ફૂડ ડિલિવરી ઍપ્સે ચૂકવવો પડશે પાંચ ટકા જીએસટી

18 September, 2021 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટી કાઉન્સિલે કોવિડ માટેની દવાઓ પરની કરની રાહત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી

નાણાપ્રધાન નિર્મલા સીતારમ

જીએસટી કાઉન્સિલે શુક્રવારે ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ જેવા કે સ્વિગી અને ઝોમૅટો પર ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેણે કોવિડ-19 માટે વપરાતી અમુક દવાઓ પરનો રાહતનો દર ૩૧ ડિસેમ્બર સુધી લંબાવ્યો છે.

કાઉન્સિલે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાંથી બહાર રાખવાનું નક્કી કર્યું છે.

કાઉન્સિલ દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઝોલ્જેન્સમા અને વિલ્ટેપ્સો જેવી મસ્ક્યુલર એટ્રોફીમાં વપરાતી દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ દવાની કિંમત કરોડો રૂપિયા છે.

તેણે અમુક કોવિડ સંબંધિત દવાઓ પરનો રાહતનો જીએસટી દરનો સમયગાળો ૩૧ ડિસેમ્બર સુધી વધાર્યો છે. જોકે મેડિકલ સાધનોને આ લાભ નહીં ​​આપવાનો નિર્ણય કર્યો છે.

સીતારમણે કહ્યું હતું કે સ્વિગી અને ઝોમૅટો દ્વારા ડિલિવરી કરવામાં આવે તે સ્થળે પાંચ ટકા જીએસટી લાગશે.

આ ઉપરાંત કાઉન્સિલે કૅન્સર સંબંધિત દવાઓ પરનો દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા અને ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ્સ પરનો દર ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે.

ડીઝલમાં મિશ્રણ માટેના બાયો-ડીઝલ પરનો જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે, જ્યારે માલસામાનના વહન માટેની રાષ્ટ્રીય પરમિટ ફીને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે લીઝ્ડ વિમાનોની આયાતને આઇ-જીએસટીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

પૅનલે તમામ પ્રકારની પેન પર ૧૮ ટકા જીએસટી લગાવવાનો નિર્ણય કર્યો છે. જીએસટી કાઉન્સિલે ૧ જાન્યુઆરીથી પગરખાં અને કાપડ પરના નવા દરની પણ ભલામણ કરી છે.

business news