છેલ્લા એક કલાકની ખરીદીથી નિફ્ટી ૧૩,૦૦૦ ઉપર ટકી રહેવામાં સફળ

03 December, 2020 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા એક કલાકની ખરીદીથી નિફ્ટી ૧૩,૦૦૦ ઉપર ટકી રહેવામાં સફળ

વૈશ્વિક બજારમાં અત્યારે સાવચેતી જોવા મળી રહી છે. વિક્રમી સ્તર પર પહોંચેલા બજારમાં નવા ટ્રીગરની વધારા કે ઘટાડા માટે રાહ જોવામાં આવી રહી છે. ગઈ કાલે એશિયન બજાર વધ્યાં હતાં, યુરોપમાં ઘટાડો હતો અને અમેરિકન બજારમાં ઘટાડાનો સંકેત હોવા છતાં ભારતીય બજાર દિવસની નીચી સપાટીએથી વધી બંધ આવ્યાં હતાં. જોકે આજના દિવસે લાર્જ કૅપ કરતાં સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં વધારે વૃદ્ધિ જોવા મળી રહી હતી. સ્થાનિક ફંડ્સની સતત વેચવાલી વચ્ચે ગઈ કાલે વિદેશી ફંડ્સ ખરીદીમાં ધીમા પડ્યાં હતાં. સેન્સેક્સ નરમ બંધ આવ્યો હોવા છતાં સ્મૉલ કૅપ અને મિડ કૅપની ખરીદીના કારણે બજારમાં રોકાણકારોની સંપત્તિમાં વૃદ્ધિ જોવા મળી હતી.

સત્રમાં એક તબક્કે પ્રૉફિટ બુકિંગના કારણે બૅન્કિંગ અને ફાઇનૅન્સ કંપનીઓમાં વેચાણના કારણે સેન્સેક્સ ૪૮૬ પૉઇન્ટ અને નિફ્ટી ૧૨૮ પૉઇન્ટ નીચે હતા. વાયદામાં સાપ્તાહિક પતાવટના આગલા દિવસે ગઈ કાલે બજારમાં તીવ્ર વધઘટ જોવા મળી હતી. છેલ્લા એક કલાકમાં રિલાયન્સ, ઇન્ફોસીસ અને ટીસીએસ જેવી કંપનીઓમાં ખરીદી નીકળતાં બજાર નીચા મથાળેથી ઊછળ્યાં હતાં. સત્રના અંતે સેન્સેક્સ ૩૭.૪૦ પૉઇન્ટ કે ૦.૦૮ ટકા ઘટી ૪૪,૬૧૮ અને નિફ્ટી ૪.૭૦ પૉઇન્ટ કે ૦.૦૪ ટકા વધી ૧૩,૧૧૩ની સપાટીએ બંધ આવ્યા હતા. ગઈ કાલના ઘટાડામાં એચડીએફસી બૅન્ક, કોટક મહિન્દ્રા બૅન્ક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બૅન્કનો ફાળો હતો, સામે રિલાયન્સ, એશિયન પેઇન્ટ, ટીસીએસ, ઇન્ફોસીસ વધ્યા હતા.

વિદેશી ફંડ્સની ૬૫,૩૧૭ કરોડ રૂપિયાની વિક્રમી ખરીદીના સહારે નવેમ્બર મહિનામાં ભારતીય શૅરબજારમાં કૅલેન્ડર વર્ષ ૨૦૨૦નો બીજો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ઇક્વિટી ફંડ્સમાંથી રોકાણકાર નાણાં ઉપાડી રહ્યાં હોવાથી સ્થાનિક ફંડ્સ સતત ઊંચા મથાળે વેચાણ કરી રહ્યાં છે. ગયા મહિને સ્થાનિક ફંડ્સની ૪૮,૩૧૯ કરોડ રૂપિયાની વેચવાલી બજારમાં જોવા મળી છે. ફરી એક વાર બુધવારના દિવસે વિદેશી ફંડ્સની ખરીદી ધીમી પડી રહી હોવાના ચિહ્ન મળ્યા હતા. ગઈ કાલે વિદેશી ફંડ્સની ૩૫૭ કરોડ રૂપિયાની ખરીદી હતી સામે સ્થાનિક ફંડ્સની ૧૬૩૬ કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળી હતી.

સ્ટૉક એક્સચેન્જના એક્સચેન્જ પર ગઈ કાલે ચાર ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં બૅન્કિંગ, ફાઇનૅન્સ સૌથી મહત્ત્વના હતા. સૌથી વધુ ઉછાળો રિયલ એસ્ટેટ, મેટલ્સ અને ઑટોમાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૧૩૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને પાંચ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૦૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૫૬ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી

બીએસઈ પર ૨૨૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૩૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૪૧૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૯૩માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૬૮ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૫૫ ટકા વધ્યા હતા. બુધવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૮૮,૩૭૬ કરોડ વધી ૧૭૭.૧૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

સાપ્તાહિક પતાવટ સમયે બૅન્કિંગમાં ફરી ઘટાડો

દર ગુરુવારે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર સાપ્તાહિક રીતે નિફ્ટી બૅન્કના વાયદામાં પતાવટ થતી હોય છે. અગાઉનાં ત્રણ સપ્તાહની જેમ ગઈ કાલે પણ નિફ્ટી બૅન્કના ચોથા સપ્તાહની પતાવટ સમયે બૅન્કિંગ શૅરોમાં પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. છેલ્લાં ચાર સપ્તાહથી ગુરુવાર કે બુધવારે આ રીતે બૅન્કિંગ શૅરોમાં નરમ હવામાન જોવા મળે છે. ત્રણ સત્રમાં ૨.૧૩ ટકા વધ્યા પછી ગઈ કાલે નિફ્ટી બૅન્ક ૧.૧૯ ટકા ઘટ્યો હતો.

નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ગઈ કાલે ૧.૧૭ ટકા ઘટ્યો હતો જેમાં કોટક મહિન્દ્રા બૅન્ક ૩.૩૫ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૯૫ ટકા, બંધન બૅન્ક ૧.૩૮ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૧.૨૧ ટકા, આઈસીઆઈસીઆઈ બૅન્ક ૧.૧૬ ટકા, સિટી યુનિયન બૅન્ક ૦.૬૯ ટકા, ફેડરલ બૅન્ક ૦.૫૨ ટકા અને આરબીએલ બૅન્ક ૦.૧૬ ટકા ઘટ્યા હતા. માત્ર ઍક્સિસ બૅન્કના શૅર ૦.૮૬ ટકા વધ્યા હતા.

નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૦.૪૪ ટકા ઘટ્યો હતો જેમાં કેનેરા બૅન્ક ૪ ટકા, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક ૧.૮૭ ટકા, ઇન્ડિયન બૅન્ક ૧.૮૧ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ ૧.૩૮ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૧૬ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૬ ટકા અને યુકો બૅન્ક ૦.૪ ટકા ઘટ્યા હતા. સામે સેન્ટ્રલ બૅન્ક ૩.૦૮ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨.૪૨ ટકા, યુનિયન બૅન્ક ૧.૯ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૭૨ ટકા, બૅન્ક ઑફ બરોડા ૦.૮૪ ટકા વધ્યા હતા.

ચોથા દિવસે પણ રિયલ

એસ્ટેટ શૅરોમાં તેજી

નિફ્ટી રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ મંગળવારે સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ગઈ કાલે સતત ચોથા સત્રમાં ફરી વધ્યો હતો. ગઈ કાલે પણ બજારમાં સૌથી વધનારા ક્ષેત્રમાં એનો સમાવેશ થતો હતો. નિફ્ટી રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ ગઈ કાલે ૨.૯૬ ટકા વધ્યો હતો જેમાં ફિનિક્સ ૧૧.૪૨ ટકા, ઓબેરોય રિયલ્ટી ૪.૭૪ ટકા, ડીએલએફ ૩.૨૩ ટકા, ઓમેક્સ ૧.૪૯ ટકા, સનટેક રિયલ્ટી ૧.૨૭ ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઇસ ૧.૨૩ ટકા, શોભા લિમિટેડ ૧.૨ ટકા, ગોદરેજ પ્રૉપર્ટી ૦.૬૭ ટકા અને પ્રેસ્ટીજ એસ્ટેટ ૦.૧૯ ટકા વધ્યા હતા માત્ર ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ ૨.૦૧ ટકા ઘટ્યો હતો.

સ્મૉલ કૅપ એક વર્ષની ઊંચાઈએ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પર સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ગઈ કાલે એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સની વૃદ્ધિમાં ફિનિક્સ લિમિટેડ, એઆઇએ એન્જિનિયરિંગ, વકરાંગી સોફ્ટ, જ્યુબિલન્ટ ફૂડ્સ, તાતા કેમિકલ્સ, વરુણ બીવરેજીસ, અદાણી ગૅસ, એસ્કોર્ટ્સ, એસઆરએફ જેવી કંપનીઓનો સિંહફાળો હતો. છેલ્લા એક મહિનામાં કૅર રેટિંગ, દીવાન હાઉસિંગ, તાન્લા પ્લૅટફૉર્મ, થોમસ કુક, ગાયત્રી પ્રોજેક્ટ જેવી કંપનીઓના શૅર ૭૫ ટકા જેટલા વધી ગયા છે. ઇન્ડેક્સની ૧૫ કંપનીઓ એવી છે કે જેના શૅરમાં ૫૦થી ૭૫ ટકાની વૃદ્ધિ જોવા મળી હોય.

અન્ય શૅરોમાં વધઘટ

નવેમ્બર મહિનામાં વાહનોનું વેચાણ ૧૪ ટકા વધ્યું હોવાથી હીરો મોટોકોર્પના શૅર ૦.૪૩ ટકા વધ્યા હતા. રૉયલ એનફિલ્ડનું વેચાણ નવેમ્બરમાં ૬ ટકા જ વધ્યું હોવાથી આઈશરના શૅર ગઈ કાલે ૦.૦૬ ટકા ઘટ્યા હતા. વાહનોનું વેચાણ ૨૦.૭૩ ટકા વધ્યું હોવાથી તાતા મોટર્સના શૅર ૨.૧૪ ટકા વધ્યા હતા. આગામી દિવસોમાં બોર્ડની બેઠકમાં બાયબૅક અંગે વિચારણા કરશે એવી જાહેરાત સાથે સ્માર્ટલિન્ક હોલ્ડિંગના શૅર ૨૦ ટકા વધ્યા હતા. નવેમ્બરમાં ઉત્પાદન ૩.૩ ટકા વધ્યું હોવાથી કોલ ઇન્ડિયાના શૅર ૨.૬ ટકા વધ્યા હતા. બ્લોક ડીલના કારણે ભારતી ઇન્ફ્રાટેલના શૅર ગઈ કાલે ૪.૧૦ ટકા વધ્યા હતા. અદાણી પોર્ટનું કાર્ગો વૉલ્યુમ નવેમ્બરમાં ૧૦ ટકા વધ્યું હોવાથી શૅરના ભાવ ૩.૫૩ ટકા વધ્યા હતા. નવો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી વિપ્રોના શૅર ૦.૩૩ ટકા વધ્યા હતા. ૩૯૦૫ કરોડ રૂપિયાનો નવો ઑર્ડર મળતાં એનસીસીના શૅર ૩.૦૨ ટકા વધ્યા હતા.

business news bombay stock exchange