અમેરિકન ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ હોવાના ફેડના મેમ્બર્સના તારણથી સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો

27 May, 2022 06:22 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન ડ્યુરેબલ ગુડ્સના ડેટા સતત બીજા મહિને સ્ટ્રૉન્ગ આવતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું

ફાઇલ તસવીર

અમેરિકન ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ હોવાનો મત ફેડના તમામ મેમ્બર્સે મે મહિનાની મીટિંગમાં વ્યક્ત કર્યો હોવાનું મિનિટ્સમાં નોંધાયું હતું, જેને પગલે ટ્રેઝરી યીલ્ડ સુધરતાં સોનું પ્રત્યાઘાતી ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૨૭ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૧૫૭ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ 
ફેડની મે મહિનાની મીટિંગની મિનિટ્સમાં અમેરિકન ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ હોવાનો સ્પષ્ટ મત સામે આવતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સુધર્યા હતા, જેને પગલે સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. વળી અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સના ડેટા પણ સતત બીજે મહિને વધીને આવતાં સ્ટૉક માર્કેટ અને ડૉલર સુધર્યા હતા, જેને પગલે સોનું ઘટ્યું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં એપ્રિલમાં ૦.૪ ટકાનો વધારો થયો હતો જેમાં માર્ચમાં ૦.૬ ટકાનો વધારો નોંધાયો હતો અને માર્કેટની ધારણા પણ ૦.૬ ટકા વધારાની હતી. આમ માર્કેટની ધારણા કરતાં ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં ઓછો વધારો થયો હતો તેમ છતાં સતત બીજે મહિને ગુડ્સ ઑર્ડરમાં વધારો થયો હતો. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશનની સંખ્યામાં ૨૦ મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૧.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો, અગાઉના સપ્તાહે ૧૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી મૉર્ગેજ ઍપ્લિકેશનની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને હોમલોન લેનારાઓની સંખ્યા ૩.૯ ટકા ઘટી હતી. સ્પેનનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન એપ્રિલમાં ઘટીને ૪૫ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ઑલટાઇમ હાઈ ૪૭ ટકા હતું. ફ્રાન્સનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ મેમાં ઘટીને આઠ વર્ષની નીચી સપાટીએ ૮૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૮૯ પૉઇન્ટની હતી. સાઉથ કોરિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૧.૭૫ ટકાએ પહોંચાડ્યા હતા. ૨૦૨૨ના વર્ષમાં સાઉથ કોરિયાની સેન્ટ્રલ બૅન્કનો આ ત્રીજો ઇન્ટરેસ્ટ રેટ વધારો હતો. ઇકૉનૉમિક ઇન્ડિકેટર કરતાં ફેડની મે મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં અમેરિકન ઇકૉનૉમી વિશેની સ્ટ્રૉન્ગ કમેન્ટથી સોનું ઘટ્યું હતું. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ઇકૉનૉમિક સ્લોડાઉન એટલે કે મહામંદીના ભય વિશે વર્લ્ડમાં હજી બે સ્ટ્રૉન્ગ મત છે. અમેરિકન ફેડરલ રિઝર્વની મે મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં ફેડના તમામ મેમ્બર્સે એક અવાજે અમેરિકન ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ હોવાનો મત આપ્યો હતો અને વધી રહેલા ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા ફેડે જૂન અને જુલાઈ મહિનામાં ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટ વધારવા જોઈએ એવો મત લગભગ તમામ મેમ્બર્સે આપ્યો હતો, એના પરથી નક્કી થાય છે કે ફેડ જૂન અને જુલાઈ મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે. અમેરિકન ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ હોવાનો ફેડના મેમ્બર્સનો મત અને રિયલ પિક્ચર થોડું જુદું છે. અમેરિકામાં ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથ રેટ નબળો આવ્યો હતો, હાઉસિંગ ડેટા નબળા આવ્યા હતા, મૉર્ગેજ ઍપ્લિકેશન સતત ઘટી રહી છે. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથ રેટના પ્રિલિમિનરી ડેટા પણ નબળા આવ્યા હતા. આમ, અમેરિકન ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ હોવાનો ફેડના મેમ્બર્સનો દાવો અને ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ અલગ ચિત્ર બતાવી રહ્યા છે. અમેરિકન નૅચરલ ગૅસના ભાવ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ૧૪ વર્ષની ઊંચાઈએ છે. ક્રૂડ તેલના ભાવ સતત પાંચ દિવસ વધ્યા હતા. આમ, ઇકૉનૉમિક રિસેસન અને ઇન્ફ્લેશન વધવાનો ભય આગામી દિવસોમાં સતત વધતો રહેશે જે સોનામાં દરેક ઘટાડે નવો ઉછાળો આપશે. ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ હજી મિશ્ર હોવાથી આગામી એક મહિનો સોનું ૧૮૫૦થી ૧૯૦૦ ડૉલરની રેન્જમાં અથડાતું રહેશે, પણ રશિયા-યુક્રેન યુદ્ધ વધારે લંબાશે તો ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સનો સપોર્ટ સોનાને સતત મળતો રહેશે.

business news