ઇથિરિયમ ૧૧૦૦ ટકા વળતર સાથે ટૉપ પર: એસ એન્ડપી ૪૦૦૦ને પાર

12 April, 2021 12:51 PM IST  |  Mumbai | Biren Vakil

કોરોના વિસ્ફોટથી ભારતીય બજારો ચિંતિત: રૂપિયો ટકેલો, અમેરિકાના બૉન્ડ યીલ્ડ વાઇલ્ડ કાર્ડ

પ્રતીકાત્મક તસવીર

બ્રાઝિલ પછી હવે ભારતમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોનાના પ્રથમ કેરમાંથી માંડ-માંડ બેઠા થઈ રહેલાં અર્થતંત્ર પર આ બીજા વેવનો કુઠારાઘાત સહેવો દોહ્યલો છે. આર્થિક મંદીના ઓળા દેખાતાં રૂપિયો અને શૅરબજારમાં ફરી ચિંતાની લહેર દેખાય છે. બ્રાઝિલ, ચીલી વગેરે લૅટિન અમેરિકાના દેશોમાં પણ કોરોના બેકાબૂ બની ગયો છે. યુરોપમાં હવે સંક્રમણ થોડું ઘટ્યું છે, જોકે આંશિક લૉકડાઉન ચાલુ છે. વિકસિત દેશોમાં માત્ર યુએસ અને યુકે તબક્કાવાર અનલૉકડાઉનમાં જઈ રહ્યા છે. ચીન કોરોનાથી બહાર નીકળી ગયું છે. જાન્યુઆરી - માર્ચ ગાળામાં ૨૦ ટકાનો આર્થિક વિકાસદર, વાર્ષિક ધોરણે ડબલ ડિજિટ વિકાસદર નોંધાવે એવા અનુમાન છે. ભારતીય અર્થતંત્ર માટે ૧૧-૧૨ ટકાના વાર્ષિક વિકાસદરની આશા વધુપડતી લાગે છે.

વૈશ્વિક અસેટ બજારોની વાત કરીએ તો વિકસિત શૅરબજારો, લાર્જ કૅપ ટેક્નૉલૉજી શૅરો અને ડિજિટલ કરન્સી સ્પેસ હોટ-મની માટે ફેવરીટ ડેસ્ટિનેશન છે. ક્રિપ્ટોકરન્સીમાં ફાટફાટ તેજી છે. અમેરિકામાં શૅરબજારમાં તેજી નવાં શિખરો સર કરી રહી છે. ઘરેલું બચત, પ્રાઇવેટ વેલ્થમાં તોતિંગ વધારો થયો છે. કૉર્પોરેટ કૅશ ઑન હેન્ડ વિપુલ માત્રામાં હોવાથી શૅર બાયબૅક ફરી પાછા શરૂ થયા છે. ફેડ ફુગાવો ઓવરશૂટ થાય એ માટે કટિબદ્ધ છે, જેથી કરીને મહામંદીનાં જોખમ કાયમી ધોરણે ટળી જાય. અમર્યાદ લિક્વિડિટીને કારણે અસેટ બબલ મોટા થતા જાય છે, આવકની અસમાનતા પણ વધતી જાય છે. સામાજિક તણાવ વધતો જાય છે. ગયા મહિને પાસથયેલા કોરોના સ્ટિમ્યુલસના ચેકો,

નવા ઇન્ફ્રા પૅકેજની આશાએમૂડીબજારની તેજી બેકાબૂ બની ગઈ છે. એસઅૅન્ડપી ૪૧૦૦ને પાર જતો રહ્યો છે. ધનકુબેરોએ વૈશ્વિક અર્થતંત્રને હાઈજેક કરી લીધું છે.

