એનએસઈએલ કેસમાં લગભગ ૧૦૦ બ્રોકરેજ કંપનીઓના ડિરેક્ટર્સને ઈઓડબ્લ્યુના સમન્સ

19 June, 2021 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષ ૨૦૧૩માં બહાર આવેલી એનએસઈએલની પેમેન્ટ કટોકટીમાં કૉમોડિટી બ્રોકરોએ બેનામી અકાઉન્ટ દ્વારા મની લૉન્ડરિંગ, પેન નંબર લેન્ડિંગ, ટ્રેડ મોડિફિકેશન્સ વગેરે સહિતની અનેક ગેરરીતિઓ આચરી હોવાનો આરોપ છે.

મિડ-ડે લોગો

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ) કેસમાં ગેરરીતિ તથા ટ્રેડિંગ ક્લાયન્ટ્સ સાથે છેતરપિંડી કર્યાનો આરોપ ધરાવતી લગભગ ૧૦૦ કૉમોડિટી બ્રોકરેજ કંપનીઓના ડિરેક્ટર્સને સમન્સ મોકલ્યા છે. 
ઈઓડબ્લ્યુના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યા મુજબ આ બ્રોકરેજ કંપનીઓ પાસેથી ૪૨૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ લેવાની નીકળે છે. આ વર્ષની શરૂઆતથી જ બ્રોકરેજ કંપનીઓના ડિરેક્ટર્સને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે અને આ મહિને પણ સમન્સ મોકલાયા છે. 
ડિરેક્ટર્સને તમામ ક્લાયન્ટ્સની ટ્રેડ મોડિફિકેશન્સની વિગતો તથા ક્લાયન્ટનાં લેજર અકાઉન્ટ, સેટલમેન્ટ અકાઉન્ટ, બૅન્કિંગ વિગતો, ગ્રાહકો પાસેથી લેવાયેલી બ્રોકરેજ, વેરહાઉસની લીધેલી મુલાકાત વગેરે સહિતની અનેક પ્રકારની માહિતી સાથે વ્યક્તિગત રીતે ઈઓડબ્લ્યુ સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.
જેમને સમન્સ મોકલવામાં આવ્યા છે તેમાં મોતીલાલ ઓસ્વાલ કૉમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, આનંદ રાઠી કૉમોડિટીઝ, સિસ્ટમેટિક્સ કૉમોડિટીઝ, વેટુવેલ્થ કૉમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કૉમોડિટીઝ અને પ્રોગ્રેસિવ કોમટ્રેડ, જિયોજિત કોમટ્રેડનો સમાવેશ થાય છે.
ઈઓડબ્લ્યુના અધિકારીઓએ જણાવ્યા મુજબ અન્ય મોટાં નામોમાં ફિલિપ કૉમોડિટીઝ ઇન્ડિયા, એમ. કે. કોમટ્રેડ, જે. એમ. ફાઇનૅન્શિયલ કોમટ્રેડ, વેન્ચુરા કૉમોડિટીઝ, અરિહંત ફ્યુચર્સ અૅન્ડ કૉમોડિટીઝ, એસપીએફએલ કૉમોડિટીઝ, આર. આર. કૉમોડિટી બ્રોકર્સ, નિર્મલ બંગ કૉમોડિટીઝ, ઇન્ડિયા નિવેશ કૉમોડિટીઝ અને સુરેશ રાઠી કૉમોડિટીઝનો સમાવેશ થાય છે. 
આ બધી ટોચની કંપનીઓ પાસેથી આશરે ૪૨૦૫ કરોડ રૂપિયા લેવાના નીકળે છે. વર્ષ ૨૦૧૩માં બહાર આવેલી એનએસઈએલની પેમેન્ટ કટોકટીમાં કૉમોડિટી બ્રોકરોએ બેનામી અકાઉન્ટ દ્વારા મની લૉન્ડરિંગ, પેન નંબર લેન્ડિંગ, ટ્રેડ મોડિફિકેશન્સ વગેરે સહિતની અનેક ગેરરીતિઓ આચરી હોવાનો આરોપ છે. તેઓ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે એનએસઈએલ અને તેના પ્રમોટરને ટાર્ગેટ કરતા રહ્યા હતા, પણ સેબીએ તેમની સામે કાર્યવાહી શરૂ કરતાં એમની પોતાની સંડોવણી સામે આવી છે. 

business news