ડિસેમ્બર ૨૦૨૧માં ભારતમાંથી થયેલી નિકાસ વાર્ષિક ધોરણે ૩૮.૯૧ ટકા વધી

15 January, 2022 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેટ્રોલિયમ અને ક્રૂડ ઑઇલની આયાત ૬૭.૮૯ ટકા વધી : વેપારખાધ વધીને ૨૧.૬૮ અબજ ડૉલર થઈ

પ્રતીકાત્મક તસવીર

ગયા મહિને ભારતમાંથી થયેલી નિકાસ વાર્ષિક ધોરણે ૩૮.૯૧ ટકા વધીને ૩૭.૮૧ અબજ ડૉલરના સ્તરે પહોંચી હતી. કોઈ પણ મહિનામાં થયેલી આ સૌથી વધુ નિકાસ હતી. ખાસ કરીને એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ્સ અને કેમિકલ્સ ક્ષેત્રે નિકાસમાં વૃદ્ધિ થઈ હતી. જોકે તેની સાથે-સાથે વેપારખાધમાં પણ વધારો થતાં આંકડો ૨૧.૬૮ અબજ ડૉલરે પહોંચ્યો હતો. 
સરકારે જાહેર કરેલી માહિતી અનુસાર ડિસેમ્બર ૨૦૨૧માં નિકાસ ૩૮.૫૫ ટકા વધીને ૫૯.૪૮ અબજ ડૉલર થઈ હતી. પેટ્રોલિયમ અને ક્રૂડ ઑઇલની આયાત ૬૭.૮૯ ટકા વધીને ૧૬.૧૬ અબજ ડૉલર થતાં આયાતનો કુલ આંકડો વધ્યો હતો અને પરિણામે વેપારખાધ પણ વધી હતી.
સોનાની આયાતમાં ૫.૪૩ ટકાનો વધારો થતાં તેનું મૂલ્ય ૪.૭૨ અબજ ડૉલર થયું હતું. 
નોંધનીય છે કે ગત એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં નિકાસ ૪૯.૬૬ ટકા વધીને કુલ ૩૦૧.૩૮ અબજ ડૉલર થઈ હતી. આ જ સમયગાળામાં આયાત ૬૮.૯૧ ટકાની વૃદ્ધિ સાથે ૪૪૩.૮૨ અબજ ડૉલર થઈ હતી.
આ અરસાની વેપારખાધ એકંદરે ૧૪૨.૪૪ અબજ ડૉલરની સપાટીએ પહોંચી હતી. ૨૦૨૦ના ડિસેમ્બરના અંતે વેપારખાધનું પ્રમાણ ૧૫.૭૨ અબજ ડૉલર હતું.
વાણિજ્ય મંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં જણાવાયા મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં ૨૭.૨૨ અબજ ડૉલર અને ડિસેમ્બર ૨૦૨૧માં ૩૭.૮૧ અબજ ડૉલરની ચીજવસ્તુઓની નિકાસ થઈ હતી. આમ ૩૮.૯૧ ટકાની વૃદ્ધિ થઈ કહેવાય.
ગયા ડિસેમ્બરમાં એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ ૩૮.૪૧ ટકા વધીને ૯.૮ અબજ ડૉલર થઈ હતી. પેટ્રોલિયમ પ્રૉડક્ટ્સ, જેમ્સ ઍન્ડ જ્વેલરી, કેમિકલ્સ તથા તૈયાર વસ્ત્રોની નિકાસમાં ૧૬થી લઈને ૧૫૧ ટકા સુધીનો વધારો થયો હતો. 
ડિસેમ્બરની સર્વિસિસની નિકાસ ૨૦.૦૭ અબજ ડૉલર હતી, જે ૨૦૨૦ના સમાન મહિનાની તુલનાએ ૫.૨૬ ટકા વધારે હતી. આયાત પણ ૧૫.૭૬ ટકા વધીને ૧૨.૮૭ અબજ ડૉલરની થઈ હતી. 
એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ની સર્વિસિસની કુલ નિકાસ ૧૭૭.૬૮ અબજ ડૉલર થઈ હતી, જે પાછલા વર્ષના સમાન મહિનાની તુલનાએ ૧૮.૩૯ ટકા વધારે હતી. 
આંકડાઓને અનુલક્ષીને ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સના પ્રમુખ એ. શક્તિવેલે કહ્યું હતું કે આ વલણ જોતાં ભારત વર્તમાન નાણાકીય વર્ષમાં ૪૦૦ અબજ ડૉલરની નિકાસનો લક્ષ્યાંક સિદ્ધ કરી લેશે એવું જણાય છે.

business news