ઇન્ફ્લેશન હી ઇન્ફ્લેશન હૈ, સૉલ્યુશન કા પતા નહીં

20 June, 2022 02:36 PM IST  |  Mumbai | Jayesh Chitalia

વિકસિત દેશોમાં રિસેશનના ભયની અસરનાં કાળાં વાદળો માર્કેટ પર છવાઈ ગયાં છે, સારા સમાચારનાં એંધાણ નથી. ભારતીય પરિબળોમાં ચોમાસા પર થોડી આશા ઊભી છે, બાકી બધું ગ્લોબલ હવાલે છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

હવે શું લાગે છે? હજી કરેક્શન લાગે છે! માર્કેટની ચાલનો મહત્તમ આધાર ગ્લોબલ સંજોગો-સંકેતો પર છે. યુએસ ફેડરલ રિઝર્વે ૦.૭૫ ટકાનો (૭૫ બેસિસ પૉઇન્ટ-પોણા ટકા)નો વ્યાજવધારો કર્યો, હજી વધુ કરવાના સંકેત આપ્યા. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો અને સ્વિસ નૅશનલ બૅન્કે ૧૫ વરસમાં પહેલી વાર ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો. ભારતીય રિઝર્વ બૅન્કે હજી હાલમાં જ બે વાર મળીને ૯૦ બેસિસ પૉઇન્ટની વ્યાજવૃદ્ધિ કરી છે અને હજી થવાની શક્યતા દર્શાવી છે. મોંઘવારીનો દર (ઇન્ફ્લેશન રેટ) ઊંચો જવાથી, ગ્લોબલ સ્તરે રિસેશનની વાતો ચાલી રહી છે. ગ્રોથ રેટ મંદ પડી ગયો છે. મોટા ભાગના દેશો આર્થિક સંઘર્ષમાં છે ત્યારે શૅરબજાર ક્યાંથી ચાલે? આ સમય માર્કેટ માટે અને તેના ખેલાડીઓ માટે ભયનો-ચિંતાનો ગણાય, પરંતુ આ જ સમય બજારમાં પ્રવેશવા ઇચ્છતા અથવા પોતાનું એક્સપોઝર વધારવા માગતાં વર્ગ માટે તકનો ગણાય. કહે છે કે જ્યારે માર્કેટમાં બધા જ મંદીની વાતો અને આગાહી કરતા હોય ત્યારે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ એમાં પ્રવેશવાની તૈયારી કરે છે. માર્કેટ એના ટૉપ લેવલથી ૧૨,૦૦૦ પૉઇન્ટ જેટલું નીચે આવી ગયું છે. એથી જ હવે ધીમે-ધીમે સારા સ્ટૉક્સ જમા કરવાનો સમય બને છે, પરંતુ આડેધડ કે બેફામ નહીં, બલકે સિલેક્ટિવલી અને લાંબા ગાળા માટે. ટ્રેડર્સ માટે તો હજી વૉલેટિલિટીનો સમય ચાલુ રહેશે. 
કડાકા સાથે આરંભ
ગયા સોમવારે આપણે કરેલી ચર્ચા મુજબ યુએસનાં નેગેટિવ કારણો ભારતીય બજારને પણ પૉઝિટિવ થવા દેશે નહીંને સમર્થન આપતું હોય એમ સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટે વેચવાલીના આક્રમણ સાથે જોરદાર કડાકો દર્શાવ્યો હતો, જેમાં સેન્સેક્સ ૧૪૫૬ પૉઇન્ટ તૂટીને ૫૩,૦૦૦ની સપાટી અને નિફ્ટી ૪૨૭ પૉઇન્ટ તૂટીને ૧૬,૦૦૦ની સપાટીની નીચે ઊતરી ગયા હતા. સૌથી મોટું પરિબળ યુએસનું જ બન્યું હતું. એમાં વળી સતત મજબૂત બની રહેલો ડૉલર પણ ભારતમાં વેચાણ વધારવા ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)ને પ્રેરે છે. એક જ દિવસમાં માર્કેટ કૅપનું સાત લાખ કરોડ રૂપિયા જેટલું ધોવાણ થયું હતું. વૉલેટિલિટી સાથે સેન્સેક્સ અને નિફ્ટી સાધારણ નીચે બંધ રહ્યા હતા. બુધવારે માર્કેટ સતત વધઘટ કરતું ફ્લૅટ રહ્યું હતું. કોઈ ક્લૅરિટી માર્કેટ પાસે નહોતી. હા, એના કડાકા રોકાયા હોવાની બાબતને આશ્વાસન ગણી શકાય. સેન્સેક્સ ૧૫૨ પૉઇન્ટ અને નિફ્ટી ૪૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. 
