નબળા સંજોગો વચ્ચે પણ બજાર કૂદકા માર્યા કરે છે!

22 June, 2020 06:17 PM IST  |  Mumbai Desk | Jayesh Chitalia

નબળા સંજોગો વચ્ચે પણ બજાર કૂદકા માર્યા કરે છે!

પ્રતીકાત્મક તસવીર

શૅરબજાર દિમાગ ડાઇજેસ્ટ ન કરે એવી ચાલ બતાવી રહ્યું છે. સેન્ટિમેન્ટ પર બજાર વધી રહ્યું છે. રોકાણકારોને વધતા બજારને જોઈ સવાલ થઈ રહ્યા છે કે આવા સંજોગોમાં બજાર કઈ રીતે વધે છે? જોકે આ સવાલોના કોઈ સ્પષ્ટ ઉત્તર નથી. વાસ્તે, સાવચેતી સાથે લાંબા ગાળાનું રોકાણ કરવામાં જ સાર. બાકી, ટૂંકા ગાળાનો લાભ લેવા ચોક્કસ ભંડોળ સાથે લે-વેચ કરી શકાય પોતાના હિસાબે અને જોખમે, જેથી ટૂંકા ગાળામાં નફો બુક કરવાની તક મળે તો કરી શકાય.

યે તો હોના હી થા! આપણે ગયા વખતે આ વાત કરી હતી. નક્કર પૉઝિટિવ કારણ વિના વધેલા બજાર પાસે કરેક્શન સિવાય કોઈ વિકલ્પ નહોતો. ગયા સોમવારે એનો વધુ એક સચોટ પુરાવો જોવાયો, સેન્સેક્સ ૫૫૨ પૉઇન્ટ તૂટી ૩૩,૨૨૮ અને નિફ્ટી ૧૫૯ પૉઇન્ટ તૂટીને ૯૮૧૩ બંધ રહ્યા હતા. કોરોના ઇન્ફેક્શનનો બીજો આક્રમક સપાટો શરૂ થવાના સમાચારે-સંકેતે વેચાણનું દબાણ વધારી દીધું હતું. ગ્લોબલ સંકેતોમાં પણ નબળાઈ હતી. આગલા સપ્તાહમાં ૧૦,૦૦૦ વટાવી ગયેલો નિફ્ટી હાલમાં તો ૧૦,૦૦૦ની નીચે અથવા આસપાસ જ રહે એવા સંકેત છે. જોકે મંગળવારે બજારે નવા ગ્લોબલ સંકેતને પરિણામે પૉઝિટિવ ટર્ન લઈ દિવસની શરૂઆત કરી હતી, જેમાં સેન્સેક્સ ૭૦૦ પૉઇન્ટ ઉપર ઊછળી ગયો હતો. યુએસ ફેડરલ રિઝર્વ તરફથી કૉર્પોરેટ બૉન્ડ બાઇંગના અહેવાલને પગલે યુએસ સેન્ટિમેન્ટમાં સકારાત્મક સુધારો નોંધાયો હતો, જેની અસરરૂપે ભારતીય શૅરબજારમાં પણ ઉછાળો જોવાયો હતો, પરંતુ આ ઉછાળો થોડી વારમાં જ નીચે ઊતરવા લાગ્યો હતો, જેનું કારણ કોવિડ-19 ઇન્ફેક્શનનો ફરી મોટેપાયે હુમલો આવવાના સંકેત હતા. ખાસ કરીને ભારતમાં આ આક્રમણ સ્વરૂપે કોવિડ અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં જબ્બર વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ હતી. આ બધા સંકેત એક વૈશ્વિક અભ્યાસમાં બહાર આવ્યા હતા. આ ઉપરાંત ચીન સાથેના ભારતના સીમાવિવાદની પણ બજાર પર નેગેટિવ અસર થઈ હતી, જેને કારણે માર્કેટ વધ્યા બાદ ફરી ઘટ્યું હતું. જોકે અંતમાં માર્કેટ પૉઝિટિવ બંધ થયું હતું. સેન્સેક્સ ૩૭૬ પૉઇન્ટ પ્લસ રહી ૩૩,૬૦૫ અને નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ પ્લસ રહી ૯૯૧૪ બંધ રહ્યા હતા. રોકાણકારોનું ધ્યાન ગ્લોબલ સંજોગો પર છે. પ્રવાહિતાને કારણે માર્કેટમાં વૃદ્ધિ સંભવ છે. જોકે એને ફંડામેન્ટલ્સ ગણી શકાય નહીં.

