ફ્લોર મિલોએ કેન્દ્ર સરકારને ઘઉંનું વેચાણ શરૂ કરવા રજૂઆત કરી

05 August, 2022 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉંનું વેચાણ કરશે તો ભાવ ઘટશે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ઘઉંના ભાવમાં તેજીને પગલે ફ્લોર મિલો પરેશાન બની ગઈ છે. દેશમાં ઘઉંની આવકો છેલ્લા એક પખવાડિયાથી સાવ ઘટી ગઈ હોવાથી ફ્લોર મિલોને ઘઉં મેળવવા મુશ્કેલ બની ગયા હોવાથી મિલોએ સરકાર પાસે ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉંનું વેચાણ કરવાની માગણી કરી છે.

અમે ભૂતકાળમાં ભાવમાં આટલો વધારો જોયો નથી. સરકાર પાસે વધતી કિંમતોને અંકુશમાં રાખવાનો એકમાત્ર રસ્તો ઓપન માર્કેટ સેલ સ્કીમની જાહેરાત કરવાનો છે, જેનાથી ઘઉંનો સંગ્રહ કરનારાઓને બજારમાં આવવાની ફરજ પડશે એમ ઉત્તર ભારતના ફ્લોર મિલધારક સંજય પુરીએ જણાવ્યું હતું.

દેશભરના મિલરોએ જણાવ્યું છે કે છેલ્લાં બે અઠવાડિયાંમાં ભાવમાં તીવ્ર વધારો થયો છે. છેલ્લા ૧૦-૧૫ દિવસમાં મુંબઈમાં મિલિંગ ઘઉંનો ભાવ ૨૫૦થી ૩૦૦ વધીને ૨૬૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સપાટીએ પહોંચી ગયો છે.

ઉત્તર ભારતના ઘઉંના નિકાસકાર સંજય જૈન પહરિયાએ જણાવ્યું હતું કે કંડલા ખાતે ઘઉંના ભાવ ૨૦૦ વધીને ૨૫૦૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની ખરીદી ૩૧ જુલાઈએ ૫૬ ટકા ઘટીને ૧૮૭.૯૦ લાખ ટન ઘઉંની ચાલુ રવી માર્કેટિંગ સીઝનમાં થઈ છે, જે અગાઉના વર્ષમાં ૪૩૩.૪ લાખ ટન હતી, કારણ કે તીવ્ર ગરમીના મોજાના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જોકે સરકારે કહ્યું છે કે દેશમાં સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતો સ્ટૉક છે. સરકારી સ્ટૉક અને વેપારના અંદાજો વિશેના આંકડાઓ વચ્ચે એક વિશાળ જોડાણ છે. ખુલ્લા બજારમાં ઘઉંની ઉપલબ્ધતા દિવસે-દિવસે ઘટી રહી છે. અછતને કારણે ગુણવત્તાયુક્ત ઘઉંની મોટા પાયે ખરીદી કરવી મુશ્કેલ છે એમ શ્રી વનરાસ બેસન મિલના ડિરેક્ટર ધવલ મેઘપરાએ જણાવ્યું હતું.

મિલરો ચિંતિત હોવાનું બીજું કારણ એ છે કે નવા સ્થાનિક પાકના આગમનને હજી સાત મહિના બાકી છે. મુંબઈસ્થિત ફ્લોર મિલર અને નિકાસકાર અજય ગોયલે જણાવ્યું હતું કે આપણે જુલાઈમાં જે ભાવવધારો અને પુરવઠામાં ઘટાડો જોઈ રહ્યા છીએ એ ઑક્ટોબર-નવેમ્બર પછી થતો હતો જે આ વર્ષે વહેલો થઈ ગયો છે.

business news commodity market