રોજની 449 કરોડ રૂપિયાની કમાણી : મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા ગૌતમ અદાણી

21 November, 2020 11:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રોજની 449 કરોડ રૂપિયાની કમાણી : મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા ગૌતમ અદાણી

ગૌતમ અદાણી

અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ આ વર્ષે પણ દેશના ધનિકો વચ્ચે સંપત્તિમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે ત્યાં સુધી કે તેમણે એશિયાની સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અનિલ અંબાણીને પણ આ મામલે પાછળ છોડી દીધા છે.

બ્લૂમબર્ગ બિલ્યોનેર ઇન્ડેક્સના જણાવ્યા મુજબ ગૌતમ અદાણીની નેટવર્થમાં આ વર્ષે ૧૯.૧ અબજ ડૉલર (૧,૪૧૬.૪૧ અબજ રૂપિયા)ની વૃદ્ધિ થઈ છે, જે પ્રતિદિન ૪૪૯ કરોડ રૂપિયાની વૃદ્ધિ સૂચિત કરે છે, આની સામે મુકેશ અંબાણીની નેટવર્થમાં અત્યાર સુધીમાં ૧૬.૪ અબજ ડૉલર (૧,૨૧૬.૧૯ અબજ રૂપિયા)ની વૃદ્ધિ થઈ છે.

સંપત્તિના સૃજનમાં સ્ટીવ બાલ્મર, લેરી પેજ અને બિલ ગેટ્સ પછી ગૌતમ અદાણી વિશ્વના ધનિકોમાં નવમા ક્રમે આવે છે.

ચાલુ વર્ષમાં સંપત્તિમાં ૩૦.૪ અબજ ડૉલર (અંદાજે ૨૨૫૪.૪૦ અબજ રૂપિયા)ની વૃદ્ધિ સાથે અદાણી વિશ્વમાં ૪૦મા ક્રમે આવ્યા છે.

દરમ્યાન ચાલુ વર્ષે ૧૬.૪ અબજ ડૉલર (૧૨૧૬.૧૯ અબજ રૂપિયા)ની વૃદ્ધિ સાથે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૭૫ અબજ ડૉલર (અંદાજે ૫૫૬૧.૮૪ અબજ રૂપિયા)ની રહી છે. આ સાથે મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલ્યોનેર ઇન્ડેક્સની યાદીમાં દસમું સ્થાન પામ્યા છે.

અદાણીની નેટવર્થમાં થયેલી વૃદ્ધિ અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ગૅસ અને અદાણી ટ્રાન્સમિશનના શૅર્સની કિંમતમાં થયેલી વૃદ્ધિ કારણભૂત છે. ૧૯૮૮માં ૩૨ વર્ષની વયે કૉમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરનાર ગૌતમ અદાણી હવે પોર્ટ, એરપોર્ટ, એનર્જી રિસોર્સિસ, લોજિસ્ટિક્સ, એગ્રીબિઝનેસ, રિયલ એસ્ટેટ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ, ગૅસ ડિસ્ટ્રિબ્યુશન અને ડિફેન્સ બિઝનેસ જેવા ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓના માલિક છે.

business news mukesh ambani reliance