીધાં હતાં. વર્ષ ૨૦૧૯માં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ કુલ પાંચ વખત  એમ ૧.૩૫ ટકા વ્યાજનો દર પણ ઘટાડ્યો હતો. આમ છતાં અર્થતંત્ર મંદ પડી રહ્યું હતું.
હવે કોરોના વાઇરસ, તેનો વ્યાપ અટકાવવા લૉકડાઉન જેવી મોટી ઘટના અર્થતંત્ર સામે પડકાર તરીકે ઊભી છે. આ પડકારથી એક જ ઝાટકે આજે ૬૮ દિવસથી બજારમાં માગ અને પુરવઠો અટકી ગયા છે. હજુ પણ વાઇરસની અસર વધારે છે, જ્યાં દરદીઓ વધારે છે ત્યાં કડક નિયંત્રણ અમલમાં છે. આટલી મોટી આફતથી અર્થતંત્ર ઉપર વિશાળ અસર થવાની છે. આ વખતે જીડીપીનો દર એ માત્ર આંકડો નથી પણ રોજગારી, મૂડીરોકાણ, ભારત કેટલી ઝડપથી ફરી બેઠું થઈ શકે છે તેનો પણ સવાલ છે.
શુક્રવારના આંકડાઓ માત્ર દેશની નાજુક આર્થિક પરિસ્થિતિ નહીં પણ કેન્દ્રની એકદમ નબળી નાણાકીય હાલત પણ છતી કરે છે. એવું પણ પુરવાર કરે છે કે અર્થતંત્ર ઉપર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને રિઝર્વ બૅન્કની પકડ ઢીલી પડી ગઈ છે. તો હવે શું થશે?
આંકડાકીય ફેરફાર કર્યા, નહીંતર માર્ચમાં જીડીપી વૃદ્ધિ માત્ર ૧.૨ ટકા
જાન્યુઆરીથી માર્ચના ક્વૉર્ટરમાં (નાણાકીય વર્ષના ચોથા કવૉર્ટરમાં) દેશનો જીડીપી વૃદ્ધિદર ૪૦ ક્વૉર્ટરના નીચા સ્તરે અને સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ની ૪.૨ ટકાની જીડીપી વૃદ્ધિ ૧૧ વર્ષમાં સૌથી નીચી છે.
જાહેર થયેલા આંકડા એક રમત છે?
સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઑફિસે જે આંકડા જાહેર કર્યા છે તેમાં થોડી રમત કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે ચોથા ક્વૉર્ટરમાં આર્થિક વિકાસ દર ૩.૧ ટકા રહ્યો છે. સાથેસાથે આગળના ત્રણેય ક્વૉર્ટરનો આર્થિક વૃદ્ધિનો દર પણ ઘટાડે છે. આ બે ચીજ પુરવાર કરે છે – એક, આર્થિક વૃદ્ધિ સમગ્ર વર્ષમાં બહુ કંગાળ રહી અથવા બીજું, માર્ચ ક્વૉર્ટરનું કોરોના વાઇરસના લૉકડાઉનનું નુકસાન સમગ્ર વર્ષમાં વહેંચી દેવામાં આવ્યું છે!
સરકારે પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલથી જૂન ૨૦૧૯)નો વૃદ્ધિદર અગાઉના ૫.૬ ટકા સામે હવે ઘટાડી ૫.૨ ટકા કર્યો છે. બીજા ક્વૉર્ટરમાં વૃદ્ધિદર ૫.૧ ટકા સામે ઘટાડી ૪.૪ ટકા અને ત્રીજા ક્વૉર્ટરમાં ૪.૭ ટકા સામે ૩.૧ ટકા કર્યો છે. એવું તો નથી થયું ને કે માર્ચમાં આર્થિક નુકસાન થયું તે અગાઉના ત્રણ કૉવાર્ટરમાં વહેંચી દેવામાં આવ્યું હોય?
જો અગાઉના ક્વૉર્ટરનો આર્થિક વૃદ્ધિદર ફેબ્રુઆરીના અંદાજો અનુસાર સ્થિર જ રાખીએ તો ચોથા ક્વૉર્ટરની વૃદ્ધિ માત્ર ૧.૨ ટકા જ રહ્યો હોઈ શકે એમ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગ્રુપ ચીફ ઇકૉનૉમિક એડવાઇઝર સૌમ્ય કાંતિ ઘોષ પોતાના ઇકોરેપ રિપોર્ટમાં જણાવે છે.  સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે અગાઉના ક્વૉર્ટરમાં જીડીપી વૃદ્ધિમાં ફેરફાર કર્યા છે અને તે એક કોયડારૂપ છે. ડેટાની વિશ્વસનિયતા ઉપર પણ સવાલ ઊભા કરે છે. સતત ફેરફાર અંગે જે નવી મેથડ અપનાવવામાં આવી છે તે અંગે એક સ્પષ્ટતા કરતી નોટ બહાર પડવી જોઈએ, એમ સૌમ્ય કાંતિ ઘોષ પોતના ઇકોરેપ રિપોર્ટમાં જણાવે છે.
