ફેડ ચૅરમૅન પૉવેલે ઇકૉનૉમિક ગ્રોથ પૉઝિટિવ રહેવાની ખાતરી આપતાં સોનામાં નરમાઈ યથાવત્

01 July, 2022 02:21 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથ રેટનું ફાઇનલ રીડિંગ વધુ નેગેટિવ આવતાં સોનાનો ઘટાડો મર્યાદિત રહ્યો

પ્રતીકાત્મક તસવીર

ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ના ઍન્યુઅલ ફોરમમાં અમેરિકન ગ્રોથ પૉઝિટિવ રહેવાની ખાતરી આપતાં સોનામાં નરમાઈ આગળ વધી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૫૦ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 
પોર્ટુગલ ખાતે યોજાઈ રહેલી ઈસીબી ઍન્યુઅલ ફોરમમાં ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે અમેરિકાનો ઇકૉનૉમિક ગ્રોથ પૉઝિટિવ રહેવાની ખાતરી આપતાં અને રિસેશનનો ભય ખૂબ જ ઓછો હોવાની કમેન્ટ કરતાં સોનું ઘટ્યું હતું, પણ અમેરિકાના ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથ રેટનું ફાઇનલ રીડિંગ વધુ નેગેટિવ બનતાં સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. સોનું ઘટતાં ચાંદી પણ ઘટી હતી, પણ પ્લૅટિનમ અને પૅલેડિયમના ભાવ વધ્યા હતા. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઇન્ડેક્સ જૂનમાં વધીને ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૪૯.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૫ પૉઇન્ટની હતી. ચાઇનીઝ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઇન્ડેક્સ પાંચ મહિના સતત ઘટ્યા બાદ વધ્યો હતો અને છેલ્લા છ મહિનાનો સૌથી મોટો ઉછાળો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઇન્ડેક્સમાં જોવા મળ્યો હતો. ચાઇનીઝ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં આઉટપુટ, ન્યુ ઑર્ડર અને બાઇંગ લેવલ તમામ ઇન્ડિકેટર્સ ચાર મહિના પછી પ્રથમ વખત નોંધપાત્ર લેવલે વધ્યાં હતાં, જ્યારે ચાઇનીઝ સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઇન્ડેક્સ જૂનમાં વધીને ૧૩ મહિનાની ઊંચાઈએ ૫૪.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે મે મહિનામાં ૪૭.૮ પૉઇન્ટ હતો. ચાઇનીઝ સર્વિસ સેક્ટરમાં ચાર મહિના પછી પ્રથમ વખત ગ્રોથ જોવા મળ્યો હતો જેમાં ન્યુ ડોમેસ્ટિક અને એક્સપોર્ટ ઑર્ડરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ચાઇનીઝ મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ, બન્ને સેક્ટરનો ગ્રોથ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઇન્ડેક્સ પણ જૂનમાં વધીને ૧૩ મહિનાની ઊંચાઈએ ૫૪.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૪૮.૪ પૉઇન્ટ હતો. અમેરિકાનો ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથ રેટના ફાઇનલ રીડિંગમાં ૧.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે સેકન્ડ રીડિંગમાં ૧.૫ ટકાનો ઘટાડો હતો. અમેરિકાના ગ્રોથ રેટમાં કોરોના મહામારી શરૂ થયા બાદ પ્રથમ ઘટાડો હતો. ફર્સ્ટ ક્વૉર્ટરમાં અમેરિકન ઇમ્પોર્ટમાં નોંધપાત્ર વધારો થતાં અને કન્ઝ્યુમર્સ સ્પેન્ડિંગ ગ્રોથ ઘટતાં ગ્રોથ રેટ નેગેટિવ ઝોનમાં રહ્યો હતો. અમેરિકાનો કૉર્પોરેટ પ્રૉફિટ ૨૦૨૨ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૪.