ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું જોઈએ?

14 June, 2021 01:23 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

ક્રિપ્ટોકરન્સીનો સત્તાવાર રીતે તેનો ઉપયોગ થવા લાગશે ત્યારે અને મોટી સંખ્યામાં ડેવલપરો તેનો ઉપયોગ કરવા લાગશે અને તેમાં અનેક સુધારા-વધારા આવશે ત્યારે ક્રિપ્ટોકરન્સી મહત્ત્વપૂર્ણ બની શકશે

બિટકૉઈન

છેલ્લા થોડા સમયથી દેશના શહેરી યુવા વર્ગમાં ક્રિપ્ટોકરન્સીનું ઘેલું લાગ્યું છે. અધૂરામાં પૂરું આઇપીએલ દરમ્યાન ક્રિપ્ટોકરન્સીને લગતી અનેક જાહેરખબરોનો મારો ચાલ્યો હતો. એક સમયના ટેક્નૉલૉજીના ઉસ્તાદોની આ ઇતર પ્રવૃત્તિ આજે રોકાણનું સાધન બનવાની સંભાવના તરફ આગળ વધી રહી છે. ક્રિપ્ટોકરન્સીના ભાવમાં તાજેતરમાં જોરદાર ઉતાર-ચડાવ આવ્યા છે. આપણે પર્સનલ ફાઇનૅન્સની વાત કરતાં હોઈએ ત્યારે તેના તરફ દુર્લક્ષ કરી શકીએ નહીં. 

શું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું જોઈએ? એવો સવાલ યુવાનોના મનમાં જાગ્યો છે. અમુક એમાં રોકાણ પણ કરવા લાગ્યા છે અને અમુક એમાં રોકાણ કરવા માટે પોતાના પિતાની પરવાનગી માગી રહ્યા છે. 

૨૦૦૮ની વૈશ્વિક આર્થિક કટોકટી બાદ એક અજાણી વ્યક્તિએ બીટકૉઇન નામે પ્રથમ ક્રિપ્ટોકરન્સીની શરૂઆત કરી. કોઈ પણ બે વ્યક્તિઓ આપસમાં વ્યવહાર કરવા માટે તેનો ઉપયોગ કરી શકે એવી તેની રચના હતી. બીટકૉઇન ફક્ત ડિજિટલી બને છે અને તેના વ્યવહાર પણ ડિજિટલ હોય છે. ફરક એટલો જ છે કે તેને ચલણ તરીકે હજી માન્યતા મળી નથી. બીટકૉઇન પછી તો અનેક ક્રિપ્ટોકરન્સી બજારમાં આવી છે. તેમાં બીટકૉઇન પછી સૌથી વધુ લોકપ્રિય હોય તો એ ઇથીરિયમ છે. 

ક્રિપ્ટોકરન્સીની પાછળ ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નૉલૉજી નામનું તંત્ર કામ કરે છે. આ ટેક્નૉલૉજી હાલ બ્લોકચેન તરીકે પણ ઓળખાવાય છે. બ્લોકચેન ટેક્નૉલૉજીને અનેક દેશોની બૅન્કો સત્તાવાર રીતે વાપરવા લાગી છે, કારણ કે તેને લીધે નાણાકીય વ્યવહારો ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ જાય છે અને આ ટેક્નૉલૉજી સુરક્ષિત પણ છે. ક્રિપ્ટોકરન્સીની પાછળ પણ આ જ ટેક્નૉલૉજી કામ કરતી હોવાથી લોકોને એમ છે કે આગામી દિવસોમાં બ્લોકચેનના વ્યવહારોમાં ક્રિપ્ટોકરન્સી પણ કામે લાગશે. 

હવે પ્રશ્ન એ છે કે ક્રિપ્ટોકરન્સી ક્યારે મહત્ત્વપૂર્ણ બની કહેવાય?
જ્યારે ફક્ત ક્રિપ્ટોકરન્સીના ટ્રેડરો નહીં, તેના ડેવલપરો પણ તેનો બહોળા પ્રમાણમાં સ્વીકાર કરવા લાગશે ત્યારે, જ્યારે માત્ર આપસી નાણાકીય વ્યવહાર માટે કે સટ્ટા માટે નહીં, વ્યાપક પ્રમાણમાં અને સત્તાવાર રીતે તેનો ઉપયોગ થવા લાગશે ત્યારે અને મોટી સંખ્યામાં ડેવલપરો તેનો ઉપયોગ કરવા લાગશે અને તેમાં અનેક સુધારાઓ તેમ જ વધારાઓ આવશે ત્યારે ક્રિપ્ટોકરન્સી મહત્ત્વપૂર્ણ બની શકશે. 

આજની તારીખે મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં ઈથીરિયમ, કાર્ડાનો, પોલકાડોટ અને ચેનલિંકનો સમાવેશ થાય છે. તેઓ બ્લોકચેન ટેક્નૉલૉજીનો વ્યાપક ઉપયોગ થાય એ દિશામાં આગળ વધી રહી છે. એક સમયે ક્રિપ્ટોકરન્સીને સોનાનો વિકલ્પ બનવાની પણ તેના વપરાશકારોની મહત્ત્વાકાંક્ષા છે. 

ભારતીય તરીકે આપણે જાણવું રહ્યું કે આપણા દેશમાં તેને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે રિઝર્વ બૅન્કે ૨૦૧૮માં ક્રિપ્ટોકરન્સીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. સર્વોચ્ચ અદાલતે એ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. હાલ સરકાર ક્રિપ્ટોકરન્સી બાબતે એક ખરડો લાવવાની તૈયારી કરી રહી છે. તેમાં ક્રિપ્ટોકરન્સી વિશેનું ધોરણ સ્પષ્ટ કરવામાં આવશે. 

આવા સંજોગોમાં સામાન્ય રોકાણકારે શું કરવું?
જો સરકાર ભારતીયોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની પરવાનગી આપે તો ફક્ત અને ફક્ત વધુ જોખમ ખેડનારા તથા મૂડી ગુમાવવા તૈયાર હોય એવા રોકાણકારો એને પોતાના પોર્ટફોલિયોમાં સ્થાન આપી શકે છે. ક્રિપ્ટોકરન્સીમાં રોજના ધોરણે ટ્રેડિંગ કરવાને બદલે તેને અમુક વર્ષ સુધી રહેવા દેવાની ભલામણ કરી શકાય છે. સંપૂર્ણ પોર્ટફોલિયોમાં ક્રિપ્ટોકરન્સીનો હિસ્સો ત્રણ ટકાથી વધારે હોવો જોઈએ નહીં. ઇક્વિટી સ્ટૉક્સની જેમ ક્રિપ્ટોકરન્સીને પણ ઓછામાં ઓછાં ત્રણથી પાંચ વર્ષ સુધી રાખી મૂકવાની તૈયારી હોવી જોઈએ. 

અત્યારે તો ભારત સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. એ નિર્ણય આવે ત્યાર સુધી બ્લોકચેન ટેક્નૉલૉજીને અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કયા કયા ક્ષેત્રે થશે એ વાતને સમજવાનો પ્રયાસ કરો.

business news