માર્કેટને અમેરિકન આઘાત
બુધવારે રાતે યુએસ ફેડરલ તરફથી ધારણા મુજબ ૭૫ બેસિસ (પોણા ટકા)નો વ્યાજવધારો જાહેર થયાના અહેવાલ બહાર આવી ગયા હતા, બીજા દિવસે-ગુરુવારે માર્કેટ તૂટવાની ધારણા બની હતી, ૧૯૯૪ બાદની આ સૌથી મોટી વ્યાજવૃદ્ધિ હતી, ચાર દાયકાના સૌથી ઊંચા ઇન્ફ્લેશન સામે લડવા યુએસ માટે આ પગલું અનિવાર્ય હતું. જોકે ભારતીય માર્કેટ આશ્ચર્ય વચ્ચે પૉઝિટિવ ખૂલ્યા બાદ થોડી મિનિટોમાં જ નેગેટિવ થતું જઈ બપોરના બે સુધીમાં ૧૦૦૦ પૉઇન્ટ તૂટી ગયું. અંતમાં સેન્સેક્સ ૧૦૪૫ પૉઇન્ટ માઇનસ થઈ ૫૨,૦૦૦ના લેવલથી નીચે ઊતરી ગયો હતો અને નિફ્ટી ૩૩૧ પૉઇન્ટ માઇનસ સાથે ૧૫,૩૦૦ આસપાસ પહોંચી ગયો હતો. આ સાથે બન્ને બેન્ચમાર્ક ઇન્ડેક્સ બાવન સપ્તાહની નીચલી સપાટીએ આવી ગયા હતા. ઇન્ફ્લેશનની અસર સામે હાર્ડ ઍક્શનના આ પ્રત્યાઘાત હતા. હજી વધુ કડક ઍક્શનની ધારણા વચ્ચે ગભરાટ પણ હતો. વિકસિત દેશોમાં ઇન્ફ્લેશન સાથે રિસેશન ફેલાવાનો ભય વ્યાપી રહ્યો હોવાની અસર પણ જણાતી હતી. 
સેન્ટિમેન્ટ મંદીતરફી
શુક્રવારે સતત પાંચમા દિવસે બજાર નેગેટિવ મૂડ અને ટ્રેન્ડ સાથે આગળ વધ્યું, વ્યાજદરના વધુ વધારાનો ભય ગંભીર બનતો જાય છે. યુએસ ફેડ તરફથી જે થયું એનું પુનરાવર્તન ઊભું છે અને અહીં રિઝર્વ બૅન્ક પણ આ માર્ગે આગળ વધવાની શક્યતા માથે મંડાયેલી છે. બજાર મંદીના ઝોનમાં પ્રવેશી ગયું હોવાની વાતો ચર્ચાના ચકડોળે ચડી છે. સેન્સેક્સ ૧૩૫ પૉઇન્ટ ઘટીને ૫૧,૦૦૦ની આસપાસ અને નિફ્ટી ૬૭ પૉઇન્ટ માઇનસ થઈ ૧૫,૦૦૦ આસપાસ આવી ગયો છે. તેમ છતાં, માર્કેટ માટે હજી બૉટમ દૂર હોવાનું કહેવાય છે. હવે નીચા લેવલે પણ ખરીદી કરવાની ઉતાવળ કરાય નહીં એવાં મંતવ્યો ફરતાં થયાં છે, કારણ કે માર્કેટ નિરાશામાં ઊતરતું જાય છે અને સંજોગો સાથે સેન્ટિમેન્ટ કથળતું જાય છે. ડૉલરની મજબૂતી કે રૂપિયાની નબળાઈ માર્કેટને વધુ નબળું પાડી રહી છે. 
રીટેલ રોકાણકારોની પીછેહઠ
છેલ્લા ૧૮ મહિનામાં આશરે બે લાખ કરોડ રૂપિયાની ખરીદી કરનાર રીટેલ ઇન્વેસ્ટર્સ હવે માર્કેટના હાલ-હવાલ જોઈ અને અર્થતંત્રમાં ઇન્ફ્લેશનની દશા જોઈ ખરીદી ઘટાડવા લાગ્યા છે. માર્કેટ તરફથી વળતર નેગેટિવ જવા લાગતાં આ રોકાણકારોએ પીછેહઠ શરૂ કરી છે. એક વરસના નેગેટિવ રીટર્નને ધ્યાનમાં રાખી રીટેલ રોકાણકારો નેગેટિવ બન્યા છે. હજી વ્યાજવધારાની શક્યતા અને ફુગાવાના સંજોગોને ધ્યાનમાં લેતાં આ રોકાણકારો અત્યારે ડેટ સાધનો, સોના અને રિયલ એસ્ટેટ જેવાં સાધનો તરફ વળવા લાગ્યા છે. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે, જેમણે આ વરસમાં અત્યાર સુધીમાં બે લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તેમણે વેચાણ કરતાં ખરીદી વધુ કરી છે, જ્યારે કે એફઆઇઆઇ-એફપીઆઇ વેચતા રહ્યા છે તો પણ સંસ્થાકીય રોકાણકારોનો કરેક્શનમાં ખરીદીનો ઉત્સાહ અકબંધ રહ્યો છે. આ વર્ગ આગામી સમયમાં ડબલ ડિજિટ રિટર્નની અપેક્ષા રાખે છે. 

business news share market stock market inflation