ઊભરતા દેશોની ઇકૉનૉમીનો ગ્રોથ ધીમો પડશે : જેપી મૉર્ગન

11 May, 2022 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉલરની મજબૂતાઈ પણ ઊભરતાં બજારોની ઇકૉનૉમી માટે અસરકર્તા રહેશે

પ્રતીકાત્મક તસવીર

જેપી મૉર્ગનના વિશ્લેષકોએ સોમવારે જણાવ્યું હતું કે ચીન, રશિયાની મંદી અને કડક નાણાકીય સ્થિતિને પગલે ઊભરતાં બજારોમાં આર્થિક વૃદ્ધિ આ ત્રિમાસિક ગાળામાં ‘તીવ્ર’ ધીમી થવાની તૈયારીમાં છે.
ચીન એની ઝીરો-કોવિડ નીતિનું પાલન કરે છે, રશિયાની મંદી અને કડક થતી વૈશ્વિક નાણાકીય સ્થિતિ આ ત્રિમાસિક ગાળામાં ઊભરતાં બજારોની વૃદ્ધિને ઝડપથી નીચે ખેંચશે તેમ જેપી મૉર્ગનના કરન્સી, કૉમોડિટી અને ઇમર્જિંગ સંશોધનના વડા લુઇસ ઓગેન્સ અને ઊભરતાં બજારો અને સોવરિન ડેટ સ્ટ્રૅટેજીના વડા જૉની ગોલ્ડને જણાવ્યું હતું.
અમેરિકન ડૉલરની મજબૂતાઈ ચાલુ હોવાથી ઊભરતાં બજારોની કરન્સી નબળી રહે એવી શક્યતા છે અને ઊભરતાં બજારોમાં આર્થિક વૃદ્ધિ માટે એ જોખમ છે, એમ તેમણે જણાવ્યું હતું.
વિકસિત બજાર ચલણની બાસ્કેટ સામે સોમવારે ડૉલર ૨૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને કરન્સીનો ઇન્ડેક્સ નવેમ્બર ૨૦૨૦ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો.

રૂપિયામાં ઑલટાઇમ લોથી ૧૦ પૈસાનો સુધારો

રૂપિયામાં ઑલટાઇમ લોની સપાટીથી મંગળવારે ૧૦ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના કેટલાક ડેટાઓ જાહેર થાય એ પહેલાં ડૉલરમાં નરમાઈ હોવાથી ભારતીય રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે મંગળવારે ૭૭.૩૦ની સપાટી પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન એક તબક્કે નબળો પડીને ૭૭.૪૪ સુધી પહોંચીને દિવસના અંતે ૭૭.૩૪ની સપાટી પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૭૭.૪૭ની સપાટી પર બંધ રહ્યો હતો.
યુરોપમાં ઊંચા વ્યાજદરને લઈને રોકાણકારો ચિતિંત છે અને એની ઇકૉનૉમી પર અસર થવાની ભીતિએ પણ કરન્સી નબળી પડી હતી. ડૉલર ૨૦ વર્ષની ઊંચી સપાટી પર સ્ટેબલ હતો. એશિયન કરન્સી સામે બે વર્ષની ઊંચી સપાટી પર અથડાઈ રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ ૧૦૩.૮૮ પર પહોંચ્યો હતો, જે આગલા દિવસે ૧૦૩.૭૬ બંધ હતો.
ભારતીય રૂપિયામાં ચાલુ સપ્તાહ દરમિયાન હવે વૉલેટિલિટી ચાલુ રહે એવી ધારણા છે. રૂપિયો વધુ ઊંચકાશે તો રિઝર્વ બૅન્કની દરમિયાનગીરી આવે એવી
સંભાવના છે. 