પ્રવાહિતાની પૉઝિટિવ અસર
બુધવારે બજારે સાધારણ ઘટાડા સાથે આરંભ કર્યો હતો. ચીન સાથેના સીમાવિવાદની અસર ચાલુ હોવાથી માર્કેટમાં થોડો ગભરાટ અને સાવચેતીનું વલણ હતું. અંતમાં સેન્સેક્સ ૯૭ પૉઇન્ટ અને નિફ્ટી 33 પાઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. જોકે ગુરુવારે બજારે નવો જ વળાંક લીધો હતો. શરૂઆત નબળી કર્યા બાદ સેન્સેક્સ અંતમાં ૭૦૦ પૉઇન્ટ પ્લસ બંધ રહીને ૩૪,૦૦૦ને પાર અને નિફ્ટી ૨૧૦ પૉઇન્ટ પ્લસ રહી ફરી વાર ૧૦,૦૦૦ને પાર કરી ગયો હતો. એક દિવસમાં માર્કેટ કૅપ આશરે બે લાખ કરોડ રૂપિયા વધી ગયું હતું. નિફ્ટી ટેક્નિકલ દૃષ્ટિએ પણ બુલિશ ટ્રેન્ડ બતાવતો હોવાની ચર્ચા હતી. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ૧૦૦ અબજ પાઉન્ડ (૧૨૫ અબજ ડૉલર)નું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરતાં એની પૉઝિટિવ અસર જોવાઈ હતી. વાસ્તવમાં કોવિડ-19ના આક્રમણની અસરરૂપે બ્રિટનનો ૧૮ વર્ષનો ગ્રોથ માત્ર બે મહિનામાં જ ધોવાઈ ગયો હતો. યુએસ ફેડરલ રિઝર્વે એના કૉર્પોરેટ બૉન્ડ બાઇંગ મારફત ઇકૉનૉમીને બુસ્ટ આપવાની ઘટના બાદ ઇંગ્લૅન્ડ તરફથી આ નવું પૅકેજ આવતાં ગ્લોબલ ઇકૉનૉમીને વધુ એક સકારાત્મક પરિબળ પ્રાપ્ત થયું હતું. વાસ્તવમાં દરેક દેશ એના અર્થતંત્રને રિવાઇવ કરવા માટે સિસ્ટમમાં પ્રવાહિતા વધારી રહ્યો છે, અર્થાત્ નાણાંની ઉપલબ્ધિ વધારી રહ્યો છે, જે મૂળભૂત રીતે ઇકૉનૉમી માટે છે, પરંતુ એની અસર ઇકૉનૉમી પર થતાં પહેલાં માર્કેટ પર તરત થઈ જાય છે, આ પરિબળ સેન્ટિમેન્ટને સુધારવાની ભૂમિકા ભજવે છે. ભારતમાં પણ સરકાર પ્રવાહિતા વધારવામાં સતત સક્રિય રહી છે, ધિરાણ ઉપલબ્ધિ વધારાઈ રહી છે.