ડિજિટલ કરન્સીમાં હવે તેજી વ્યાપક બની રહી છે. બીટકૉઇન ફરી ૬૦૦૦૦ ડૉલર વટાવી ગયો છે. જોકે એની હરીફ કરન્સી ઇથિરિયમે આ વર્ષે બીટકૉઇનને પાછળ રાખી દીધો છે. બીટકૉઇન માર્કેટ કૅપ મામલે મોટું છે, પણ વળતરની રીતે ઇથિરિયમ આ વર્ષે ૧૧૦૦ ટકા વધ્યો છે તો બીટકૉઇન ૬૦૦ ટકા વધ્યો છે. બજેટમાં ભારત સરકારે આડકતરો નિર્દેશ આપ્યો હતો કે ડિજિટલ કરન્સીમાં કામકાજ કરવા ગેરકાયદે છે. જોકે આ અંગે ડિજિટલ કરન્સીની તરફેણમાં ભારે લૉબિંગ થઈ રહ્યું છે એ જોતાં આ મામલે કંઈક સકારાત્મક સમાચાર આવશે. ડિજિટલ કરન્સી સ્પેસમાં ઘણાબધા ફેરફાર થઈ રહ્યા છે. એક બાજુ ખાનગી ક્ષેત્ર પોતપોતાની રીતે ટૉકન લાવી રહ્યા છે. બીજી બાજુ સરકાર પોતે પણ સોવરીન કૉઇન-સ્ટેબલ કૉઇન માટે કામકાજ કરી રહી છે. ખાનગી ક્રિપ્ટોકરન્સીમાં હાલમાં અંદાજે ૩૮૦૦ જાતના ટૉકન (કરન્સી) બહાર પડ્યાં છે. એમાં ૯૦ ટકા ટૉકન ફ્રોડ હશે, આગળ જતાં ખોવાઈ જશે. અમુક ક્રિપ્ટો ટૉકન ડ્રગ્સ, ગેરકાયદે હવાલા વગેરેમાં વપરાતાં હોઈ ડિલિસ્ટ થઈ જશે. હાલમાં બીટકૉઇન, ઇથિરિયમ, પોલકાડોટ, ડેશ, કાર્ડાવો જેવાં ૪૦-૫૦ ટૉકન પૉપ્યુલર છે. જે ટૉકનનું માર્કેટ કૅપ ૨૫ અબજ ડૉલર પર ટકી રહે એ જ આગળ જતાં સસ્ટેઇન થશે, બીજા બધા ઇસ્યુઅર ખોવાઈ જશે.

રૂપિયાની વાત કરીએ તો બે સપ્તાહની તીવ્ર મંદી પછી રૂપિયો ૭૪.૫૦-૭૦ના સ્તરે સ્થિર થયો છે. દેશમાં કોરાના સ્થિતિ, મહારાષ્ટ્રમાં પુલ લૉકડાઉન, ફુગાવાનો વધારો જેવાં કારણો જોતાં શૅરબજાર અને રૂપિયા પર કામચલાઉ દબાણ આવી શકે છે. કોઈ પણ બજારમાં હકીકત પર આશાવાદ હાવી થઈ જાય અને તેજી માત્ર ફિલગુડ ફેકટર પર ચાલતી હોય ત્યારે લેટ સ્ટેજ બબલની સ્થિતિમાં કરેક્શન વિલંબિત પણ તીવ્ર સ્વરૂપના હોય છે. રિઝર્વ બૅન્કે વ્યાજદર યથાવત્ રાખ્યા છે. આગળ જતા રૂપિયો ૭૫.૨૦-૭૫.૫૦ થવાની શક્યતા છે. અન્ય કરન્સીમાં યુરો, પાઉન્ડ અને ડૉલેકસમાં વધઘટ સાકંડી હતી. આંકડાઓ કહે છે કે અમેરિકામાં ફુગાવો કદાચ ફેડની ધારણા કરતાં વધુ વધે. એમ થાય તો ૧૦ વર્ષના બૉન્ડ યીલ્ડ તેજીથી વધે અને શૅરબજારોમાં, ખાસ કરીને ઇમર્જિંગ બજારોમાં મંદીતરફી કરેક્શન લાવી શકે.

business news