08 June, 2023 11:52 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
તમે શૅરબજારમાં રોકાણ કરો, એટલે કે જે શૅરમાં રોકાણ કરો એના ભાવ તમને રોજ અને સતત જોવા મળે છે. હાથમાં રહેલા મોબાઇલમાં પણ તમે જોઈ શકો છો. એના ભાવ વધ્યા કે ઘટ્યા બધું જ જોઈ શકાય છે, પરંતુ આ જ બાબત મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં રોકાણ કર્યા બાદ જાણવી હોય તો? રોજ જોઈ શકાય? જાણી શકાય? ક્યાંથી? મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં શૅરને બદલે યુનિટ હોય છે અને ભાવને બદલે નાવ (નેટ ઍસેટ વૅલ્યુ) હોય છે. ઇન શૉર્ટ, તમારી મ્યુચ્યુઅલ ફન્ડની યોજના કેવી કામગીરી કરી રહી છે એનું નિરીક્ષણ કરવું અને જાણવું મહત્ત્વનું ગણાય.
રોજેરોજની નાવ
એક હકીકત સમજી લેવી જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફન્ડના કેસમાં રોજેરોજ નાવને જાણવું જરૂરી હોતું નથી અને એના પર ધ્યાન પણ આપવું જોઈએ નહીં, કારણ કે ફન્ડમાં કરાયેલું રોકાણ લાંબા ગાળાનું હોય છે, એમાં રોજેરોજ શૅરની જેમ વધઘટ પણ થતી નથી, એમ છતાં ફન્ડ એની દરેક યોજનાની નાવ રોજેરોજ (વર્કિંગ ડે ) જાહેર કરે છે, જેને ફન્ડની વેબસાઇટ કે એની ઍપ પર જોઈ શકાય છે. અમુક મ્યુચ્યુઅલ ફન્ડ સંબંધિત વેબસાઇટ પર પણ એ જોવા મળે છે. આમ તો તમારો મ્યુચ્યુઅલ ફન્ડ ડિસ્ટ્રિબ્યુટર એજન્ટ પણ તમને આ માહિતી પૂરી પાડી શકે છે. જોકે અગાઉ કહ્યું એમ એને રોજ જોવાનો ખાસ અર્થ હોતો નથી. હા, આ નાવની વધઘટથી તમને યોજનાની કામગીરીનો ખ્યાલ મળી શકે છે. યોજનાની નાવ માર્કેટની કામગીરીના આધારે વધઘટ પામે છે અથવા એનું પ્રતિબિંબ પાડે છે.
ભૂતકાળની કામગીરીનું માપદંડ
આમ તો ફન્ડની કે યોજનાની ભૂતકાળની કામગીરી એ ભાવિ માટેની ખાતરી હોતી નથી, પરંતુ એને એક પૅરામીટર તરીકે જોઈ શકાય. એના પરથી અંદાજ મેળવી શકાય. એને માત્ર એ જ સ્વરૂપે જોવાને બદલે એ સમયે એની કામગીરી સામે માર્કેટની અને બેન્ચમાર્ક ઇન્ડેક્સની કામગીરી કેવી હતી એ જોઈને એની સાથે પણ તુલના થવી જોઈએ. જોકે લાર્જ કૅપ ફન્ડની કામગીરી ચકાસતા હોઈએ તો એની તુલના સ્મૉલ કે મિડ કૅપ ફન્ડ સાથે થવી ન જોઈએ, એની સરખામણી અન્ય લાર્જ કૅપ ફન્ડ સાથે જ થવી જોઈએ અને લાર્જ કૅપ સ્ટૉક્સમાં એ સમયે કેવી વધઘટ થઈ હતી એનો અભ્યાસ થવો જોઈએ. આ જ રીતે ઇક્વિટી એક ઍસેટ કલાસ છે, જેની તુલના ગોલ્ડ કે એફડી સાથે પણ ન થાય. ખાસ કરીને ઇક્વિટીલક્ષી યોજનાનો આધાર ઇક્વિટી માર્કેટની વધઘટ પર રહેતો હોય છે, જે-તે સમયમાં ઇક્વિટી શૅરોમાં માર્કેટમાં કેવી અને કેટલી વધઘટ થઈ છે એના આધારે ઇક્વિટી સ્કીમમાં રહેલો પોર્ટફોલિયો પર્ફોર્મ કરે છે.
કામગીરીની સરખામણી
આ બાબતને એક દાખલા સ્વરૂપે જોઈએ તો સરળતાથી સમજાશે. જો તમે નિફટી-૫૦ને લાર્જ કૅપ ફન્ડ તરીકે જુઓ છો અને એને આધારે મ્યુચ્યુઅલ ફન્ડના લાર્જ કૅપ ફન્ડમાં રોકાણ કર્યું છે અને તમારા એ ફન્ડે ૧૨ ટકાનું વળતર આપ્યું હશે અને નિફટી-૫૦એ ૧૦ ટકા વળતર આપ્યું હશે તો તમારા ફન્ડે નિફટી-૫૦ કરતાં બહેતર કામગીરી બજાવી કહી શકાય અને જો તમારા ફન્ડે સાત ટકા વળતર આપ્યું હશે તો નિફટી-૫૦ કરતાં નબળી કામગીરી બજાવી ગણાય. આ જ રીતે તમે જે સ્કીમમાં રોકાણ કર્યું છે એવી જ બીજા ફન્ડની સ્કીમ પણ છે અને એ સ્કીમ તમારી સ્કીમ સામે કેવું વળતર આપે છે એની સરખામણી પણ થઈ શકે, એનાં કારણ સમજવાં જોઈએ. આમાં એક-એક વરસની તુલના કરતાં લાંબા ગાળાની તુલના થાય તો બહેતર અને વાજબી ગણાય. અર્થાત્ સરેરાશ વળતર કેટલું છૂટે છે એ જોવું જોઈએ. મ્યુચ્યુઅલ ફન્ડની કામગીરીનું સાતત્ય જળવાય એ પણ મહત્ત્વનું છે. યાદ રહે, બેન્ચમાર્ક કરતાં ફન્ડની કામગીરી બહેતર હોવામાં સાર છે.
સવાલ તમારા…
ફન્ડ મૅનેજરની કુશળતા કઈ રીતે માપી કે જાણી શકાય?
એ તો માત્ર અને માત્ર ફન્ડની કામગીરી જ બોલે છે. ફન્ડ મૅનેજર બજારના કેવા સંજોગો વચ્ચે કેવું વળતર અપાવે છે, એમાં કેટલી કન્સિસ્ટન્સી જોવા મળે છે, ખરાબ અથવા ચંચળ બજારમાં ફન્ડ મૅનેજર કેવી કામગીરી બજાવે છે અને લૉસથી દૂર રાખે છે કે વાજબી વળતર અપાવે છે વગેરે જેવાં પરિબળો જોવાં જોઈએ. ફન્ડ મૅનેજર બદલાતા રહે એ પણ સારું ગણાય નહીં. કામગીરી ફન્ડ મૅનેજરની કુશળતા-એક્સપર્ટાઇઝના પુરાવા સમાન કહી શકાય.