પૉઝિટિવ ટ્રેન્ડ જળવાઈ રહ્યો
શુક્રવારે માર્કેટની શરૂઆત પૉઝિટિવ થઈ હતી. એક તરફ ભારત ચીન સાથે સીમાવિવાદમાં છે, જેને પરિણામે ભારતમાં ચીન પ્રત્યે આક્રોશ વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ યુએસએનો ચીન સાથે વેપારવિવાદ પણ વધતો રહ્યો છે. યુએસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચીનને સંપૂર્ણ ડિકપલ (નાતો-વ્યવહાર સાવ જ બંધ કરવાની દરખાસ્ત) કરવાનું નિવેદન કર્યું હતું. આ નિવેદનની ગંભીર અસર શક્ય છે. તેમ છતાં, શુક્રવારે સેન્સેક્સ ૫૨૩ પૉઇન્ટ અને નિફ્ટી વધીને અનુક્રમે ૩૪,૭૩૧ અને ૧૦,૨૪૪ બંધ રહ્યા હતા. આમ સેન્સેક્સે ૩૪,૦૦૦ની ઉપર તેમ જ નિફ્ટી ૧૦,૦૦૦ની ઉપર જળવાઈ રહ્યા હતા. આમ આગલા શુક્રવારની જેમ આ વિતેલા શુક્રવારે પણ બજાર ઊંચું પૉઝિટિવ બંધ રહ્યું હતું. આમ બજાર અમુક દિવસ વધે છે, જ્યારે અમુક દિવસ ઘટે છે. જોકે માર્કેટ માટે આશાવાદનું પ્રમાણ ઊચું રહે છે તેમ જ ગ્લોબલ પરિબળ વધુ ભૂમિકા ભજવતાં રહે છે, જેથી ફાઇનલી, વિશ્વમાં કોવિડ-19ની સ્થિતિ, નવેસરથી આક્રમણની શક્યતા, વિવિધ દેશોના આર્થિક સંજોગો વગેરે બાબત પર બજારના ટ્રેન્ડનો આધાર રહેશે. જોકે અર્થતંત્ર અને બજાર સામે અનિશ્ચિતતાના અવરોધની એટલી મોટી દીવાલ ઊભી થઈ ગઈ છે, જે બજારને કોઈ હિસાબે ઠરીઠામ થવા દેશે નહીં, એથી જેઓ ટૂંકા ગાળામાં લે-વેચ કરીને નફો બુક કરવાની ઇચ્છા ધરાવતા હોય તેઓ ચોક્કસ ફંડ બાજુએ રાખી એ ફંડ સાથે ગણતરીપૂર્વકનું જોખમ લઈ શકે.
બજારના વધારામાં ગયા સપ્તાહ દરમ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ફાળો પણ નોંધપાત્ર રહ્યો હતો. કંપનીના જિયો પ્રોજેક્ટમાં આવી રહેલા રોકાણની અસર તેમ જ કંપનીની  સમય કરતાં પહેલાં ડેટ ફ્રી (દેવામુક્ત) થવાની પૉઝિટિવ અસરરૂપે ભાવમાં જબ્બર સુધારો થયો હતો. રિલાયન્સનું વેઇટેજ ઇન્ડેક્સમાં પણ નોંધનીય છે.

કોવિડ અને શૅરબજારના જોખમ
જો તમે કોવિડ-19 સામે લડવા તૈયાર હો, અર્થાત્ કોવિડ સામે જોખમ લેવા તૈયાર હો તો જ શૅરબજારમાં ઇન્વેસ્ટમેન્ટનું જોખમ લેજો. તમને થશે કે કોવિડનું જોખમ અને બજારના જોખમ તો જુદાં-જુદાં છે, પરંતુ જ્યાં સુધી કોવિડની તલવાર લટકે છે ત્યાં સુધી બજારને વેગ નહીં મળી શકે. કોવિડના ભયથી અને એની અસરથી આર્થિક પ્રવૃ‌ત્ત‌િઓને પર્યાપ્ત બુસ્ટ નહીં મળે એ નિશ્ચિત છે. ત્યાં સુધી અર્થતંત્રને વેગ નહીં મળી શકે. કોવિડ સાથે જીવતા જગત ટેવાતું જશે અને આર્થિક પ્રવૃ‌ત્ત‌િઓ ગતિ પકડતી જશે એમ સુધારા દેખાવાના શરૂ થશે. ત્યાં સુધી અનિશ્ચિતતાનું રાજ રહેશે. કોવિડનો સામનો કરવા માટે તમારી ઇમ્યુનિટી મજબૂત હોવી જરૂરી છે એમ શૅરોના જોખમનો સામનો કરવાની તમારી ક્ષમતા પણ મજબૂત હોવી જોઈએ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે કોવિડનો ઇલાજ છે, સારા-સ્વસ્થ થઈ શકાય છે. લાખો લોકો એની અસર પામ્યા છે, તો કરોડો લોકો સાજા અને સ્વસ્થ પણ થયા છે. એમ શૅરબજારમાં રોકાણના જોખમનો પણ ઇલાજ હોય છે. સૌથી મોટો ઇલાજ માત્ર લાંબા ગાળાના લક્ષ્ય સાથે જ રોકાણ કરવાનો છે.