રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:08 AM IST  |  Mumbai | Khyati Mashroo Vasani

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

ફાઈલ તસવીર

કોઈ પણ રોકાણમાં ઊંચું વળતર મેળવવું હોય તો ‘નીચા ભાવે ખરીદો અને ઊંચા ભાવે વેચો’ એ એક સાદો અને સરળ ઉપાય છે. આ પ્રકારે સોદા પાડવાની જેટલી વધારે તક તમે ઝડપી લો એટલું વધુ ધન કમાવાની સંભાવના ઊભી થાય છે.

પણ શું ઉપરની વાત એટલી આસાન છે ખરી? સેન્સેક્સ ઘટીને ગયા વર્ષે ૨૫ માર્ચે ૨૫,૬૩૮ની ઘણી નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે એ વાતને એક વર્ષ પૂરું થવા આડે થોડા દિવસો બાકી છે ત્યારે એ જ ઇન્ડેક્સ ૫૦,૦૦૦ કરતાં વધારે (આ લખાઈ રહ્યું છે ત્યારે)ની સપાટી પર પહોંચી ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તો સેન્સેક્સમાં કરેલું રોકાણ લગભગ બમણું થઈ ગયું કહેવાય. ઇક્વિટીની આ જ શક્તિ છે. એને ધીરજની શક્તિ પણ કહી શકાય. જે માણસે નીચા ભાવે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ખરીદી કરી અને અત્યાર સુધી ધીરજ રાખીને એ રોકાણ રહેવા દીધું એને આ લાભ મળ્યો એમ કહી શકાય.

આવામાં સવાલ એ થાય છે કે પોર્ટફોલિયોને ક્યારે પુનઃ સંતુલિત કરવો પડે અને કયા પ્રકારનું ઍસેટ ઍલોકેશન (વિવિધ અસ્કયામતોમાં કરાતી નાણાંની ફાળવણી) યોગ્ય કહેવાય?

પોર્ટફોલિયોમાં જ્યારે કોઈ ઍસેટ અન્યોની તુલનાએ ઓછું કે વધારે વળતર આપનારી પુરવાર થાય ત્યારે તેમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. વધારે વળતર મળે ત્યારે નફો અંકે કરી લેવાનો ફેરફાર પણ કરવો પડતો હોય છે. સ્ટૉક, બૉન્ડ કે અન્ય સાધનોમાં કરેલું રોકાણ સંતુલિત છે કે નહીં એ બાબત વર્ષમાં એક વખત ચકાસી લેવી જોઈએ. આ સમીક્ષા કરી લીધા પછી પોતે નિર્ધારિત કરેલા પ્રમાણમાં ઍસેટ હોય એવો સંતુલિત પોર્ટફોલિયો ફરી તૈયાર થવો જોઈએ.

બજારમાં ઘણી મંદી આવી ગઈ હોય ત્યારે તમારો પોર્ટફોલિયો પોતાના લક્ષ્યથી ઘણો ઝડપથી દૂર ચાલ્યો જાય એવું શક્ય છે. દા.ત. તમે ૬૦ ટકા ઇક્વિટી અને ૪૦ ટકા ડેટ રોકાણ ધરાવતો પોર્ટફોલિયો ૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ તૈયાર કરી લીધો હોત અને ૨૫ માર્ચ, ૨૦૨૦ના રોજ એ પોર્ટફોલિયોની સમીક્ષા કરી હોત તો તમને જોવા મળ્યું હોત કે ઇક્વિટીનું મૂલ્ય ઘટી જવાને લીધે તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટીના પ્રમાણની તુલનાએ ડેટની ટકાવારી વધી ગઈ હોત. હવે ધારો કે તમે ૨૫ માર્ચ, ૨૦૨૦ના રોજ પોર્ટફોલિયોને ટકાવારીની દૃષ્ટિએ સંતુલિત કરવા માટે ઇક્વિટીનું રોકાણ વધારી દીધું હોત અને આજે માર્ચ ૨૦૨૧માં ફરી એકવાર તમારો પોર્ટફોલિયો અસંતુલિત થઈ ગયો હોત, કારણ કે ઇક્વિટીના મૂલ્યમાં ઘણી વૃદ્ધિ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમારે દેખીતી રીતે ઇક્વિટીનું વેચાણ કરીને પોર્ટફોલિયોને સંતુલિત કરવો પડે.

ગત જાન્યુઆરી મહિનામાંની ભાવચંચળતાને અનુલક્ષીને એમ કહી શકો કે બજારોમાં નાટ્યાત્મક ઉતાર-ચડાવ આવે ત્યારે તમારે પોર્ટફોલિયોને સંતુલિત કરવા પર ધ્યાન આપવું જોઈએ.

વધી રહેલાં બજારમાં પોર્ટફોલિયોને પુનઃ સંતુલિત કરવાનું કોઈને ન ગમે, પરંતુ રોકાણની તમારી સફરને આરામદાયક બનાવવા માટે તમારા નાણાકીય સલાહકારે એ કામ કરવું રહ્યું. આજકાલ તમે ટેક્નૉલૉજીની મદદથી પોર્ટફોલિયોનું વિશ્લેષણ સહેલાઈથી કરી શકો છો. એ કરી લીધા બાદ તમારી યોજનાને અમલમાં મૂકવા માટે તમે નાણાકીય સલાહકાર પાસે સલાહ લો એવું શક્ય છે.

વધી ગયેલા રોકાણને કાઢી નાખવાનું આસાન નથી, પરંતુ તમારે એ યાદ રાખવું ઘટે કે ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં પણ ટકી રહેશે એવી કોઈ ખાતરી હોતી નથી. આથી તમારે નિયમિતપણે પોર્ટફોલિયોનું સમય રહેતાં પુનઃ સંતુલન કરવું જોઈએ.આજે જ્યારે ઇક્વિટી માર્કેટ નવી ઊંચાઈઓ તરફ જઈ રહ્યું છે ત્યારે પોર્ટફોલિયોનું પુનઃ સંતુલન કરવાનું તમને કદાચ ન ગમે, પરંતુ પોર્ટફોલિયોનું પુનઃ સંતુલન કરવું એ અત્યાર સુધીમાં ચકાસી લેવાયેલી અને અસરકારક ઠરેલી પદ્ધતિ છે.

business news