વૈશ્વિક કૉમોડિટીમાં ઘટ્યા ભાવથી તેજી થશે : જેપી મૉર્ગન

12 August, 2022 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂડ તેલના ભાવ ફરી વધીને ૧૦૦ ડૉલરની સપાટીએ આવશેઃ શૅરબજારના રોકાણકારોને કૉમોડિટીમાં આવવાની સલાહ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

વૈશ્વિક કૉમોડિટી બજારમાં હાલ મંદી જોવા મળી રહી છે અને મોટા ભાગની કૉમોડિટી તેની ટોચથી ૨૦થી ૨૫ ટકા જેવી ઘટી ગઈ છે ત્યારે વિશ્વની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક જેપી મૉર્ગેને જણાવ્યું હતું કે જો રિસેશન બહુ વકરશે નહીં તો મોટા ભાગની કૉમોડિટીમાં ફરી ભાવ ઊંચકાશે. ક્રૂડતેલના ભાવ પણ ફરી ૧૦૦ ડૉલરની સપાટી પર આવી શકે છે.

જેપી મૉર્ગનના ઍનૅલિસ્ટ માર્કો કોલાનોવિકે જણાવ્યું હતું કે જો આર્થિક મંદી સાકાર ન થાય તો માગ આગળ જતાં મજબૂત રહેવાની શક્યતા છે. ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઑઇલના ભાવ તેમની જૂનની શરૂઆતની ટોચથી ૨૫ ટકાથી વધુ ઘટી ગયા છે, જ્યારે કૉપરના ભાવ તેમના માર્ચના ઉચ્ચ સ્તરથી ૨૮ ટકા ઘટ્યા છે. કોલાનોવિક અપેક્ષા રાખે છે કે આ વર્ષના બીજા ભાગમાં ક્રૂડેતલના ભાવ બૅરલદીઠ ૧૦૦ ડૉલરના સ્તર પર ફરી આવી શકે છે.

કોલાનોવિકે જણાવ્યું હતું કે, ‘કૉમોડિટી અન્ય જોખમી અસ્ક્યામતોમાં પાછળ છે, અમે અમારાં કેટલાંક જોખમની ફાળવણીને ઇક્વિટીમાંથી કૉમોડિટીમાં સ્થાનાંતરિત કરીએ છીએ.’ કોલાનોવિકે વધુમાં જણાવ્યું હતું, ‘એકંદરે, વૈશ્વિક કૉમોડિટી ઇન્વેન્ટરીમાં વેગ આવ્યો છે, તેમ છતાં કૉમોડિટી બજારમાં ભાવ ઊંચકાઈ શકે છે.

કૉમોડિટીઝ ખરીદવા માટે ઇક્વિટીને ટ્રિમ કરવાના કોલાનોવિકના ફાળવણીના નિર્ણયનો અર્થ એ નથી કે ઇક્વિટી વ્યૂહરચનાકારે શૅરો માટેના લાંબા ગાળાના દૃષ્ટિકોણ પર મંદી કરી છે. કોલાનોવિક હજુ પણ સ્ટોક માટે ‘વધારે વજન’ સાથે ફાળવણી વધારે રાખવાનું વલણ ધરાવે છે.

આમ કૉમોડિટી બજારમાં ઘટ્યા ભાવથી આગામી દિવસોમાં ફરી સુધારાની ચાલ જોવા મળી શકે છે.

business news commodity market oil prices