બીટકૉઇન ઇન્ટ્રા-ડે ધોરણે ૩૦,૦૦૦ ડૉલરની નીચે

આઇસી૧૫ ઇન્ડેક્સમાં વધુ ૨૨૮૯ પૉઇન્ટનું ધોવાણ 

બીટકૉઇનનો રકાસ આગળ વધતાં ગયા ૭ દિવસમાં એનો ભાવ ૧૮ ટકા ઘટી ગયો છે. મંગળવારે સૌથી મોટી આ ક્રિપ્ટોકરન્સીનો ભાવ વધુ ઘટીને ઇન્ટ્રા-ડે ધોરણે ૩૦,૦૦૦ ડૉલરની નીચે ઊતરી ગયા બાદ સુધર્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે બીટકૉઇન ૪.૨૮ ટકાના ઘટાડા સાથે ૩૧,૬૨૫ ડૉલર ચાલી રહ્યો છે. આ જ રીતે ઇથેરિયમમાં ૭ દિવસમાં ૧૫.૬૮ પૉઇન્ટના ઘટાડા સાથે મંગળવારે ૦.૧૫ ટકાનો ઘટાડો થયો હતો. એનો પ્રવર્તમાન ભાવ ૨૩૯૭ ડૉલર હતો. સમગ્ર ક્રિપ્ટો માર્કેટમાં ધોવાણ ચાલુ રહેતાં મંગળવારે માર્કેટ કૅપિટલાઇઝેશન વધુ ૨.૮૮ ટકા ઘટીને ૧.૪૬ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું હતું. ટેરા લ્યુનાનો ભાવ આશરે અડધો ઘટી જવાને પગલે દરેક ડૉલરની સાથેનું એના ભાવનું જોડાણ પણ તૂટી ગયું હતું. ટેરા લ્યુનાનો ભાવ એક ડૉલર સાથે સાંકળવામાં આવ્યો છે, પરંતુ લ્યુના ટૉકનની મોટા પાયે વેચવાલી થતાં એનો ભાવ ઘટી ગયો હતો. એક અઠવાડિયામાં ટેરા લ્યુનાનો ભાવ ૬૨ ટકા અને ૨૪ કલાકમાં ૪૫ ટકા ઘટી ગયો છે. દરમિયાન, ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ મંગળવારે બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૪.૭૫ ટકા (૨૨૮૯ પૉઇન્ટ) ઘટીને ૪૫,૮૪૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૪૮,૧૩૬ ખૂલીને ૪૮,૪૦૪ સુધીની ઉપલી અને ૪૨,૪૭૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. 

પ્રુડન્ટ કૉર્પોરેટનો ઇશ્યુ પહેલા દિવસે ૩૬ ટકા ભરાયો

રીટેલ વેલ્થ મૅનેજમેન્ટ ફર્મ પ્રુડન્ટ કૉર્પોરેટ ઍડ્વાઇઝરી સર્વિસિસનો આઇપીઓ પહેલા દિવસે ૩૬ ટકા ભરાયો હતો. એનએસઈના આંકડાઓ અનુસર આઇપીઓ માટે ઑફર કરવામાં આવેલા ૬૦,૧૮,૬૮૯ શૅરની સામે ૨૧,૮૫,૨૭૬ શૅરની બીડ મળી હતી.
રીટેલ રોકાણકારોની કૅટેગરીમાં ઇશ્યુ ૭૨ ટકા અને બિનસંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો માત્ર બે ટકા જ ભરાયો હતો. કંપનીએ સોમવારે એન્કર ઇન્વેસ્ટરો પાસેથી ૧૫૯ કરોડ રૂપિયા મેળવ્યા હતા.

પસંદગીના સ્પેક્ટ્રમની હરાજીનું કામ સરકારનું : ટ્રાય

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાય)એ સોમવારે જણાવ્યું હતું કે આઇએમટી-5G સેવાઓ માટે ૨૭.૫-૨૮.૫ ગીગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી રેન્જ ફાળવવી કે હરાજી કરવી કે નહીં એ નક્કી કરવાનું કામ ટેલિકૉમ વિભાગનું છે, કારણ કે નિયમનકારે વિવિધ હરાજી સંબંધિત મુદ્દાઓ પર પોતાનો આધાર રાખ્યો હતો અને તાજેતરમાં એ વિશે ભલામણો પણ કરી હતી. ટ્રાયે પણ અલગ પ્રતિબંધ વિશે પોતાનાં મંતવ્યોનો બચાવ કર્યો હતો.

business news