ડી-ઑઇલ્ડ રાઇસ બ્રાન પર પાંચ ટકા જીએસટી લાગુ પડશે

01 July, 2022 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સી’એ જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને મહત્ત્વનું આવકારદાયક પગલું ગણાવ્યું

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી જીએસટી કાઉન્સિલની ચાલુ સપ્તાહે મળેલી બેઠકમાં કાઉન્સિલે ડી-ઑઇલ રાઇસ બ્રાન પર પણ પાંચ ટકા જીએસટી લાદવાની જાહેરાત કરવામાં આવી છે, જેને તેલીબિયાં સંગઠનો દ્વારા આવકારવામાં આવ્યો છે.

‘સી’ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી. વી. મહેતાએ જણાવ્યું હતું કે અમને જણાવતાં આનંદ થાય છે કે ચંડીગઢ ખાતે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ડી-ઑઇલ્ડ રાઇસ બ્રાન પર પાંચ ટકા જીએસટી લાદવા માટે નાણાં મંત્રાલયને વિચારણા અને ભલામણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, આ એક આવકારદાયક પગલું છે અને આનાથી રાઇસ બ્રાનનું સીધું પશુઆહારમાં ડાયવર્ઝનને નિરુત્સાહિત કરશે. દેશમાં રાઇસ બ્રાન ઑઇલનું ઉત્પાદન કરવા માટે રાઇસ બ્રાનની ઉચ્ચ પ્રોસેસિંગ શ્રમતાને પ્રોત્સાહન મળશે, જેથી ખાદ્ય તેલની આયાત પરની આપણી નિર્ભરતા ઓછી થઈ શકે તેમ જ આ માળખાને સરળ બનાવશે, ડાયવર્ઝન અને અન્યાયી વેપાર પ્રથાને અટકાવશે અને વેપાર કરવામાં સરળતા રહેશે.

ડી-ઑઇલ રાઇસ બ્રાન એટલે કે ચોખા-ડાંગરમાંથી બનતા ભૂસું કે ખોળ જેનો મોટા પાયે પશુઆહારમાં પણ ઉપયોગ થાય છે, જેના પર પાંચ ટકા જીએસટી લાગવાથી એના વપરાશ પર અસર પહોંચી શકે છે.

business news