શુગર મિલોનો ૫૮.૫૦ લાખ ટનનો નિકાસ વેપાર

12 June, 2021 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષ માટે જાહેર કરવામાં આવેલા ક્વૉટામાંથી હવે માત્ર ૧.૫૦ લાખ ટનનો જ ક્વૉટા બાકી છે, પરિણામે કેટલીક મિલો પાસે બહુ ઓછો પડ્યો છે, જેને નિકાસ કરવી મુશ્કેલ છે.

GMD Logo

દેશની શુગર મિલોએ ચાલુ સીઝન વર્ષમાં અત્યાર સુધીમાં ખાંડના કુલ ૬૦ લાખ ટનના નિકાસ ક્વૉટામાંથી ૫૮.૫૦ લાખ ટનના નિકાસ વેપાર પૂર્ણ કર્યા છે અને આ નિકાસ વેપાર પૈકી ૪૨.૫ લાખ ટન ખાંડની નિકાસ પણ પૂર્ણ થઈ ચૂકી છે તેમ ઓલ ઇન્ડિયા શુગર ટ્રેડ અસોસિએશને જણાવ્યું હતું. અસોસિએશને વધુમાં જણાવ્યું હતું કે દેશમાંથી ખાંડના જે નિકાસ વેપાર થાય છે તેમાંથી મોટા ભાગની નિકાસ ઇન્ડોનેશિયામાં જ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષ માટે જાહેર કરવામાં આવેલા ક્વૉટામાંથી હવે માત્ર ૧.૫૦ લાખ ટનનો જ ક્વૉટા બાકી છે, પરિણામે કેટલીક મિલો પાસે બહુ ઓછો પડ્યો છે, જેને નિકાસ કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં શુગર મિલોએ સરકારને રજૂઆત પણ કરી છે કે જે મિલોને ૩૧ મે સુધીનો નિકાસ થયા વગરનો ક્વૉટા હોય તેને પણ જાહેર કરવામાં આવે.
દેશમાંથી ખાંડની કુલ નિકાસમાંથી ઇન્ડોનેશિયામાં ૧૪ લાખ ટનની નિકાસ થઈ છે, જ્યારે અફઘાનિસ્તાનમાં ૫,૨૦,૯૦૫ ટન અને યુએઈમાં ૪,૩૬,૯૧૭ ટનની નિકાસ થઈ છે. શ્રીલંકામાં ચાલુ વર્ષે ૩,૨૪,૧૧૩ ટનની નિકાસ થઈ છે. ખાંડના નિકાસ વેપાર પૈકી ૩,૫૯,૬૬૫ ટન ખાંડ લોડિંગની પ્રક્રિયામાં છે, જ્યારે ૪,૯૮,૪૬૨ ટન ખાંડ ટ્રાન્ઝિટમાં છે.
ઓલ ઈન્ડિયા શુગર ટ્રેડ અસોસિએશનના ચૅરમૅન પ્રફુલ્લ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાન પરનાં ઑઈલ માટેનાં નિયંત્રણો હટાવી દીધાં હોવાથી આગામી દિવસોમાં ઈરાનમાં પણ નિકાસ થવાની સંભાવના રહેલી છે. ભારતમાંથી ગત વર્ષે ઈરાનમાં જ સૌથી વધુ ખાંડની નિકાસ થઈ હતી.

business news