નાણાં મંત્રાલયે નોટિફાય કરી ‘ઈ-ઍડવાન્સ રુલિંગ્સ સ્કીમ’

20 January, 2022 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિનરહીશ ભારતીયો માટે યોજના ઘણી ઉપયોગી ઠરશે

પ્રતીકાત્મક તસવીર

નાણાં મંત્રાલયે કરદાતાઓ ઈ-મેઇલ મારફતે ઍડવાન્સ રુલિંગ માટે અરજી કરી શકે એવી ‘ઈ-ઍડવાન્સ રુલિંગ્સ સ્કીમ’ શરૂ કરી છે. આ યોજના મુખ્યત્વે બિનરહીશ ભારતીય કરદાતાઓને ઉપયોગી ઠરશે. 
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સીસે નોટિફાય કરેલી ‘ઈ-ઍડવાન્સ રુલિંગ્સ સ્કીમ ૨૦૨૨’માં જોગવાઈ કરવામાં આવી છે કે ઍડવાન્સ રુલિંગ્સના બોર્ડ સમક્ષ વિડિયો કૉન્ફરન્સિંગ-વિડિયો ટેલિફોની દ્વારા સુનાવણી કરવામાં આવશે. કરદાતાઓને એમાં સુનાવણીની પૂરતી તક આપવામાં આવશે. 
બિનરહીશ ભારતીયોના કયા વ્યવહારોને ભારતના આવકવેરાના કાયદા હેઠળ કરવેરો લાગુ પડે છે એ બાબતે સ્પષ્ટતા કરવા માટે ઍડવાન્સ રુલિંગ્સ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉક્ત સ્કીમમાં કહેવામાં આવ્યું છે કે કરદાતા-આવકવેરા અધિકારીઓ અને બોર્ડ ફોર ઍડવાન્સ રુલિંગ્સ વચ્ચેનો સંપૂર્ણ સંવાદ ઇલેક્ટ્રોનિક માધ્યમથી થશે. આમ બોર્ડ ઑફ ઍડવાન્સ રુલિંગ્સને લગતી દરેક નોટિસ કે આદેશ અથવા બીજો કોઈ પણ વાર્તાલાપ અરજદાર કે એમના અધિકૃત પ્રતિનિધિના રજિસ્ટર્ડ ઈ-મેઇલ એડ્રેસ પર મોકલનારા સંદેશ દ્વારા થશે. 
અરજદાર કે એમના પ્રતિનિધિએ પણ પોતાનો જવાબ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એટલે કે ઈ-મેઇલ મારફતે આપવાનો રહેશે. 
નાંગિયા એન્ડરસન ઇન્ડિયાના અધ્યક્ષ રાકેશ નાંગિયાએ આ સંબંધે કહ્યું છે કે હવે અરજદારે જાતે હાજર રહેવું નહીં પડે, જે એક મોટી સુવિધા કહેવાય. ઍડવાન્સ રુલિંગના મોટાભાગના અરજદારો બિનરહીશ ભારતીયો હોવાથી આ યોજના ઘણી ઉપયોગી ઠરશે. 

business news