જીડીપીમાં 10.5 ટકાથી 14.8 ટકા ઘટાડાની આગાહી

09 September, 2020 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીડીપીમાં 10.5 ટકાથી 14.8 ટકા ઘટાડાની આગાહી

જીડીપી

એપ્રિલથી જૂન ક્વૉર્ટરમાં દેશના ઇતિહાસમાં જીડીપીમાં સૌથી મોટો ઘટાડો ૨૩.૯ ટકા નોંધાયા પછી દેશના પ્રમુખ આર્થિક સલાહકાર એવા નિવેદન આપી રહ્યા હતા કે અંગ્રેજી અક્ષર વી જેવી રિકવરી ભારતમાં જોવા મળી રહી છે. રિઝર્વ બૅન્ક અને કેન્દ્ર સરકારનું નાણામંત્રાલય પણ માને છે કે ૨૦૨૦-૨૧માં ભારતનો આર્થિક વિકાસ વધશે નહીં પણ ઘટશે. ત્યારે અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચ અને વિશ્વના ટોચના રિસર્ચ હાઉસ ગોલ્ડમેન શાક્સનો અહેવાલ આવ્યો છે કે ભારતમાં અગાઉની ધારણા કરતાં વધારે તીવ્ર આર્થિક ઘટાડો જોવા મળશે.

ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચના મતે ભારતનો આર્થિક વિકાસ દર ૨૦૨૦-૨૧માં ૧૦.૫ ટકા જેટલો ઘટશે. અગાઉ ફિચનો અંદાજ પાંચ ટકા ઘટાડાનો હતો. આ તરફ, ગોલ્ડમૅન સાક્સ એવું માને છે કે દેશનો આર્થિક વિકાસ દર ૧૪.૮ ટકા જેટલો ઘટશે. બ્રિકસ ઇકૉનૉમી વિશ્વના આર્થિક વિકાસનો પાયો બનશે એવું રિસર્ચ કરનાર આ સંસ્થા અગાઉ દેશનો વૃદ્ધિ દર નેગેટિવ ૧૧.૮ ટકા રહેશે એવી ધારણા મૂકે છે.

ફિચ પોતાના અંદાજ સાથે જણાવે છે કે લૉકડાઉનના કારણે બંધ પડેલી પ્રવૃત્તિની કુટુંબની આવકો અને કૉર્પોરેટની બૅલૅન્સ-શીટ પર મોટો ફટકો પડ્યો હોવાનું બહાર આવી રહ્યું છે. બૅન્કિંગ અને નાણાકીય સેવાઓ ક્ષેત્ર સામે નબળી લોનનું પ્રમાણ વધે એવો પડકાર છે અને બૅન્કો પાસે મૂડીની સુરક્ષા ઘટી રહી છે. આ ઉપરાંત ફુગાવો વધી રહ્યો હોવાથી અસર વધારે જોવા મળી શકે છે.

વિશ્વના સૌથી કડક લૉકડાઉનના કારણે લગભગ ૬૫ દિવસ સુધી આવશ્યક ચીજો સિવાય બધી પ્રવૃત્તિ ભારતમાં બંધ રહી હતી. વાઇરસના ભારતના પ્રવેશના પાંચ મહિનામાં આજે વિશ્વમાં સૌથી વધુ કેસોવાળા દેશમાં ભારતનો બીજો ક્રમ આવે છે. દેશમાં હજી પણ કેટલીયે પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે અને સંખ્યાબંધ સ્થળોએ હજી પણ લૉકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે દેશનો આર્થિક વિકાસ અગાઉની ધારણા કરતાં પણ નબળો રહે એવી સ્થિતિ અર્થશાસ્ત્રીઓ આંકી રહ્યા છે.

ગોલ્ડમૅન સાક્સનો નવો અંદાજ ભારતમાં અર્થતંત્ર ૧૪.૮ ટકા જેટલો ઘટે એવી ધારણા મૂકી રહ્યું છે જે ભારત માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડાનો અંદાજ છે. ગોલ્ડમૅનના મતે બીજા ક્વૉર્ટરમાં વૃદ્ધિ દર ૧૩.૭ ટકા અને ત્રીજા ક્વૉર્ટરમાં ૯ ટકા ઘટે એવી શક્યતા છે એટલે કે ત્રીજા ક્વૉર્ટરમાં રિકવરી આવશે એવી આશાઓ પર પણ હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

business news