ક્રૂડ ઑઇલમાં ચાર સપ્તાહની વૃદ્ધિ બાદ પણ તેજી અટકવાનું નામ લેતી નથી

26 May, 2020 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂડ ઑઇલમાં ચાર સપ્તાહની વૃદ્ધિ બાદ પણ તેજી અટકવાનું નામ લેતી નથી

ક્રૂડ ઑઇલ

લૉકડાઉન ખૂલી રહ્યું હોવાથી માગણી વધી જશે એવી આશાએ ક્રૂડ ઑઇલના ભાવમાં જોવા મળી રહેલી એક મહિનો લાંબી તેજી સોમવારે પણ અવિરત આગળ વધી રહેલી જોવા મળી હતી. પ્રથમ ક્વૉર્ટરમાં જર્મનીનું અર્થતંત્ર મંદીમાં સરી પડ્યું હોવાની અને અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીની બજાર અવગણના કરી રહી છે.

જુલાઈ મહિનાનો, અમેરિકન વેરાઇટીનો વેસ્ટર્ન ટેકસસ ક્રૂડ ઑઇલ વાયદો અત્યારે ૦.૫૪ ટકા કે ૧૮ સેન્ટ વધી ૩૩.૪૩ ડૉલર પ્રતિ બેરલ છે, જ્યારે લંડન ખાતે બ્રેન્ટ ક્રૂડ વાયદો ૪ સેન્ટ વધી ૩૫.૦૯ ડૉલર પ્રતિ બેરલની સપાટી પર છે. ટેક્સસ વાયદો ગયા મહિને ૧૨.૭ ડૉલરની સપાટી પર હતો જે લગભગ ત્રણ ગણો વધી ગયો છે. લંડન બ્રેન્ટ ૧૯.૯૯ની ગયા મહિનાની સપાટી સામે ૭૫ ટકા વધ્યો છે. કૅલેન્ડર વર્ષમાં ભાવ ૪૫ ટકા વધ્યા હોવા છતાં સતત ચાર સપ્તાહથી ક્રૂડ ઑઇલમાં તેજી જોવા મળી રહી છે.

ચીન દ્વારા હૉન્ગકૉન્ગ અને મકાઉમાં રાષ્ટ્રીય સુરક્ષાની કલમો લાગુ કરવા માટે કાયદો શુક્રવારે મૂકવામાં આવ્યો છે. હૉન્ગકૉન્ગમાં ચીન સામે ચાલી રહેલા પ્રદર્શનને હટાવવા માટે બીજિંગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. સામે, અમેરિકા આ પ્રદર્શનકારીઓને ટેકો આપી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અત્યારે ચીન વિરુદ્ધ કોઈ પણ તક જતી કરવા માગતા નથી. કોરોના વાઇરસ ચીનની લૅબોરેટરીમાં જન્મ્યો હતો અને ચીનની બેદરકારીના લીધે સમગ્ર વિશ્વ પર આફત આવી પડી હોવાના આક્ષેપ ટ્રમ્પ અગાઉ લગાવી ચૂક્યા છે. આ બાદ, ચીનની કંપનીઓ સામે પગલાં લેવા, ચીનની કંપનીઓને અમેરિકન શૅરબજારમાં ડીલિસ્ટ કરવા તેમ જ અમેરિકાની કંપનીઓ ચીનમાંથી અન્યત્ર ઉત્પાદન ખસેડી લે એવી ચર્ચાઓ વચ્ચે હવે હૉન્ગકૉન્ગના કારણે તંગદિલી વધી છે. આ સ્થિતિમાં ક્રૂડ ઑઇલના વધતા ભાવ પર અંકુશ રહે એવી શક્યતા છે.

મે વાયદાનો અનુભવ : નેગેટિવ ભાવે

પણ એમસીએક્સમાં ટ્રેડિંગ શક્ય

ક્રૂડ ઑઇલના અમેરિકન વાયદા આધારિત એમસીએક્સના ક્રૂડ ઑઇલ વાયદામાં મે વાયદાની પતાવટ સમયે નામેકસમાં જોવા મળેલા નેગેટિવ ભાવ બાદ કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી. આ ગૂંચ ભવિષ્યમાં થાય નહીં એના માટે એમસીએક્સ દ્વારા ટ્રેડિંગ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

એમસીએક્સે ટ્રેડરોની સિસ્ટમમાં કૉમોડિટીઝના નકારાત્મક ભાવો અથવા તો માઇનસમાં ભાવ પ્રાપ્ત કરી શકાય અને એ ભાવે ટ્રેડ થઈ શકે એ માટે સૉફ્ટવેરમાં આવશ્યક સુધારા કર્યા છે એવું એક પરિપત્ર મારફત જણાવ્યું છે. આ માટે એમસીએક્સ ઍપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઇ) આવૃત્તિ સિસ્ટમમાં નકારાત્મક ભાવ પ્રાપ્ત કરી શકાય એ માટે રિલીઝ કરી છે. આ એપીઆઇને એમ્પેનલ્ડ વેન્ડર અને સભ્યોના ડેવલપિંગ સૉફ્ટવેર ઈન-હાઉસને પૂરું પાડવામાં આવ્યું છે. એમ્પેનલ્ડ વેન્ડર્સ બ્રોકર્સને તેમના ડીલરો અને ગ્રાહકોના ઑર્ડર પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે એવા કહેવાતા કમ્પ્યુટર ટુ કમ્પ્યુટર લિન્ક (સીટીસીએલ)ની સુવિધા અથવા ફ્રન્ટ ઍન્ડ ટ્રેડિંગ ટેક્નૉલૉજી પૂરી પાડે છે. ત્યાર બાદ તેને ટ્રેડર વર્ક સ્ટેશન દ્વારા એક્સચેન્જના સર્વર પર મોકલવામાં આવે છે.

business news