દેશની મુખ્ય એગ્રિ કૉમોડિટીની નિકાસ સાત મહિનામાં ૧૫ ટકા વધી

20 November, 2021 03:51 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ચોખા, ધાન્ય પાકોની નિકાસ વધતાં કુલ નિકાસમાં વધારો નોંધાયો

ચોખા, ધાન્ય પાકોની નિકાસ વધતાં કુલ નિકાસમાં વધારો નોંધાયો

દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષના પહેલા સાત મહિના દરમ્યાન અપેડા હસ્તકની એગ્રિ કૉમોડિટીની નિકાસમાં સરેરાશ ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ચોખા-ઘઉં સહિતનાં અનાજની નિકાસ વધી હોવાથી કુલ નિકાસમાં વધારો થયો છે.
કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય દ્વારા  જાહેર કરવામાં આવેલી એક યાદી મુજબ દેશમાંથી એગ્રિ કૉમોડિટી અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસ ૧૪.૭ ટકા વધીને એપ્રિલથી ઑક્ટોબર મહિના દરમ્યાન કુલ ૧૧૬૫.૧૧ કરોડ ડૉલરની થઈ છે જે ગત વર્ષે આજ સમયગાળામાં ૧૦૧૫.૭૦ કરોડ ડૉલરની થઈ હતી. ભારતીય રૂપિયામાં જોઈએ તો કુલ ૮૬,૨૯૯ કરોડ રૂપિયાની નિકાસ થઈ છે જે ગત વર્ષે ૭૫,૯૨૪ કરોડ રૂપિયાની થઈ હતી.
એગ્રિ કૉમોડિટીની નિકાસમાં વધારા અંગે અપેડાના ચૅરમૅન ડૉ. એમ. અંગામુથુએ જણાવ્યું હતું કે દેશમાંથી વિવિધ સ્થળોથી નિકાસ વધે એ માટે જરૂરી તમામ માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે અમે પ્રયાસ કર્યા છે, જે અગાઉ અપૂરતા હતા. જેને પગલે નિકાસમાં વધારો નોંધાયો છે. કોરોના વાઇરસની સ્થિતિમાં પણ સરકાર દ્વારા નિકાસ ન અટકે એ માટે પ્રયાસ કર્યા હતા, જેને સફળતા મળી છે અને કપરાકાળમાં વિક્રમી નિકાસ થઈ છે.
દેશમાંથી સાત મહિના દરમ્યાન ફળ અને શાકભાજીની કુલ નિકાસ ૧૧,૩૬૭.૭૬ કરોડ રૂપિયાની થઈ છે જે ગત વર્ષે ૧૦,૩૦૦.૧૧ કરોડ રૂપિયાની નિકાસ થઈ હતી, જ્યારે ધાન્ય પાકો અને બીજી પ્રોસેસ્ડ ફૂડ આઇટમની નિકાસ ૩૦ ટકા જેવી વધી છે. ચાલુ વર્ષ દરમ્યાન કુલ ૯૨૯૩.૮૯ કરોડ રૂપિયાની નિકાસ થઈ હતી, જે ગત વર્ષે ૭૨૬૨ કરોડ રૂપિયાની નિકાસ થઈ હતી. ચોખાની નિકાસ સાત મહિનામાં ૩૯,૦૯૬.૬૨ કરોડ રૂપિયાની થઈ છે, જે ગત વર્ષે ૩૫,૭૫૩.૯૬ કરોડ રૂપિયાની નિકાસ થઈ હતી. તેલીબિયાં ખોળની નિકાસ ૩૮૬૭.૪૩ કરોડ રૂપિયાની થઈ હતી, જે ગત વર્ષે ૪૨૭૭.૮૯ કરોડ રૂપિયાની નિકાસ થઈ હતી

business news