ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો

30 September, 2020 07:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીને લીધે ભારત સહિત દેશના દરેક અર્થતંત્ર ઉપર માઠી અસર પડી છે. લૉકડાઉનના લીધે કામકાજ સંપૂર્ણ ઠપ પડ્યા બાદ હજી પરિસ્થિતિ સુધરી નથી.

ઔદ્યોગિક ક્ષેત્રની સ્થિતિની વાત કરીએ તો દિવસેને દિવસે ગંભીર બની રહી છે અને સળંગ છઠ્ઠા મહિને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. આજે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ ભારતના મુખ્ય આઠ ઔદ્યોગિક ક્ષેત્ર ગણાતા કોર સેક્ટરનો ઉત્પાદન વૃદ્ધિદર ઓગસ્ટ મહિનામાં 8.5 ટકા ઘટ્યું છે.

કોર સેક્ટરના મુખ્ય આઠ ઔદ્યોગિક ક્ષેત્રમાંથી મુખ્યત્વે સ્ટીલ, રિફાઇનરી, પ્રોડક્ટ અને સિમેન્ટ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જુલાઇ મહિનાના કોર સેક્ટરના ગ્રોથને સંશોધિત કરાવામાં આવ્યો છે અને તે અગાઉ જાહેર કરાયેલા -9.6 ટકાથી સુધારીને -8 ટકા કરાયો છે. ઉલ્લેખનિય છે કે આ કોર સેક્ટર ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP)માં 40 ટકા યોગદાન આપે છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા ઓગસ્ટ મહિનામાં કોલસા અને ખાતર ક્ષેત્રને બાદ કરતા બાકીના તમામ છ ઔદ્યોગિક ક્ષેત્રનું ઉત્પાદન ઘટ્યુ છે. ઓઘસ્ટમાં સિમેન્ટનું ઉત્પાદન -14.6 ટકા, ક્રૂડ ઓઇલનું -6.3 ટકા, રિફાઇનરી પ્રોડક્ટ્સનું -19.1 ટકા, સ્ટીલનું -6.3 ટકા અને ઇલેક્ટ્રિસિટીનું -2.7 ટકા ઘટ્યુ છે.

નોંધનિય છે કે, કોરોના વાયરસની મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનના લીધે મોટાભાગની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ એપ્રિલમાં થંભી ગઇ હતી અને તેના લીધે તે મહિને કોર સેક્ટરના ઉત્પાદનમાં 37.9 ટકાનું તીવ્ર સંકોચન જોવા મળ્યુ હતુ. જો કે ત્યાર પછીના મહિનામાં થોડીક છુટછાટો મળતા સંકોચન ઘટ્યુ હતુ અને તે મે 2020માં -21.4 ટકા અને જૂનમાં -12.9 ટકા નોંધાયુ હતુ.

વર્તમાન નાણાંકીય વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કોર સેક્ટરના ઉત્પાદનમાં 17.8 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે જ્યારે ગત વર્ષના સમાન ગાળામાં ઉત્પાદનમાં અઢી ટકાની વૃદ્ધિ થઇ હતી.

business news coronavirus covid19 lockdown