તા.૨૮ ફેબ્રુઆરીએ જાહેર થયેલા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના આંકડાઓ અને તા.૨૯ મે વચ્ચેના આંકડાઓમાં મોટો તફાવત છે. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં દેશનો કુલ જીડીપી (૨૦૧૧-૧૨ના ભાવે) ૧૪૬,૮૩,૮૩૫ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો જે હવે ઘટીને ૧૪૫,૬૫,૯૫૧ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે સમગ્ર વર્ષમાં ૧,૧૭,૮૮૪ કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
 ‘સમગ્ર વર્ષમાં જીડીપીની વૃદ્ધિ ૧,૧૭,૮૮૪ કરોડ રૂપિયા ઘટી તે શક્ય છે કે સમગ્ર વર્ષમાં વહેંચી દેવામાં આવી હોય. ચોથા ક્વૉર્ટરનો હિસ્સો કુલ ઘટાડામાં માત્ર ૫૦ ટકા જ છે’ એમ ઘોષ ઉમેરે છે.
કેન્દ્રની ખાધ ૨૦૧૯-૨૦માં વધી
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ જુલાઈ ૨૦૧૯માં રજૂ થયેલું અને તેમાં અંદાજ રાખેલો કે દેશની નાણાખાધ ૩.૩ ટકા રહેશે, ફેબ્રુઆરી ૨૦૨૦માં નવા વર્ષના બજેટ સમયે તે અંદાજ વધારે ૩.૮ ટકા કરવામાં આવ્યો હતો. સમગ્ર વર્ષ દરમ્યાન નાણાપ્રધાને સતત જણાવ્યું હતું કે ખાધ વધશે નહીં. હવે ૨૦૧૯-૨૦ના ખાધના આંકડા જાહેર થયા છે તે જીડીપીના ૪.૫૯ ટકા છે. એટલે કે પ્રથમ અંદાજથી ૧.૩ ટકા અને સુધારેલા અંદાજથી ૦.૯૦ ટકા વધુ!
માગ, રોકાણ નહીં વધે તો
૨૦૨૦-૨૧ પણ ધોવાઈ જશે
કેન્દ્ર સરકારની અત્યાર સુધીની જાહેરાતો કે આત્મનિર્ભર પૅકેજ ઉત્પાદન વધારવા માટે છે. ઉત્પાદન કે વેચાણ કરતા લોકોની નાણાપ્રવાહિતામાં ઉમેરો થાય, તેમને ધંધો કરવો, મૅન્યુફૅક્ચરિંગ કરવું, મૂડી લાવવી વગેરે બાબતો સરળ કરે છે. આજે નહીં તો ભવિષ્યમાં એટલે કે જે પગલાંઓ લેવાયાં છે તે પુરવઠા ઉપર ધ્યાન રાખે છે. કેન્દ્ર સરકારની સમજ – આજે અને અગાઉ ૨૦૧૯માં પણ – સપ્લાય સાઈડ તરફ નમેલી છે.
એ વાત ઉપર ધ્યાન જ નથી કે માગ ક્યાંથી આવશે? સપ્લાય સાઈડ પગલાંથી જ્યારે નવું રોકાણ આવે, નવો મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ લાગે તો તેને લગતી માગ વધી શકે છે, પણ કોરોના વાઇરસના કારણે ૬૯ દિવસના લૉકડાઉનથી બજારો બંધ છે, ઉત્પાદન બંધ છે, વેચાણ બંધ છે અને તેના કારણે લોકોને આવક (ખરીદશક્તિ) ઉપર જે ફટકો પડ્યો છે તેના ઉપર કોઈ પગલાં લેવાયાં નથી. લૉકડાઉન ખૂલવાથી થોડો સમય બજારમાં ચહલપહલ જોવા મળશે, પણ નાણાંના અભાવે, ખરીદશક્તિના અભાવે કેટલા અંશે જૂની ખરીદી પરત આવશે તે કહેવું મુશ્કેલ છે.
ઊંચી નાણાખાધ એ સમયે કે જ્યારે દેશમાં ખાનગી મૂડીરોકાણ ઘટી રહ્યું હોય (દાયકામાં સૌથી નીચે), ગ્રાહકોનો વપરાશ ઘટી રહ્યો હોય (સાત વર્ષમાં સૌથી નીચે) ત્યારે સરકાર અને જાહેર સાહસોનું રોકાણ જ અર્થતંત્રને ઊંચું લાવી શકે છે. કેન્દ્ર પાસે પૈસા નથી અને જે ખર્ચની જાહેરાતો બજેટમાં અને આત્મનિર્ભર પૅકેજમાં કરવામાં આવી છે તે અપૂરતી છે. આ સ્થિતિમાં લૉકડાઉનની અસરથી નવા નાણાકીય વર્ષના પ્રથમ બે ક્વૉર્ટરનો ધોવાઈ જશે, નેગેટિવ ગ્રોથ થશે પણ બાકીના ક્વૉર્ટરમાં પણ વિકાસ દર એકદમ નબળો જ રહેશે.

business news