૯ ટકા ઘટ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૨ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ૪.૩ ટકા ઘટાડાની હતી. ખાસ કરીને કૉર્પોરેટને મળતાં ઇન્ટર્નલ ફંડની ઉપલબ્ધિમાં ૨.૨ ટકાનો ઘટાડો થતાં કૉર્પોરેટ પ્રૉફિટ ઘટ્યો હતો. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન ૨૪ જૂને પૂરા થયેલા સપ્તાહના અંતે ૦.૭ ટકા વધી હતી જે સતત ત્રીજે મહિને વધી હતી. મૉર્ગેજ રેટ સતત વધી રહ્યા હોવા છતાં મૉર્ગેજ ઍપ્લિકેશન વધી રહી છે. જોકે ૩૦ યર ફિક્સ્ડ મૉર્ગેજ રેટ છેલ્લા ચાર સપ્તાહમાં પ્રથમ વખત ઘટીને ૫.૮૪ ટકા થયા હતા એની પણ અસર મૉર્ગેજ ઍપ્લિકેશનના વધારા પર જોવા મળી હતી. જપાનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ મે મહિનામાં ૭.૨ ટકા ઘટ્યું હતું જે એપ્રિલ મહિનામાં ૧.૫ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા માત્ર ૦.૩ ટકા ઘટાડાની હતી. જૅપનીઝ ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ સતત બીજે મહિને ઘટ્યું હતું અને આ ઘટાડો છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. જર્મનીનું પ્રિલિમિનરી ઇન્ફ્લેશન એસ્ટિમેટ જૂનમાં ઘટીને ૭.૬ ટકાએ પહોંચ્યું હતું જે મેમાં ૭.૯ ટકા હતું અને માર્કેટની ધારણા આઠ ટકાની હતી. ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ સોનાની ફિઝિકલ ડિમાન્ડનો ગ્રોથ બુલિશ રહેવાનો સંકેત આપતાં હતાં. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ચીનની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં સર્વિસ સેક્ટરનો હિસ્સો ૫૩.૩ ટકા છે અને જૂન મહિનામાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૧૩ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ચાઇનીઝ સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં ઇકૉનૉમિક ઍક્ટિવિટી કોરોનાના આક્રમણ વચ્ચે પણ તેજ ગતિએ આગળ વધી રહી હોવાનો સંકેત આપે છે. ચાઇનીઝ સ્ટૉક ઇન્ડેક્સ મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના બુલિશ ડેટા બાદ વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. વળી જૂન મહિનામાં સ્ટૉક ઇન્ડેક્સનો મન્થ્લી ઉછાળો બે વર્ષનો સૌથી મોટો રહ્યો હતો. ચીને છેલ્લા એક વર્ષમાં ગ્રોથ ઓરિયેન્ટેડ ટેક્નૉલૉજી અને ન્યુ એનર્જી સેક્ટરમાં ખાસ ફોકસ કર્યું હોવાથી આ સેક્ટરના શૅર ઝડપથી વધી રહ્યા છે અને આ કંપનીઓનો ફાળો ઇકૉનૉમિક ગ્રોથમાં ઝડપથી વધી રહ્યો છે. ચીન વિશ્વનું સોનાનું સૌથી મોટું કન્ઝ્યુમર્સ અને આયાતકાર હોવાથી આગામી દિવસોમાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ ઝડપથી વધવાની ધારણા છે. ચીનની સોનાની આયાત મે મહિનામાં હૉન્ગકૉન્ગ મારફત ૫૮.૩ ટકા વધી હતી જે જૂન મહિનામાં વધુ વધી શકે છે. આગામી દિવસોમાં અમેરિકા,યુરો એરિયા કે અન્ય પશ્ચિમી દેશોમાં રિસેશન (મહામંદી)ના કોઈ સંકેતો મળશે તો ચાઇનીઝ સોનાની ફિઝિકલ ડિમાન્ડનો વધારો સોનાની તેજીનું એન્જિન બનશે.

business news